તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજવાળાનો ઓટોગ્રાફ:હારેલો જુગારી બમણું શું કામ રમે?

ડૉ. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાર્યો જુગારી બમણું રમે.’ બાળપણમાં જ્યારે પણ હું આ કહેવત સાંભળતો ત્યારે મને પ્રશ્ર થતો કે જો જુગારી હારે જ છે, તો એ રમત છોડી કેમ નથી દેતો? એ બમણું શું કામ રમે છે? આનો જવાબ વર્ષો પછી મને અર્થશાસ્ત્રમાં વપરાતા એક શબ્દપ્રયોગમાંથી મળ્યો. ઈકોનોમિક્સમાં વપરાતી એ ટર્મનું નામ છે ‘The sunk cost fallacy’. ટૂંકમાં, ડૂબી ગયેલાં રોકાણ પ્રત્યેની હ્યુમન સાઈકોલોજી. હું જેમ-જેમ આ ઘટના અને મનુષ્ય સ્વભાવની લાક્ષણિકતામાં ઊંડો ઊતરતો ગયો, તેમ-તેમ મને માનવ-સંબંધોના કેટલાક વણઉકેલ્યા કોયડાઓનો જવાબ પણ મળતો ગયો. જ્યારે પણ કોઈ ધંધા, સાહસ કે વ્યક્તિમાં કરેલું રોકાણ આપણને ડૂબતું દેખાય છે, ત્યારે એ ખોટની ભરપાઈ કરવા માટે આપણે એ જ ધંધા, સાહસ કે વ્યક્તિમાં નવેસરથી બમણું રોકાણ કરીએ છીએ. એ સંબંધ હોય કે વ્યવસાય, લાગણીઓ હોય કે મૂડી, હકીકત એ છે કે આપણું મન એ સ્વીકારવા તૈયાર જ નથી હોતું કે આપણે લીધેલા નિર્ણયો ખોટા હોઈ શકે. પરિણામે, એ ખોટા નિર્ણયોને યોગ્ય કે વાજબી ઠેરવવા માટે આપણે એ ‘હારેલી બાજી’માં રોકાણ વધારી દઈએ છીએ. એ રિલેશનશિપ હોય કે સ્ટાર્ટઅપ, આપણા ખોટા નિર્ણયોને ડિફેન્ડ કે જસ્ટીફાય કરવાની માનવસહજ વૃત્તિને કારણે આપણે ખોટી દિશામાં એટલાં દૂર નીકળી જઈએ છીએ કે પછી યુ-ટર્ન લેવાની હિંમત જ નથી થતી. આ જ કારણ છે કે લાંબા સમય સુધી ચાલેલા કોઈ પણ સંબંધમાંથી આપણે સરળતાથી મુક્ત નથી થઈ શકતાં. એક સમયની રોમાન્ટિક રિલેશનશિપ હવે પીડા કે દુઃખ આપનારી બની ગઈ હોવા છતાં પણ એ સંબંધ આપણે નથી છોડી શકતાં, કારણ કે એમાં આપણે ખૂબ બધું ‘ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ’ કરેલું હોય છે. ગલ્લે બેસીને સાથે પીધેલી ચા, વરસતા વરસાદમાં એકબીજાનો હાથ પકડીને કરેલી લોંગ ડ્રાઈવ, દરિયાકિનારે ગાળેલી એક સાંજ, શનિ-રવિમાં કરેલી કોઈ રમણીય સ્થળની ખાનગી મુલાકાત કે પછી આપણા મોબાઈલમાં હજુય સચવાઈને પડેલા ગમતી ચેટના સ્ક્રીનશોટ્સ. આપણાં જીવનની આટલી બધી અમૂલ્ય ક્ષણોનું રોકાણ કર્યા પછી જો કોઈ સંબંધમાંથી પ્રેમનું અપેક્ષિત વળતર મળતું બંધ થઈ જાય, તો શું કરવું? બ્રેક-અપ સમયે લાગતાં આઘાત અને દુઃખનું એક કારણ એ પણ હોય છે કે કોઈ વ્યક્તિ સાથે બંધ બાજીએ રમેલા પ્રેમના જુગારમાં આપણી હાર આપણને સ્વીકાર્ય નથી હોતી. એ વ્યક્તિમાં આપણે રોકેલી ભાવનાઓ, સમય અને ઊર્જા ડૂબતાં દેખાય ત્યારે રમત છોડવાને બદલે હારેલા જુગારીની જેમ આપણે બમણું રોકાણ કરવા લાગીએ છીએ. ડૂબી રહેલાં વર્તમાન અને ગુમાવી દીધેલાં વળતરનો ખ્યાલ કરવાને બદલે આપણા બધા જ પ્રયત્નો આપણે લીધેલા નિર્ણયને યોગ્ય અને લાભદાયક સાબિત કરવામાં ખર્ચી નાખીએ છીએ. ખોટ સ્વીકારવાને બદલે આપણે ભૂતકાળમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટની દુહાઈઓ આપ્યા કરીએ છીએ કે ‘પણ અમે પાંચ વર્ષથી સાથે છીએ!’ એ ‘ડેડ ઇન્વેસ્ટમેન્ટ’માંથી વળતર મળવાની અપેક્ષાએ આપણે લાગણીઓ અને લગાવનું રોકાણ બમણું કરી દઈએ છીએ અને એક સારી બાજી જીતવાની પ્રતીક્ષામાં આપણું બધું જ દાવ પર લગાડી દઈએ છીએ. આનો એક જ ઉપાય છે, હારેલો જુગારી યોગ્ય સમયે રમત છોડીને ચાલ્યો જાય. એક સુંદર ટર્કિશ કહેવત છે, ‘ભલે તમે ખોટા રસ્તા પર ગમે તેટલાં દૂર નીકળી ગયાં હો, પાછાં વળી જાવ.’ એ ડૂબેલો બિઝનેસ હોય કે રિલેશનશિપ, જે ક્ષણે તમે ખોટા રસ્તા પર યુ-ટર્ન લો છો એ જ ક્ષણથી તમારો સાચો રસ્તો શરૂ થાય છે. એ વ્યક્તિગત જીવનમાં હોય કે વ્યાવસાયિક, નિષ્ફળ ગયેલા નિર્ણયોની સભાનતા, જવાબદારી અને સ્વીકૃતિ જ આપણો સૌથી મહત્ત્વનો સાચો નિર્ણય બની રહે છે. ‘Sunk Cost Fallacy’ આપણાં દરેકનાં જીવનમાં લાગુ પડે છે. ‘રોકાણ કર્યું છે માટે ગમે તેમ કરીને પ્રવૃત્તિ આગળ ધપાવો’ જેવી આ પ્રકારની માનસિકતાને કારણે કેટલાંય લોકો પોતાના નિર્ણયો બદલતા ડરે છે. તેઓ કમને, પરાણે કે નાખુશ રહીને પણ એવી પ્રવૃત્તિ શરૂ રાખે છે, જે હવે વળતરમાં મોજ કે આનંદ નથી આપી શકતી. આ જ માનસિકતાને કારણે કેટલાય વિદ્યાર્થીઓ પોતાની ગમતી વિદ્યાશાખામાં પ્રવેશ નથી લેતા. કોઈ એક બ્રાન્ચમાં એડમિશન લીધા પછી, તેઓ નથી સ્વીકારી શકતા કે આ નથી ગમતું. કંઈક બીજું કરવું છે. કેટલાંય સ્ટાર્ટઅપ્સ, સંબંધો કે વ્યાવસાયિક સાહસો ફક્ત એ કારણથી ચાલ્યાં કરે છે કે કોઈ એક સમયમાં એ સ્વેચ્છાએ શરૂ કરેલાં. બહારથી સુંદર અને આકર્ષક લાગતી બસમાં બેઠાં પછી ધારો કે આપણને ખ્યાલ આવે કે જિંદગીની મુસાફરી આરામદાયક અને આહ્્લાદક નથી, તો ક્યાં સુધી એ બસમાં બેઠાં રહેવાનું? પીડાદાયક કે અન-કમ્ફર્ટેબલ હોય એવી દરેક મુસાફરીમાંથી કોઈ પણ સમયે નીચે ઊતરી જવાની આપણને છૂટ હોય છે. કોઈ ટિકિટ, બસ કે પસંદગી કાયમી નથી હોતી. ભલે ગમે તેટલું હારી ચૂક્યાં હોઈએ, જે તબક્કે ખોટની રમતમાંથી ઊઠવાનો નિર્ધાર કરીએ છીએ, એ ક્ષણ જ સૌથી લાભદાયક હોય છે. બસ, ત્યારથી આપણું જીવન બદલાવાની શરૂઆત થાય છે. આપણે લીધેલા નિર્ણયો માટે આપણે જવાબદાર હોઈ શકીએ, એના ગુલામ નહીં. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...