અજવાળાનો ઓટોગ્રાફ:પિંજરનું પંખી શું કામ ગાય છે? એ ફક્ત તે જ જાણે છે!

ડૉ. નિમિત્ત ઓઝા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

એમનું બાળપણ ખૂબ સંઘર્ષમાં વીત્યું. મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા. તેઓ આઠ વર્ષના હતાં ત્યારે તેમની મમ્મીના બોયફ્રેન્ડે તેમનાં પર બળાત્કાર કર્યો. આ પછી તેઓ એક ઊંડા આઘાતમાં સરી પડ્યાં. તેમ છતાં હિંમત દાખવીને તેમણે પોલીસ ફરિયાદ કરી. મમ્મીના બોયફ્રેન્ડને જેલભેગો કરી દેવાયો, પણ જેલમાંથી છૂટતાં જ પીડિતાના અંકલ દ્વારા ગુનેગારને એટલો બધો માર મારવામાં આવ્યો કે પીડિતાની સામે જ તે મૃત્યુ પામ્યો. પોતે કરેલી એક ફરિયાદને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો, એ વાતનું ગિલ્ટ પીડિતાનો પીછો નહોતું છોડતું. તેઓ સતત એક અપરાધભાવ અને અફસોસ સાથે જીવવા લાગ્યાં કે કાશ, મેં ફરિયાદ ન કરી હોત! મારા મુખેથી નીકળેલા શબ્દો કોઈનો જીવ લઈ શકે, એ વિચાર અને આઘાત સાથે તેઓ ભાષા-વિહોણા બની ગયાં. એ પછીનાં પાંચ વર્ષ સુધી તેમના મુખેથી એક પણ શબ્દ ન નીકળ્યો. અવાજ ખોવાઈ ગયો. તેઓ ‘મ્યુટિઝમ’ નામની એવી બીમારીનો શિકાર બન્યાં જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં ‘મૂંગું’ કહીએ છીએ. તેમણે લગભગ એવું નક્કી કરી લીધેલું કે તેઓ આજીવન મૂંગા રહેશે, પણ શબ્દો વિનાની દુનિયામાં પાંચ વર્ષ ગાળ્યાં પછી તેમના જીવનમાં એક ફેમિલી ફ્રેન્ડ અને ગુરુ પ્રવેશ્યા. એ શિક્ષકે આ પીડિતાની મુલાકાત ભાષા સાથે કરાવી. શિક્ષકની આંગળી પકડીને તેઓ સાહિત્યની દુનિયામાં પ્રવેશ્યાં. મહાન લેખકો અને અદ્્ભુત પુસ્તકોના સંપર્કમાં આવ્યાં. તેમણે ચાર્લ્સ ડિકન્સ અને શેક્સપિયર જેવા લેખકોને વાંચ્યા. જ્યોર્જિયા જોન્સન અને ફ્રાન્સિસ હાર્પર જેવાં કવયિત્રીઓની કવિતાઓ વાંચી. તેમને ધીમે ધીમે ભાષા જડતી અને ચડતી ગઈ. ખોવાયેલાં શબ્દો, વિચાર, ભાવ અને અસ્તિત્વનાં દર્શન થવા લાગ્યાં. જેટલું ઉજડી ગયું’તું, એ બધું જ જડી ગયું. તેમને પોતાનો ખોવાયેલો અવાજ પાછો મળી ગયો, જે તેમણે છેલ્લા શ્વાસ સુધી સાચવી રાખ્યો. આ એ જ અવાજ હતો જે નાગરિક અધિકારો માટે ઊઠેલો. જે રંગભેદની નીતિ અને અન્યાય સામે ઊઠેલો. આ એ જ ભાષા હતી જેણે અપ્રતિમ કવિતાઓ અને અદ્્ભુત પુસ્તકો લખ્યાં, જેણે અનેક વાચકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનનું વંટોળ સર્જ્યું. વિશ્વ-સાહિત્યના આકાશમાં કાયમને માટે ઝળહળતો એ સદાબહાર, ચિરંજીવ અને તેજસ્વી સિતારો એટલે કવયિત્રી માયા એન્જલુ અને રુંવાડા ઊભાં કરી દેનારી તેમની આત્મકથા એટલે પુસ્તક ‘I know why the caged bird sings.’ જેમની ભાષા અને અવાજ એક સમયે પિંજરામાં પુરાયેલો હોય, એ જ વ્યક્તિ આટલા વટથી કહી શકે કે પિંજરનું પંખી શું કામ ગાય છે? એ ફક્ત હું જ જાણું છું. હકીકતમાં એન્જલુની ‘Caged bird’ નામની પ્રખ્યાત કવિતા જગતની કોઈપણ સ્ત્રીનો અભિગમ અને જીવન બદલી શકે તેમ છે. એ કવિતામાં તેમણે બે પંખીઓની વાત કરી છે. એક એવું પંખી જે આઝાદ છે, મુક્ત છે, મન ફાવે ત્યાં ઉડી શકે છે અને બીજું પંખી એક પિંજરામાં પુરાયેલું છે. એ પંખીની પાંખો કાપી નાંખવામાં આવી છે. એના પગ દોરીથી બાંધી દેવાયા છે. એક પંખીને જ્યારે સંપૂર્ણપણે બાંધી કે પૂરી દેવામાં આવે છે, ત્યારે એ પોતાનું મોઢું ખોલે છે. ફરિયાદ કે કકળાટ કરવાને બદલે, એ ગીત ગાવાનું પસંદ કરે છે. એના ગીતમાં એક વિદ્રોહ છે. આઝાદ થવાની ઈચ્છા અને વર્તમાન સંજોગો સામે હિંમત નહીં હારવાની એક સૂરીલી જીદ છે. એ પંખી હોય કે સ્ત્રી, જરૂરી નથી કે એનું ગીત હંમેશાં એની પ્રસન્નતાથી અભિવ્યક્તિ જ હોય. ક્યારેક તે પોતાની વેદના સંતાડવા માટે પણ ગાય છે. કપરા સંજોગોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, મન મનાવવા કે જાતને ચીયર-અપ કરવા માટે ગાય છે. એક સ્ત્રીની સૌથી મોટી ચીયર-લીડર એ સ્ત્રીની અંદર રહેલી ગાયિકા હોય છે. જે પોતાનાં દુઃખ અને પીડાનું સ્વરાંકન કરી શકે છે, એ કંઈ પણ સહન કરી શકે છે. જે પોતાની ગુલામીને ગીતોમાં ઢાળી શકે છે, એ જ પિંજરમાંથી ગાઈ શકે છે. એન્જલુના જીવન-કવન પરથી એટલું તો સ્પષ્ટ છે કે પીડા દરમિયાન ગાવું જરૂરી છે. જો તમે ગાઈ નથી શકતા, તો બોલો. બોલી નથી શકતા, તો લખો. લખી નથી શકતા, તો વાંચો. જો વાંચી નથી શકતા, તો સાંભળો, પણ ગમ્મે તેમ કરીને શબ્દોના સંપર્કમાં રહો, કારણ કે શબ્દો આપણી અંદર રોપાયેલા એ બીજ છે, જેમાંથી નક્કી એક દિવસ ભાષા ઊગી નીકળશે. એ ભાષા જ આપણને સૌથી મોટી રાહત આપશે અને જીવન તરફ પાછા વાળશે. માયા એન્જલુનું એક વિધાન મારું પ્રિય છે, ‘there is no greater agony than bearing an untold story inside you.’ જાતની અંદર દાટી દીધેલી અને અકથિત રહી ગયેલી એક વાર્તા આપણને સૌથી વધારે પીડા આપે છે. માટે ગાતા રહેવું જરૂરી છે.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...