10 સપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે:ફર્સ્ટ એડ બોક્સમાં તમે શું રાખો છો?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ ર્સ્ટ એડ એટલે ઘાયલ વ્યક્તિને મેડિકલ સારવાર મળે એ પહેલાં આપવામાં આવતી સારવાર. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાનો બીજો શનિવાર વિશ્વભરમાં ‘વર્લ્ડ ફર્સ્ટ એડ ડે’ એટલે કે ‘વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ’ તરીકે ઊજવાય છે. આ દિવસની સૌપ્રથમ શરૂઆત ‘ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રીસેન્ટ સોસાયટીઝ’એ 2000ના વર્ષમાં કરી હતી. પ્રાથમિક સારવારનું મહત્ત્વ આ દિવસ ઊજવવા પાછળનો ખાસ હેતુ એ છે કે ફર્સ્ટ એડ બોક્સની જરૂરિયાત બાબતે લોકોમાં જાગરુકતા આવે, નાની-મોટી ઈજાથી બચી શકાય અને જીવન બચાવવા માટે પ્રાથમિક સારવારનું મહત્ત્વ સમજાય. ફર્સ્ટ એડમાં ઘાયલ વ્યક્તિના ઘાને સાફ કરીને પટ્ટી બાંધી શકાય કે જેથી હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેના શરીરમાંથી લોહી ન વહી જાય. ઘણી બધી વાર અકસ્માત પછી તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાથી લોકોનાં જીવ બચાવી શકાય છે. શા માટે જરૂરી છે? હાથ-પગ કે શરીરમાં નાની-મોટી ઈજા થાય, તાવ આવે, ઈન્ફેક્શન થાય કે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય તકલીફ ઊભી થાય અને તાત્કાલિક ડોક્ટર પાસે જઈ ન શકાય ત્યારે ઘરે ફર્સ્ટ એડ બોક્સ હોવું બહુ જરૂરી છે. એનાથી ઘણી રાહત મળે છે. ફર્સ્ટ એડ બોક્સ ઘરના દરેક સભ્યો અને એમની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું જોઈએ. ખાસ કરીને સીઝનલ રોગ મુજબની દવા પણ તમારા આ બોક્સમાં હોય તે જરૂરી છે. અકસ્માત સિવાયની ઈમરજન્સી સ્થિતિમાં પણ ફર્સ્ટ એડનો ઉપયોગ કરતા આવડવો જરૂરી છે. તેથી દરેક વ્યક્તિએ આ પ્રાથમિક સારવારના ફાયદા અને તેની જરૂરિયાત વિશે જાણવું જ જોઈએ.

તમારા ફર્સ્ટ એડ બોક્સમાં ડેટોલ હોય તે જરૂરી છે કે જેથી ઈજા થઈ હોય તો ઘાને સાફ કરી શકાય. આ ઉપરાંત કોટન, બેન્ડેડ, પાટો, થર્મોમીટર, ડોક્ટર ટેપ, એન્ટીસેપ્ટિક ક્રીમ, પેનકિલર, ઈનો, ઈમરજન્સી માટે એન્ટિ એલર્જીક દવા, કાતર, હેન્ડ સેનિટાઈઝર, એસ્પ્રિનની ટેબલેટ કે જે હાર્ટએટેક કે સ્ટ્રોક વખતે કામ લાગે તે પણ આ બોક્સમાં રાખો. એ સાથે ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે જેલ, ક્રીમ, ટેબલેટ કે પાઉડર પણ આ બોક્સમાં હોય તે બહુ જરૂરી છે. અને હા બીજી સૌથી મહત્ત્વની વાત કે હોસ્પિટલનો ઈમરજન્સી ફોન નંબર પણ તમારે પાસે હોય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...