તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ઓફ:એકવીસમી સદીનો કથાકાર કેવો હોય?

એક મહિનો પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • ‘આપણે આપણી ભાષા અને સંસ્કૃતિના પ્રતિનિધિ બનવાનું છે. તેથી જ સૂટ પહેરો ત્યારે માતૃભાષામાં બોલવાનું ને ઘોતી પહેરો ત્યારે અંગ્રેજીમાં’

એની ઉંમર ફક્ત ઓગણીસ વર્ષ છે. એકવીસમી સદીમાં જન્મેલો આ પાતળિયો યુવક કોમળ, મૃદુભાષી અને કોન્ફિડન્ટ છે. આજના યંગસ્ટર્સની માફક સહજપણે અંગ્રેજી-મિશ્રિત ગુજરાતી ભાષા બોલે છે. એની આંખો તેજસ્વી છે, વાળ લાંબા છે. એના વ્યક્તિત્વની એક બાબત સૌ કોઈનું સૌથી વધારે ધ્યાન ખેંચે છે અને તે છે એના મસ્તક પરની શિખા. સાધુ-બ્રાહ્મણ-પૂજારી રાખે એવી અથવા તો પરિવારજનના મૃત્યુ પછી ઘણી વાર વિધિના ભાગ રૂપે રાખવી પડતી હોય છે એવી લાક્ષાણિક લાંબી ચોટલી. એ ફેશનેબલ પાર્ટીમાં, ફેશનેબલ લોકોની વચ્ચે પોતાના મસ્તક પરની ચોટલી સાથે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઘૂમે છે, સૌની સાથે હળેમળે છે, હસીને વાતો કરે છે.

એનું નામ અનંતકૃષ્ણ શાસ્ત્રી છે. આજના યુવાનોને ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને મશીન લર્નિંગમાં કરિયર બનાવવી છે, ડોક્ટર બનીને ધીકતી પ્રેક્ટિસ કરવી છે, મીડિયા પ્રોફેશનલ બનવું છે, એમબીએની ડિગ્રી લઈને કોઈ મલ્ટિનેશનલ કંપની જોઇન કરવી છે, સ્ટાર્ટ-અપ શરૂ કરવું છે, આંત્રપ્રિન્યોર અથવા તો આર્ટિસ્ટ બનવું છે. અનંતકૃષ્ણ અહીં સૌથી અલગ પડે છે. એને વેદ-પુરાણોનું રિસર્ચ કરવું છે, સંસ્કૃત ભાષામાં પ્રવીણ થઈને કથાકાર બનવું છે. એવો કથાકાર જે અસ્ખલિતપણે સંસ્કૃત શ્લોકો ઉચ્ચારી શકે અને જે કેવળ ગુજરાતી-હિંદીમાં જ નહીં, પણ અંગ્રેજીમાં પણ કથા કરી શકે. ‘મારા પરદાદા શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી ભાગવત મહાપુરાણના કથાકાર હતા’ અમદાવાદવાસી અનંતકૃષ્ણ કહે છે, ‘તેઓ કાશીમાં રહીને ખૂબ ભણ્યા, વિદ્વાન બન્યા. ભણતર વખતે તેમને ખૂબ સ્ટ્રગલ કરવી પડી હતી. ક્યારેક જમવાનું સુધ્ધાં ન મળે તો ફક્ત ગંગાજળનું પાન કરીને પરીક્ષા આપવા જતા. જોકે, કથાકાર તરીકે તેઓ પછી ઘણા સફળ થયા. મારા દાદા કર્દમઋષિ શાસ્ત્રી અને પિતા ભાગવતઋષિ શાસ્ત્રી પણ આ ક્ષેત્રમાં સક્રિય બન્યા. મારા પરદાદાએ 1968માં અમદાવાદમાં એસજી હાઇવે પર સોલા વિસ્તારમાં શ્રી ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી. હું આ વિદ્યાપીઠનો જ વિદ્યાર્થી છું.’

અનંતકૃષ્ણે દસમા ધોરણ સુધી રેગ્યુલર શાળામાં સીબીએસસી બોર્ડમાં અભ્યાસ કર્યો હતો. અત્યારે એ શ્રી ભાગવત વિદ્યાપીઠમાં કોલેજના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન એવી આ વિદ્યાપીઠમાં બારમું ધોરણ પાસ કર્યા પછી બી.એ. અને બી.એડ. કરી શકાય છે અને પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી શકાય છે. અહીં સંસ્કૃત ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી, વૈદિક ગણિત, કમ્પ્યૂટર વગેરે શીખવવામાં આવે છે. અહીંથી ડિગ્રી મેળવ્યા પછી રિસર્ચર, ટીચર, પ્રોફેસર અને કથાકાર બની શકાય છે, કર્મકાંડને ફુલટાઇમ વ્યવસાય તરીકે અપનાવી શકાય છે, યોગના પ્રશિક્ષક બની શકાય છે, આયુર્વેદના ક્ષેત્રમાં જઈ શકાય છે અને અનંતકૃષ્ણની ભાષામાં કહીએ તો, ટેમ્પલ મેનેજમેન્ટની દિશામાં આગળ વધી શકાય છે. દેશ-વિદેશમાં ફેલાયેલાં હિંદુ મંદિરોમાં પૂજા-આરતી, તહેવારો અને વિધિઓ અનુસાર અનેક પ્રકારનાં વિધિવિધાનો, મૂર્તિઓની જાળવણી વગેરે કરવા માટે જાણકાર વ્યક્તિની સતત જરૂર પડતી હોય છે. પૂજારી હોવું કે મંદિર સંભાળવું એ માત્ર પારિવારિક વસ્તુ નથી. બાપ-દાદા તરફથી જે-તે મંદિરની પૂજા-આરતી કરવાનું રુટિન વારસામાં મળ્યું હોય એટલે કંઈ માણસમાં આપોઆપ આ કામ માટે જરૂરી એવી ધર્મભાવના, સજ્જતા કે એટિટ્યૂડ આવી જતાં નથી. મંદિર અને તેના માહોલને મેનેજ કરવાનું આખું શાસ્ત્ર છે, જે પદ્ધતિસર શીખી શકાય છે, શીખવું પડે છે. અનંતકૃષ્ણ કહે છે, ‘અમારા કેટલાય વિદ્યાર્થીઓ ટેમ્પલ મેનેજમેન્ટનું ભણીને યુરોપ-અમેરિકામાં સેટલ થયા છે.’

આપણી શિક્ષણવ્યવસ્થાનું પશ્ચિમીકરણ થઈ ચુક્યું છે તેવી પરિસ્થિતિમાં વિદ્યાપીઠમાં જે રીતે ઓથેન્ટિક વાતાવરણ જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે તેની વિગતો રસપ્રદ લાગે છે. અહીં બધા મળીને આશરે અઢીસો વિદ્યાર્થીઓ ભણે છે. સ્થાનિક કે અપ-ડાઉન કરી શકતા વિદ્યાર્થીઓને બાદ કરતાં બાકીના સૌ વિદ્યાપીઠના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં જ રહે છે. અનંતકૃષ્ણ દિનચર્યા વર્ણવતા કહે છે, ‘વિદ્યાર્થીઓએ રોજ સવારે પાંચ વાગે ઉઠી જવાનું, પોણા છથી પોણા સાત દરમિયાન તેઓ પ્રાતઃ સંધ્યા કરે. પછી સૌ મુખ્ય મંદિરમાં એકત્રિત થાય. આ મંદિરને ‘કલ્પતરૂ પ્રસાદ’ એવું નામ આપવામાં આવ્યું છે. અહીં કૃષ્ણની મંગલા આરતી થાય, ભાગવત અને વેદના પાઠ થાય. આઠ વાગ્યે છોકરાઓ પોતપોતાના ઓરડા પર આવે. નાસ્તો વગેરે પતાવીને હોમવર્ક કરવા બેસી જાય. પછી દસ વાગે લંચ માટે એકઠા થાય. ભોજન કરતાં પહેલાં અન્ન-જળના શુદ્ધિકરણ માટે ગીતાના બારમા અધ્યાય ભક્તિયોગનું પારાયણ કરે. સાડા અગિયારે વિદ્યાલયમાં ભણવા જાય. પહેલી ત્રીસ મિનિટ પ્રાર્થના થાય ને પછી પીરિયડ્સ શરૂ થાય. અગાઉ વિદ્યાર્થીઓને ભારતીય પરંપરા પ્રમાણે નીચે બેસાડવામાં આવતા, પણ હવે ક્લાસરૂમમાં બેન્ચો મૂકાવી છે. સ્કૂલ-કોલેજ પૂરી થાય પછી સાયં-સંધ્યા થાય. સાત વાગ્યે ડિનર લેતાં પહેલાં ગીતાના પંદરમા અધ્યાય પુરુષોત્તમયોગનું પારાયણ થાય. રાત્રિના આઠથી સાડા નવ ભણવાનું, પછી ફરી સમૂહપ્રાર્થના. પછી પ્રોજેક્ટ્સ-એક્ઝામ્સ વગેરે માટે જાગવું પડે તો જાગવાનું, નહીં તો દસ વાગે સૂઈ જવાનું.’ બંડી અને ધોતી એ છોકરાઓનો યુનિફોર્મ. કપાળે વૈષ્ણવ તિલક તાણવું ને મસ્તક પર શિખા રાખવી ફરજિયાત. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન ફક્ત વીકએન્ડમાં જ આપવામાં આવે. ત્રણેક વર્ષથી વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને પણ એડમિશન આપવામાં આવે છે. પૂછનારાઓને એવું જરૂર પૂછવાના કે આજના ટેક્નોલોજિકલ-ડિજિટલ યુગમાં સંસ્કૃતનું શિક્ષણ, કર્મકાંડ, પૂજાપાઠ ને એવું બધું કેટલું રિલેવન્ટ છે? અનંતકૃષ્ણ સ્વસ્થતાપૂર્વક જવાબ આપે છે, ‘જુઓ, આપણા કલ્ચરમાં સંસ્કૃત કેવળ એક ભાષા નથી, તે એક લાઇફસ્ટાઇલ છે. આપણાં વેદ-પુરાણો, ધાર્મિક-આધ્યાત્મિક ગ્રંથો પ્રતીકો અને સંકેતોથી ભરપૂર છે. જમાનો કોઈ પણ હોય, પરંતુ જીવન શી રીતે જીવવું, મુશ્કલીઓમાંથી શી રીતે માર્ગ કાઢવો, બીજાઓ સાથે શી રીતે વ્યવહાર રાખવો, સદાચારી શી રીતે બનવું આ બધું આપણાં પ્રાચીન ગ્રંથોએ બારીકાઈથી સમજાવ્યું છે.’

અનંતકૃષ્ણ આ આખી વાત દૃષ્ટાંત સહિત વિસ્તારપૂર્વક સમજાવે છે. આટલી નાની ઉંમરે એનામાં રહેતી વૈચારિક સ્પષ્ટતા અને એની વાતોમાં સતત ઝળકતી પરિપક્વતા આશ્ચર્ય પમાડે છે. અનંતકૃષ્ણને કંઈ નાનપણથી જ આ ક્ષેત્રનું આકર્ષણ નહોતું, પણ થોડાં વર્ષો પહેલાં પરદાદા શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીની એકસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે મોરારીબાપુ અને ભાઈશ્રી રમેશ ઓઝા સહિત કેટલાય સંતસાધુઓ પાઠશાળામાં પધાર્યા હતા. એમણે શ્રીકૃષ્ણશંકરજીની વિદ્વતા વિશે એટલાં પ્રશસ્તિપૂર્ણ પ્રવચનો આપ્યા કે નાનકડો અનંતકૃષ્ણ અભિભૂત થઈ ગયો. એણે નક્કી કરી લીધું કે હું પણ મારા ગ્રેટ ગ્રાન્ડફાધરની જેમ સંસ્કૃત ભણીશ, હું પણ કથાકાર બનીશ! એની આ ઇચ્છા સાકાર થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. હજુ વીસ વર્ષનો થાય તે પહેલાં એ પેરિસ અને શિકાગો જઈને ધર્મસભાઓમાં વ્યાખ્યાનો આપી ચૂક્યો છે. અનંતકૃષ્ણ સ્મિતપૂર્વક સમાપન કરે છે, ‘આપણે આપણી ભાષા અને સંસ્કૃતિના પ્રતિનિધિ બનવાનું છે, વૈશ્વિક દષ્ટિકોણ કેળવવાનો છે. તેથી જ પાઠશાળામાં અમને શીખવવામાં આવે છે કે સૂટ પહેરો ત્યારે માતૃભાષામાં બોલવાનું ને ઘોતી પહેરો ત્યારે અંગ્રેજીમાં બોલવાનું!’ બિલકુલ! shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો