તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ અફેર્સ:પૃથ્વીની આરપાર કાણું પાડ્યું હોય તો?

નિમિતા શેઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયાં છીએ, પણ પૃથ્વીમાં હજુ 12 કિલોમીટર અંદર માંડ પહોંચ્યાં છીએ

ભાગ-1 બાળપણમાં, પૃથ્વી ગોળ છે એ સમજ્યા પછી, લગભગ દરેકે વિચાર્યું હશે કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી સતત ખોદવાનું ચાલુ કરીએ તો પૃથ્વીની પેલી બાજુ પહોંચી શકાય કે નહીં! વિમાનમાં અમદાવાદથી અમેરિકાના લોસ એન્જલસ જતાં લગભગ 22 કલાક લાગે અને 50,000 રૂપિયા ફ્લાઈટનું ભાડું થાય, પણ પૃથ્વીની આરપાર બાકોરું હોય જે અહીંથી સીધું ત્યાં નીકળતું હોય, તો અહીંથી ખાડામાં કૂદી પડો એટલે સીધાં ત્યાં નીકળો! પણ પૃથ્વીના ગોળાનાં કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી છેક સુધીની ટનલ બનાવવી શક્ય નથી. પ્લેનમાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવનું અંતર આશરે 20,000 કિલોમીટર થાય, પણ પૃથ્વીના કેન્દ્રસ્થ ભાગમાં થઈને ઉત્તર ધ્રુવથી સીધા દક્ષિણ ધ્રુવ સુધીનું બાકોરું પાડો તો 12,712 કિમી જ થાય. પૃથ્વીમાં કેટલે ઊંડે સુધી ખોદી શકાય છે એ જોવાના હેતુથી 1970માં રશિયાએ Kola superdeep borehole નામનો પ્રોજેક્ટ ચાલુ કરેલો. સતત 9 વર્ષ સુધી જમીનમાં ડ્રીલ કર્યા પછી 1979માં 9.5 કિલોમીટર ઊંડે સુધી કાણું પહોંચ્યું હતું, જે વર્લ્ડ રેકોર્ડ હતો. બીજાં 10 વર્ષ બાદ, 1989માં, જમીનમાં 12 કિમી નીચે સુધી ડ્રીલ પહોંચ્યા બાદ ડ્રિલિંગ બંધ કરવું પડ્યું, કારણ કે ત્યાં 180°સે. તાપમાન હતું અને ઘનતા ઓછી થવાના કારણે અંદરના પથ્થરો પ્લાસ્ટિક જેવા ગુણ ધરાવતા હતા, તેથી આગળ ખોદવું શક્ય ના બન્યું. વિશ્વનાં સૌથી ઊંડા માનવરચિત છિદ્રનો રેકોર્ડ આજદિન સુધી Kola boreholeના નામે છે. નવાઈની વાત એ છે કે, આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયાં છીએ, પણ પૃથ્વીમાં હજુ 12 કિલોમીટર અંદર માંડ પહોંચ્યાં છીએ. આ ફક્ત સાધનોથી જમીન ખોદવાની વાત હતી, માણસ પોતે જમીનથી 4 કિમી નીચે સુધી હજુ માંડ ઊતરી શક્યો છે. (જોકે, સમુદ્રની અંદર 11 કિમી ઊંડે જવાનો રેકોર્ડ છે) જમીનમાં સૌથી ઊંડે જીવતા કીડા પણ 3-4 કિમીની ઊંડાઈ સુધી જ જોવા મળે છે. પૃથ્વીનો બહારનો પોપડો (crust) 35 કિમી જાડો છે, એના પછીનું આવરણ mantle કહેવાય છે, જેમાં ધગધગતી પીગળેલી ધાતુઓ (Molten rock) રહેલી છે. જેમ તમે ઊંડાં ઊતરતાં જાઓ, તેમ તાપમાન વધતું જાય. Mantle પછીનાં આવરણ બાહ્ય કેન્દ્રિય ભાગ અને આંતરિક કેન્દ્રિય ભાગ (inner core અને outer core) તરીકે ઓળખાય છે. પોપડાના સૌથી ઊંડા ભાગનું તાપમાન 1000°સે., અને Mantleનું તાપમાન 3500°સે. જેટલું હોય છે. પૃથ્વીના કેન્દ્રનું તાપમાન 6000°સે. હોવાનો અંદાજ છે, જે સૂર્યની સપાટીના તાપમાન કરતાં પણ વધુ છે. પૃથ્વીની inner core અને outer core આખી લોખંડ અને નિકલની બનેલી છે. કેન્દ્રસ્થ ભાગમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાયું નથી, અને ત્યાં પૃથ્વીની સપાટી પરનાં વાતાવરણના દબાણ (atmospheric pressure) કરતાં 36 લાખ ગણું દબાણ છે.⬛ (ક્રમશ:)nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...