આત્યારની વાત છે જ્યારે અમેરિકા અને વિયેતનામનું યુદ્ધ ચાલી રહેલું. અમેરિકન હવાઈદળે બોમ્બમારો કરીને વિયેતનામનાં અનેક ગામડાં ઉજાડી દીધેલાં. કેટલાંય લોકો બેઘર થઈ ગયેલાં. એ સમયે વિયેતનામના બુદ્ધિસ્ટ સાધુ ટીક નાટ હાન અન્ય સન્યાસીઓ સાથે રીહેબિલિટેશન અને સમાજસેવામાં લાગી ગયેલા. તેમના આશ્રમની નજીક રહેલું એક ગામડું તેમણે ગ્રામવાસીઓ સાથે તનતોડ મહેનત કરીને એક વર્ષે ઊભું કર્યું. પુનરુત્થાનના થોડા જ સમય પછી અમેરિકન હવાઈદળે ફરી બોમ્બમારો કર્યો અને ફરી પાછું એ ગામડું ન્યસ્તનાબુદ થઈ ગયું. હિંમત હાર્યા વગર ટીક નાટ હાને ફરીથી એ ગામડાને બેઠું કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા. તેમણે ગ્રામવાસીઓને પણ પ્રેરિત કર્યાં અને નિરાશ થયા વગર પુનરુત્થાનના કામમાં લાગી જવા કહ્યું. આ વખતે માત્ર છ મહિનાની અંદર તેમણે નવાં ઘર બનાવ્યાં અને ગ્રામ્યજીવનને જીવતું કર્યું. અમેરિકન લશ્કર દ્વારા ફરી પાછું બોમ્બાર્ડિંગ થયું અને ત્રીજી વાર ગામડું સંપૂર્ણ ઉજડી ગયું. હવે ગ્રામવાસીઓ થાક્યાં. માત્ર ઘર જ નહોતાં ઉજડ્યાં, કેટલીક જાનહાનિ પણ થયેલી. ગ્રામવાસીઓ નિરાશ અને હતાશ થઈ ગયેલાં. તેઓ ટીક નાટ હાન પાસે આવ્યાં. ગ્રામવાસીઓએ કહ્યું, ‘મહેનત કરીને આપણે બબ્બે વાર ગામડું બેઠું કર્યું અને અમેરિકન લશ્કર આવીને ઉજાડી ગયું. હવે શું કરવાનું?’ ટીક નાટ હાને કહ્યું, ‘ચાલો, ફરીથી ચણતર શરૂ કરીએ.’ આ સાંભળીને ગામના આગેવાનો ઉશ્કેરાઈ ગયા. તેમની પાસે ઈંટ, પથ્થર કે સિમેન્ટ જેવો કાચોમાલ તો હતો પરંતુ પુનરુત્થાન માટે અત્યંત જરૂરી એવી ધીરજ, આશા અને હિંમત નહોતી. તેમણે સાધુને પૂછ્યું, ‘શું તમને હજુય એવું લાગે છે કે આપણે ત્રીજીવાર પ્રયત્ન કરવો જોઈએ? અમેરિકન હવાઈદળ ફરીથી આવીને બોમ્બમારો નહીં કરે, એની શું ખાતરી છે? યુદ્ધનો અંત આવી જશે એની શું ખાતરી છે?’ આ પ્રશ્નનો ટીક નાટ હાને આપેલો જવાબ ઐતિહાસિક હતો. તેમના જવાબે ગ્રામવાસીઓનો અભિગમ અને જીવન બદલી નાંખ્યું. એમણે કહેલી વાત પર થોડું ચિંતન કરીએ, તો એક બુદ્ધિસ્ટ સાધુની વિચારસરણી આપણું જીવન પણ બદલી શકે છે. આ રહ્યો ટીક નાટ હાનનો જવાબ : ‘આ યુદ્ધનો અંત ક્યારે આવશે એ તો હું નથી જાણતો. પણ આવશે ખરો, એની મને ખાતરી છે. બુદ્ધ કહેતા કે everything is impermanent. આ જગતમાં બધું જ ક્ષણભંગુર છે. અલ્પજીવી કે અસ્થાયી છે. કશું જ કાયમી નથી. પ્રશ્ન ફક્ત એટલો જ છે કે એ ક્ષણભંગુરતાને આપણે કેવી રીતે ઝડપી બનાવી શકીએ? How to accelerate that impermanence? અને એનો એકમાત્ર જવાબ કર્મ છે. કપરો સમય તો આપમેળે પસાર થતો રહેશે પણ એ દરમિયાન આપણે શું કર્યું એ પણ એટલું જ મહત્ત્વનું છે. નિરાશા પર વિજય મેળવવાનો એકમાત્ર રસ્તો કર્મશીલ રહેવાનો છે.’ અને પછી ગ્રામવાસીઓએ પુનરુત્થાનનું કામ શરૂ કર્યું. આ બન્યાના થોડા જ સમય પછી યુદ્ધનો તો અંત આવ્યો પણ એક પ્રજ્ઞાવાન અને પ્રબુદ્ધ મહાનુભવે કહેલી વાત શાશ્વત બની ગઈ. કપરો સમય ‘ચાલતો’ હોય ત્યારે તેને ધક્કો મારીને ‘દોડાવવાનો’ એકમાત્ર ઉપાય પ્રયત્નશીલ રહેવાનો છે. ફક્ત બેઠા રહેવાથી અને ખરાબ સમય પસાર થાય એની રાહ જોયા કરવાથી ક્ષણભંગુરતા ગતિશીલ નથી બનતી. ઉલટું, સમય થંભી જાય છે. એવું લાગવા માંડે છે કે ખરાબ સમય અહીં ખાટલો ઢાળીને રોકાઈ ગયો છે. આપણા જીવનમાં તેણે વસવાટ કરી લીધો છે. અને આ સમય હવે ક્યારેય પસાર નહીં થાય. એ સમયે આપણી પાસે બે વિકલ્પ હોય છે. કાં તો કકળાટ કરવાનો, ને કાં તો કર્મ કરવાનો. કાં તો એ પીડાદાયક અવસ્થા વિશે ફરિયાદ કરતા રહેવાનો, ને કાં તો એ બદલવા માટે સતત પ્રયત્ન કરતા રહેવાનો. આ બેમાંથી આપણે પસંદ કરેલો વિકલ્પ જે-તે અવસ્થાની ક્ષણભંગુરતા નક્કી કરે છે. એટલે કે જીવનની કોઈપણ કઠિન પરિસ્થિતિ ક્ષણિક છે, Impermanent છે, અસ્થાયી છે, એ તો હકીકત જ છે. પણ એ ક્ષણભંગુરતાની ગતિનો આધાર આપણા રિએક્શન પર રહેલો છે. એ અવસ્થાના અસ્થાયીપણાનું રેગ્યુલેટર આપણા હાથમાં છે. આપણા જીવનમાં પ્રવેશેલો ખરાબ સમય કેટલીવાર ટકી રહેશે કે કેટલો જલદી પસાર થઈ જશે એનો આધાર એ દરમિયાનની આપણી પ્રતિક્રિયા અને પ્રવૃત્તિઓ પર રહેલો છે. જો આપણે થંભી જઈશું, તો એ સમય પણ થંભી જશે. જો આપણે પ્રવૃત્તિમય અને પ્રયત્નશીલ રહેશું, તો એ સમય પણ ગતિ પકડશે અને પસાર થઈ જશે. ટીક નાટ હાને કહ્યું તેમ, It is all about accelerating the impermanence. એ ગામડું હોય કે જીવન, જ્યારે આપણે પુનરુત્થાનના કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ ત્યારે કપરો સમય ઝડપથી પસાર થવા લાગે છે. નિરાશાનો એકમાત્ર એન્ટીડોટ એક્શન છે. એ જીવનમાં આવતા સંઘર્ષો હોય કે પછી જીવન ઇટસેલ્ફ, અહીં બધું જ પસાર થઈ જવાનું છે. કશુંય કાયમી નથી. બસ, એની અલ્પકાલીન અવસ્થા પર આપણને ભરોસો હોવો જોઈએ. જે યુદ્ધની શરૂઆત કે અંત આપણા નિયંત્રણમાં ન હોય, ત્યાં બોમ્બમારાની ચિંતા કર્યા વગર ચણતરના કામમાં લાગી જવું એ જ આ કથાનો સાર છે.⬛ vrushtiurologyclinic@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.