ડૉક્ટરની ડાયરી:હૃદયમાં ઉગ્યું તે સાચું પડ્યું,નિદાનમાં બાકી બધું કાચું પડ્યું

ડૉ.શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઠ-દસ જણાનું ટોળું. આઠ-નવ વર્ષના એક છોકરાને ઊંચકીને ખાનગી નર્સિંગ હોમમાં ધસી આવ્યું. છોકરાને ટેબલ પર સૂવડાવીને એના બાપે માત્ર એક જ વાક્ય કહ્યું, ‘સાહેબ, જલદી કરો.’ ડો. સંજયભાઈ ફિઝિશિયન હતા. આ છોકરો તો બાળરોગ નિષ્ણાત ડોક્ટરનો કેસ ગણાય. માનવતા ખાતર ઊભા થઈને એમણે છોકરાને તપાસ્યો. ભાગ્યે જ કંઈ કરવા જેવું રહ્યું હતું. છોકરાનું નામ વિજય. સાવ ધીમી નાડી ચાલતી હતી, એનાથીય ધીમો શ્વાસ. પાંચ-દસ મિનિટ્સનો મામલો હતો. આ ક્ષણ કામ કરવાની હતી, દલીલ કરવાની નહીં. ડો. સંજયે ફટાફટ નર્સને સૂચના આપી, ‘છોકરાની વેઈન પકડો. ઈન્ટ્રાવિનસ ઈન્ફ્યુઝન શરૂ કરો. લેબમાં ફોન કરો. હું કહું એ બધા ટેસ્ટ્સ કરાવી લો. અંબુ બેગ લાવો.’ અંબુ બેગ એ એક વિશેષ પ્રકારની રબ્બરની બેગ જેવી કોથળી હોય છે જેને બે હાથ વડે દબાવવાથી દર્દીનાં ફેફસાંમાં હવા ભરી શકાય છે, પણ એના ઉપયોગ માટે ઈન્ટ્યુબેશન કરતા આવડવું જોઈએ. આ કામ માત્ર એનેસ્થેટિસ્ટને જ આવડે. ફિઝિશિયનને ન આવડે. સદ્્ભાગ્યે ડો. સંજયે મેડિસિન વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં પહેલાં છ મહિનાની ટર્મ એનેસ્થેશિયામાં કરી હતી. છોકરાનું આ ભારે મોટું સદ્્ભાગ્ય કહેવાય, નહીંતર એની સ્થિતિ એવી હતી કે એનેસ્થેટિસ્ટ આવે તે પહેલાં જ તે…! ખૈર, કૃત્રિમ શ્વાસોચ્છ્્વાસથી તેને પ્રાણવાયુ મળવો શરૂ થઈ ગયો. ડો. સંજયને હવે એના સગાંઓ જોડે વાત કરવાનો અને નિદાન માટે વિચારવા જેટલો સમય મળી ગયો. વેરાવળ પાસેના ગામડામાં રહેતો વિજય ગરીબ મા-બાપનો દીકરો હતો. ખેતીકામ કરતા અને ઝૂપડીમાં રહેતાં મા-બાપ તો વહાલો દીકરો નહીં બચે એ કલ્પનમાત્રથી ભાંગી પડ્યાં હતાં. વિજયને તાવ, ઈજા કે ખેંચ જેવી કોઈ હિસ્ટ્રી ન હતી. બાપે કહ્યું, ‘આજે સવારે ઊઠીને એણે માત્ર એટલું જ કીધું કે એના પેટમાં કંઈક થાય છે; પછી એ તરત જ બેભાન થઈ ગયો. અમે એને પાટણના એક જનરલ પ્રેક્ટિશનર પાસે લઈ ગયા. વિજયની સ્થિતિ જોઈને ડોક્ટર ગભરાઈ ગયા; કીધું કે આને જલદી સર્જન પાસે લઈ જાવ. અમે દીકરાને લઈને વેરાવળ આવ્યા. સર્જનને બતાવ્યું. એમણે પેટ તપાસીને કીધું કે વિજયના પેટમાં કોઈ બીમારી નથી. એને બાળકોના ડોક્ટર પાસે લઈ જાવ. ઊભા રહો; તમે ત્યાં સુધી પહોંચી નહીં શકો. એના કરતાં મારી સાવ બાજુમાં ફિઝિશિયન છે. તમે આને ડો. સંજયભાઈ પાસે લઈ જાવ.’ સ્થિતિ અને સંજોગો એકબીજા સાથે સ્પર્ધામાં ઊતર્યાં હતાં. સ્થિતિ કહેતી હતી કે આ છોકરો મરી જવો જોઈએ; સંજોગો ઈચ્છતા હતા કે એ બચી જવો જોઈએ. સ્થિતિ અને સંજોગોના જંગમાં વચ્ચે સમય ઊભો હતો. જે થોડોક સમય મળ્યો એમાં ડોક્ટર નિદાન શોધવા માટે બેઠા. પહેલો વિચાર સર્પદંશનો આવી ગયો. એમણે વિજયના માથાંથી લઈને પગના અંગૂઠા સુધી ઝીણવટભરી નજર ફેરવી લીધી; ક્યાંય સર્પદંશનાં નિશાન જોવા ન મળ્યાં. તાવની હિસ્ટ્રી ન હતી. ખાંસી આવી ન હતી. બ્લડ ટેસ્ટ્સ સાવ નોર્મલ આવ્યા. ઈન્ફેક્શનની સંભાવના શૂન્ય થઈ ગઈ. લિવર ફંકશન્સ, રીનલ ફંકશન્સ વગેરેના રિપોર્ટ્સ પણ નોર્મલ આવ્યા. બ્લડ સુગર પણ સામાન્ય હતું. ડો. સંજયે વેરાવળના જ એક પીડિયાટ્રિશિયન મિત્રને ફોન કર્યો. બધી વિગત જણાવીને પૂછ્યું, ‘આઠ વર્ષના બાળકમાં બ્રેઈન હેમરેજ થઈ શકે?’ ‘હા.’ બાળરોગ નિષ્ણાતે કહ્યું, ‘જો બાળકને જન્મથી સેરેબ્રલ એન્યૂરિઝમ હોય જે અત્યારે રપ્ચર થયું હોય અથવા આર્ટિરીયોવિનસ ફિસ્ટ્યુલા હોય તો બ્રેઈન હેમરેજ થઈ શકે. આ બંને કંડિશન્સ જવલ્લે જોવા મળતી સ્થિતિઓ છે. એના નિદાન માટે મગજનો સી. ટી. સ્કેન કરાવવો જરૂરી છે.’ સી. ટી. સ્કેનનો રિપોર્ટ ત્યારે જૂનાગઢમાં થતો હતો. ડો. સંજયે વિજયનાં મા-બાપને સમજાવ્યાં, ‘તમે વિજયને જૂનાગઢ લઈ જાવ. ત્યાં નિદાન થાય એ પછી જ સાચી સારવાર…’ ‘ના, સાહેબ.’ બાપે કહ્યું, ‘અમે જાણીએ છીએ કે અમારા દીકરામાં હવે કંઈ બચ્યું નથી. તમે રબ્બરની કોથળી દબાવીને એની છાતીમાં હવા ફૂંકી રહ્યા છો. અમારી પાસે પૈસા પણ નથી. તમે અમને દીકરાને ઘરે લઈ જવાની રજા આપો. જેવા અમારાં નસીબ!’ સ્થિતિ જીતવા તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું, ત્યાં જ સંજોગોએ જોર લગાવ્યું. ડોક્ટર અને વિજયનાં મા-બાપ જ્યારે ઉપરનો સંવાદ કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં બીજા દર્દીને જોવા માટે આવેલા ચાર-પાંચ જુવાનિયાઓ ઊભા હતા. એમણે ડોક્ટરને પૂછ્યું કે મામલો શો છે? ડોક્ટરે વિગત જણાવી એટલે જુવાનો બોલી ઊઠ્યા: ‘આ છોકરાની જવાબદારી હવે અમારા માથે. એને જૂનાગઢ સુધી પહોંચાડવા માટે રૂપિયાથી લઈને વાહનની વ્યવસ્થા કરીશું. એના પિતા પાસેથી એક પૈસો પણ નહીં લઈએ.’ ડો. સંજયે જૂનાગઢ ફોન કરી દીધો. વિજયને ત્યાં લઈ જવામાં બે કલાક લાગી ગયા. રસ્તામાં યુવાનો ડોક્ટરે સમજાવ્યા પ્રમાણે અંબુ બેગ દબાવીને બાળકને ઓક્સિજન પૂરો પાડી રહ્યા હતા. પણ અચાનક એક મોટી ઘાત આવી ચડી. વિજયને લઈને હોસ્પિટલનો દાદર ચડતા હતા ત્યારે એની શ્વાસમાં મૂકેલી ટ્યૂબ નીકળીને બહાર આવી ગઈ. જો ચાર-પાંચ મિનિટ્સ પસાર થઈ જાય તો વિજય મૃત્યુ પામે. એ જ સમયે કોરિડોરમાં થઈને એક અનુભવી નર્સ અને એનેસ્થેટિસ્ટ પસાર થતાં હતાં. નર્સની નજર પડી કે તરત તેણે એનેસ્થેટિસ્ટનું ધ્યાન દોર્યું. ડોક્ટરે ક્ષણનાય વિલંબ વગર પાછું ઈન્ટ્યુબેશન કરી દીધું. સ્થિતિ પરાજીત થઈ, સંજોગો જીત્યા. સી. ટી. સ્કેનનો રિપોર્ટ નોર્મલ આવ્યો. જૂનાગઢના બાળરોગ નિષ્ણાતે ડો. સંજયને ફોન કર્યો, ‘વિજયની જે પણ તપાસ કરીએ છીએ તેનો રિપોર્ટ નોર્મલ મળે છે. હવે શું કરીશું? એ વધુ ને વધુ સિરિયસ થતો જાય છે.’ હવે ડો. સંજયના મનમાં નિદાન પાક્કું થઈ ગયું, ‘વિજયને સો ટકા સર્પ કરડ્યો છે. ભલે એનું નિશાન દેખાતું ન હોય, તમે એન્ટિ વેનમ સિરમનું ઈન્જેક્શન આપી દો. હી ઈઝ ઈન ન્યૂરોજેનિક શોક.’ ડોક્ટરે સર્પ-વિષ-વિરોધી રસીનું ઈન્જેક્શન આપી દીધું. વિજયની હાલતમાં નાટકીય પરિવર્તન દેખાવા માંડ્યું. ચોવીસ કલાકમાં એ બેઠો થઈ ગયો. ત્રીજા દિવસે ખાતો-પીતો, હરતો-ફરતો થઈ ગયો. ચોથા દિવસે રજા લઈને એનાં મા-બાપ વેરાવળ આવ્યાં. ડો. સંજયે ફરીથી એને સાવ ઉઘાડો કરીને તપાસ્યો. ક્યાંય સર્પદંશનાં નિશાન ન હતાં, પણ સારવારની સફળતા કહેતી હતી કે એ સર્પદંશ જ હતો, કારણ કે એ માટેની રસીથી જ એ સાજો થયો હતો. ડોક્ટરનો આભાર માનીને વિજયનાં મા-બાપ ગામડે જતાં રહ્યાં. બીજા ત્રણ દિવસ પછી વિજયને લઈને તેના પિતા પાછા ડો. સંજય પાસે આવ્યા. વિજયનો જમણો પગ ઊંચો કરીને પીંડી બતાવીને એ બોલ્યા, ‘સાહેબ, વિજયને પગની પીંડીએ ચામડી ઉપર કાળું ચકામું પડી ગયું છે. જુઓ અહીં…’ ડો. સંજયે જોયું. સર્પના દંશનું સરનામું મળી ગયું. આ જગ્યા બહુ ઓછી જોવા મળે છે; વિજયનો પગ બરાબર સાપની ફેણ ઉપર પડી ગયો હશે, સાપે પગની પીંડીમાં ઝેર ઠાલવી દીધું હશે.⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...