બ્લેક એન્ડ વ્હાઈટ:ફિલ્મસ્ટાર્સની ગિફ્ટ કેવી હોય?

3 મહિનો પહેલાલેખક: આશુ પટેલ
  • કૉપી લિંક

વિખ્યાત અભિનેતા કમલ હસને તેમની નવી ફિલ્મ ‘વિક્રમ’ના કો-સ્ટાર અને દક્ષિણના પ્રખ્યાત અભિનેતા સૂર્યાને પોતાની રૉલેક્સ ઘડિયાળ ભેટરૂપે આપી દીધી. પોતાની ફિલ્મે સો કરોડ રૂપિયાનો ધંધો કર્યો એથી ખુશ થઈને કમલ હસને સૂર્યાને જે ઘડિયાળ ભેટ આપી તેની કિંમત માત્ર 47 લાખ રૂપિયા હતી! એ ભેટ મળ્યા પછી સૂર્યાએ સોશિયલ મીડિયા પર એ ઘડિયાળનો ફોટો શેર કરીને લખ્યું હતું કે ऍरा‘આવી ક્ષણો જીવનને વધુ આનંદમય બનાવે છે.’ ઘણાં સામાન્ય લોકોને તો એવી કલ્પના પણ ન હોય કે 47 લાખ રૂપિયાની ઘડિયાળ હોઈ શકે અને એમાંય કોઈ 47 લાખ રૂપિયાની ઘડિયાળ ભેટરૂપે આપી દે એ સાંભળીને તો સામાન્ય માણસો આશ્ચર્યચકિત થઈ જાય, પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી મોંઘી ભેટો આપવાની કોઈ નવાઈ નથી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મોંઘી ઘડિયાળો કે મોંઘી કાર કે બીજી મોંઘી વસ્તુઓ ભેટરૂપે આપવાના કિસ્સાઓ બનતા રહે છે. ફિલ્મસ્ટારે કે પ્રોડ્યુસરે લાખો કે કરોડો રૂપિયાની ભેટ આપી હોય એવા કેટલાક રસપ્રદ કિસ્સાઓ જાણવા જેવા છે. મોંઘીદાટ વિદેશી ઘડિયાળોની ભેટ આપવામાં સલમાન ખાનનો આખા બોલિવૂડમાં અવ્વલ નંબર છે. સલમાનને કોઈ ફિલ્મસ્ટાર, પ્રોડ્યુસર કે ડિરેક્ટર સાથે દોસ્તી જામી જાય કે દોસ્તી હોય અને અચાનક પ્રેમનો ઊભરો આવી જાય તો સલમાન તેના કાંડેથી રોલેક્સ કે બોમે મર્સીયર કે બ્રેટલિંગ અથવા તો બીજી કોઈ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની અમુક લાખ રૂપિયાની કે અમુક મિલિયન રૂપિયાની કિંમતની ઘડિયાળ ઉતારીને ભેટ આપી દે છે. વર્ષો અગાઉ એક વાર શ્રીલંકાની ક્રિકેટ ટીમ મુંબઈ આવી ત્યારે ખાન કુટુંબે શ્રીલંકન ક્રિકેટર્સને પોતાને ત્યાં ડિનર માટે બોલાવ્યા હતા. મહેલા જયવર્દને અને સનત જયસૂર્યા સહિત પાંચ શ્રીલંકન ક્રિકેટર ખાન કુટુંબની મહેમાનગતિ માણવા ગયા. તેમણે સલમાનના ઘરે ડિનર અને ડ્રિન્ક માણીને મોડી રાતે ખાન કુટુંબની વિદાય લીધી ત્યારે સલમાને દરેક ક્રિકેટરને પાંચ-પાંચ લાખ રૂપિયાની રોલેક્સ ઘડિયાળો ભેટરૂપે આપી! સલમાને એ વખતે થોડી કરકસર કરી હશે બાકી તે 25 કે 50 લાખ રૂપિયાની ભેટ આપતા પણ વિચારતો નથી. સલમાન પોતે તો ભેટ આપતો જ રહે છે સાથે બીજા ફિલ્મસ્ટાર્સને પણ ભેટ આપવા પાનો ચડાવતો રહે છે. શાહરુખ ખાને ‘કૌન બનેગા કરોડપતિ’નું યજમાનપદ સંભાળ્યું ત્યારે સલમાને તેને સલાહ આપી હતી કે જે માણસો સારી એવી રકમ જીતી જાય એમનો તો વાંધો નહીં, પણ સાવ નાની રકમ જીતીને જ કેબીસીની હોટ સીટમાંથી ફેંકાઈ જાય એવા સ્પર્ધકોને તું તારા તરફથી ભેટ આપજે. શાહરુખે સલમાનની વાત માનીને કેબીસીના પહેલા જ શોમાં એક સ્પર્ધકને પોતાના કાંડેથી બે લાખ રૂપિયાની ઘડિયાળ ઉતારીને આપી દીધી હતી. એક અત્યંત પાવરફુલ ઉદ્યોગપતિએ સુસ્મિતા સેનને રૂપિયા 16 લાખની હીરાની વીંટી ભેટ તરીકે આપી હતી, પણ પછી એ ભેટ વિશે તે ઉદ્યોગપતિની પત્નીને ખબર પડી ત્યારે ઉદ્યોગપતિના ઘરમાં ધમાલ થઈ ગઈ હતી! ઘણીવાર ઉદ્યોગપતિઓ કે બિલ્ડર્સ કોઈ અભિનેતાઓને પણ મોંઘી ભેટ આપતા હોય છે. અફકોર્સ, એમાં તેમનો પોતાનો પણ સ્વાર્થ હોય જ છે. દોઢ દાયકા અગાઉ દિલ્હીના એક બિલ્ડરે હૃતિક રોશન અને રાકેશ રોશનને દિલ્હી બોલાવ્યા હતા. એ બિલ્ડરે હૃતિક રોશન અને રાકેશ માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી અને એરપોર્ટથી પોતાની સાઈટ સુધી તેમને હેલિકોપ્ટરમાં પહોંચાડ્યા. ત્યાં એક ફંકશન રાખ્યું હતું. રોશન પિતા-પુત્ર ફંકશનમાં પહોંચ્યા એટલે સ્ટેજ પર બોલાવીને તેમની વાહ વાહ કરાઈ અને બિલ્ડરે તેમના હાથમાં બે ચાવી થમાવી દીધી. વીસમી મિનિટે રોશન પિતા-પુત્ર પાછા એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે તેમના ખિસ્સામાં બે ફ્લેટની ચાવી હતી અને એક ફ્લેટની કિંમત રૂપિયા 75 લાખ હતી. દિલ્હીના બિલ્ડરના પ્રોજેક્ટમાં હૃતિકનો ફ્લેટ છે એવું જાહેર થાય એ માટે બિલ્ડરે રૂપિયા દોઢ કરોડની કિંમતના બે ફ્લેટ રોશન પિતા-પુત્રને આપી દીધા હતા! ‘એકલવ્ય’ ફિલ્મમાં અભિનેતા અમિતાભના અભિનયથી ખુશ થઈને વિધુ વિનોદ ચોપરાએ અમિતાભને રૂપિયા સાડા ત્રણ કરોડની રોલ્સ રૉયસ કાર ભેટ આપી હતી. વિધુ વિનોદ ચોપરાએ અમિતાભ બચ્ચનને રોલ્સ રૉયસ કારની ભેટ આપી એના થોડા દિવસો અગાઉ જ અમિતાભે પોતાના પુત્ર અભિષેકને બર્થ ડે પ્રેઝન્ટ તરીકે રૂપિયા પોણા બે કરોડની કિંમતની બેન્ટલી કાર આપી હતી. અભિષેકને બેન્ટલી કારની ભેટ આપવાનો આઈડિયા અમરસિંઘે અમિતાભને આપ્યો હતો. વર્ષો અગાઉ એક ફિલ્મ પ્રોડ્યુસરે અભિષેકને એક વિદેશી ઘડિયાળ ભેટ આપી હતી. જોકે એ ઘડિયાળ ‘સસ્તી’ (‘માત્ર’ પાંચ લાખ રૂપિયાની કિંમતની જ) હતી!{

અન્ય સમાચારો પણ છે...