આપણી વાત:ઈશ્વર તમારી અરજી ન સ્વીકારે તો શું કરો?

વર્ષા પાઠકએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભગવાને પણ મોઢું ફેરવી લીધું....હવે તો ભગવાન પરથી પણ ભરોસો ઊઠી ગયો છે...’ કોઈ શ્રદ્ધાળુનાં મોઢેથી આવા શબ્દો નીકળે ત્યારે સ્વાભાવિક રીતે પહેલાં તો એની દયા જ આવે. એટલું સમજાય કે દુઃખી વ્યક્તિ હતાશાની અંતિમ હદે પહોંચી ગઈ હોય ત્યારે જ એવું બોલે. એવા સમયે એની શ્રદ્ધા કે શ્રદ્ધાની કમી વિશે મજાક ઉડાવવી એ નિષ્ઠુરતા જ કહેવાય. પણ સાચું કહી દઉં તો જ્યારે પણ આવું સાંભળું ત્યારે દયા અનુભવ્યા પછી મને બીજો એવો વિચાર આવે કે ચાલો, જીવનના અતિ કપરા સંજોગોમાં આ માણસને એક પાઠ તો મળ્યો. જેને એ ભગવાન કહે છે, એના પર એણે આધાર રાખવાનું છોડી દીધું. બીજા શબ્દોમાં કહીએ તો હવે ગમે તે સંજોગોમાં મારે, મારા જોરે જ લડવાનું છે, ઉપર આકાશમાં બેઠેલી કોઈ હસ્તી મને મદદ કરવા નથી આવવાની એવું જ્ઞાન લાધે એ સારું જ કહેવાય ને. હવે ભગવાનમાં શ્રદ્ધા રાખવી કે નહીં, એ વ્યક્તિની અંગત બાબત છે અને ઘણી વાર ગમે તેવા કઠિન સમયે ભગવાનમાં રાખેલી આ શ્રદ્ધા માણસને જીવવાનું, દુઃખોનો સામનો કરવાનું બળ આપે છે, એ હકીકત સ્વીકારીએ. પણ અનેકવાર જોયું છે કે આ શ્રદ્ધા સોદાબાજીનું રૂપ ધારણ કરે છે. મેં ભગવાન માટે આટલાં પાઠપૂજા, વ્રત-ઉપવાસ, હોમહવન કર્યાં તો બદલામાં એણે પણ મારું ધ્યાન રાખવું જોઈએ, એવી અપેક્ષા રખાય છે. આવું જોઉં કે સાંભળું ત્યારે હંમેશાં મને લાગે છે કે આસ્થાળુ, ધાર્મિક ગણાતાં આ લોકો ભગવાનને પણ કોઈ ઓફિસમાં બેઠેલા લાંચિયા ઓફિસર માની બેઠાં છે, જેની પાસેથી કામ કઢાવવા માટે પ્રસાદ ધરવો પડે કે ખુશામત કરવી પડે. જેટલું મોટું કામ, એટલી મોટી લાંચ. બેરોજગાર ગરીબ વ્યક્તિ નોકરી માટે લાંચ આપે, પોતાનાં ખિસ્સાં ખાલી હોય તો ઉધારી કરીને, લોકો પાસેથી માગીભીખીને વ્યવસ્થા કરે, એવી રીતે ઘણાં લોકો પોતાની તાકાત ન હોય તોયે પૈસા ઉધાર લઈને ઘરમાં પૂજાપાઠ કરાવે, જાત્રાએ જાય અને પ્રાર્થના કરે કે ભગવાન, મારું કામ કરી આપજો. સરકારી ઓફિસમાં લાંચની લેવડદેવડ ગુનો ગણાતો હોય તો જેને સૌથી મોટી સરકાર કહીએ છીએ એ ભગવાનને લાંચ આપવાની કોશિશ કરવી એ સૌથી મોટો અપરાધ કહેવાય કે નહીં? કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર એવાં પ્રામાણિક લોકો પણ હોય છે જે લાંચ આપવાની કોશિશ કરનારને કાઢી મૂકે. કોન્ટ્રેક્ટ મેળવવા માટે પૈસા ભરેલી બેગ લઇ ગયેલા વેન્ડરને બ્લેકલિસ્ટ કરી નાખનારા પરચેઝ ઓફિસર્સ મેં જોયા છે. તો આવી પોલિસી ભગવાનના રાજમાં નહીં હોય? બીજી વાત- સરકારી ઓફિસમાં રિશ્વતખોર ગણાતાં સિનિયર કે જુનિયર કર્મચારીઓ પૈસા લીધા બાદ કામ તો કરી આપે છે, પણ જેના નામે પૈસા અને સમય ખર્ચીને પાઠપૂજા, હોમહવન કરાવ્યાં હોય, એ ભગવાન આપણું કામ કરી જ આપશે એવી ગેરંટી હોય છે? ત્યાં પછી એવું કહેવાનું કે ભગવાન પરથી પણ હવે ભરોસો ઊઠી ગયો. મતલબ ભગવાનનું અસ્તિત્વ આપણું કામ થાય છે કે નહીં, એના પર આધાર રાખે છે. જોકે, એવું બોલનારાં પણ પછી નાસ્તિક થઇ જાય, એવું નથી બનતું. એમનાં પ્રાર્થના, પૂજાપાઠ તો ચાલુ જ રહે છે. એક ભગવાને સાંભળ્યું નહીં તો બીજાં દેવ-દેવીની માનતા લેવાની. એમાં તો ક્યારેય ખોટ પાડવાની જ નથી. અહીં કદાચ આસ્થાની સાથે ડર પણ કામ કરે છે કે, ભગવાનમાં નહીં માનીએ તો એ ગુસ્સે થશે અને આપણી તકલીફોમાં વધારો કરશે. મને તો એવું લાગે કે આવું માનનારાં ભગવાનને લાંચિયા ઉપરાંત કિન્નાખોર માનીને એનું અપમાન કરે છે. ઘણાં લોકો ધર્મ બદલી નાખે છે. વધુ પગાર મળતો હોય તો નોકરી બદલી નાખવાની. કયા ભગવાન વધુ સારા નીકળશે એ જોવાનું. પછી ત્યાં ન ફાવ્યું તો પાછું આવી જવાનું. આમાં શ્રદ્ધા ક્યાં આવી? અહીં ભગવાન છે કે નહીં, એ મુદ્દો નથી. ઈશ્વર હોય તો પણ એણે સૃષ્ટિનું સર્જન કરીને, હવા, પ્રકાશ, કામ કરવા માટે હાથપગ આપીને પોતાનું કામ પૂરું કર્યું. પછી માણસે પોતાનું ફોડી લેવાનું. જેને પાળીપોષીને મોટાં કર્યાં એ સંતાનો પછી મહેનત, કામધંધો કરવાને બદલે રોજ બસ માબાપને પગે લાગે, પોકેટમની માંગ્યા કરે તો વડીલોને કેવું લાગે? ભગવાનને પણ એવું નહીં લાગતું હોય? એને પણ કોઈવાર વિચાર તો આવતો હશે કે આવા ભક્તોને બદલે નાસ્તિકો સારાં, જે સતત માંગ માંગ તો નથી કરતા અને પોતે પોતાની જવાબદારી ઉપાડી લે છે. ⬛viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...