તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક એન્ડ વ્હાઈટ:મરતી વખતે માણસને કઈ વાતોનો અફસોસ થાય?

5 દિવસ પહેલાલેખક: આશુ પટેલની કલમે
 • કૉપી લિંક
 • લોકોએ પોતાના શોખ એ વિચારીને પૂરા ન કર્યા કે લોકો શું વિચારશે. એવા અફસોસ ન થાય એ માટે શું કરવું જોઈએ એની સલાહ બ્રોની વૅરે આપી છે

લેખિકા અને મોટિવેશનલ સ્પીકર તરીકે જગમશહૂર બનેલી ઓસ્ટ્રેલિયન લેખિકા બ્રોની વૅરે ‘ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ (મરતી વખતે થતા મુખ્ય પાંચ અફસોસ) નામનું પુસ્તક લખ્યું છે. બ્રોની વૅરે એ પુસ્તકમાં જે વાતો લખી છે એ દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે. બ્રોનીએ 2009માં તેના બ્લોગમાં ‘રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ શીર્ષક હેઠળ લખ્યું હતું કે મરતી વખતે મોટાભાગના માણસોના મનમાં કયા-કયા અફ્સોસ હોય છે. એ બ્લોગને ખૂબ જ સફળતા મળી. 2012 સુધીમાં એંસી લાખ લોકો તેના બ્લોગ પર એ વાત વાંચી ચૂક્યાં હતાં. એ પછી 2012માં બ્રોનીએ એ વાતને વધુ વિસ્તૃત રૂપે, ‘ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ નામના પુસ્તક સ્વરૂપે લખી. એ પુસ્તક બેસ્ટસેલર સાબિત થયું અને દુનિયાની 27 ભાષાઓમાં એ પુસ્તકનો અનુવાદ થયો. બ્રોની ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં એક નર્સ તરીકે કામ કરતી હતી ને એવા દર્દીઓનું ધ્યાન રાખતી હતી કે જેઓ જીવનના છેલ્લા સ્ટેજમાં તેની પાસે આવ્યા હોય. એવા દર્દીઓ સાથે વાતચીત દરમિયાન બ્રોનીએ અનુભવ્યું કે દરેક મરતા માણસના મનમાં કોઈ ને કોઈ અફસોસ જરૂર હતો. કમાલની વાત એ હતી કે એ દર્દીઓના જીવનમાં બીજી કોઈ સમાનતા નહોતી, પણ તેમના અફસોસ સમાન હતા. એ દર્દીઓ જે અફસોસ વ્યકત કરતા હતા એ આધારે મરતા માણસોના મનમાં હોય છે એ ટોચના પાંચ અફસોસ વિશે બ્રોનીએ તેના પુસ્તકમાં લખ્યું છે. બ્રોની વૅરના એ પુસ્તક ‘ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ વિશે એક વીડિયો એક મિત્રએ મને થોડા દિવસો અગાઉ મોકલ્યો એટલે બ્રોની વૅરની એ બુકમાંની કેટલીક વાતો વાચકમિત્રો સાથે શેર કરવાનું મન થયું.

બ્રોની વૅરના એ પુસ્તકનો ટૂંક સાર જોઈએ. મોટાભાગના માણસોના મનમાં મરતી વખતે જે અફસોસ હોય છે એ પૈકી પ્રથમ અફસોસ આ હોય છે: કાશ! મેં મારી જિંદગી મારી રીતે જીવવાનું પસંદ કર્યું હોત! એ વાતની પરવા કર્યા વગર કે લોકો શું વિચારશે! બ્રોની કહે છે કે દરેક મરતા માણસના મનમાં એ અફસોસ હતો કે અમે આખી જિંદગી લોકોની અપેક્ષા પ્રમાણે જ જીવ્યા. અમે એ વિચારતા રહી ગયા કે લોકો શું વિચારશે. એ ડરને કારણે અમે ક્યારેય પોતાની મરજી પ્રમાણે ન જીવ્યા. એવો ડર રાખ્યો કે આવાં કપડાં ન પહેરાય, લોકો શું વિચારશે! અહીં ન જાઓ કે ત્યાં ન જાઓ, લોકો શું વિચારશે! આવું ન કરો કે તેવું ન કરો, લોકો શું વિચારશે! કેટલાક લોકોએ પોતાની મનપસંદ વ્યક્તિ જોડે એવા ડરથી લગ્ન ના કર્યાં કે લોકો શું વિચારશે. કેટલાક લોકોએ પોતાના શોખ એ વિચારીને પૂરા ન કર્યા કે લોકો શું વિચારશે. કેટલાક લોકોએ પોતાની મનપસંદ નોકરી ન કરી કે લોકો શું વિચારશે! બ્રોની કહે છે કે મોટાભાગના માણસો મરણપથારીએ હોય છે એ વખતે તેમને એ વાતનો અફસોસ થાય છે કે પોતે જે લોકોને ધ્યાનમાં રાખીને પૂરી જિંદગી વિતાવી એવા લોકો જીવનના અંત સમયે મળવા પણ ન આવ્યા!

બ્રોની આ અનોખા પુસ્તકમાં સલાહ આપે છે: હું એમ કહું છું કે જે વાતોમાં તમે જે ચીજમાં વિશ્વાસ કરો છો એ કરો. અને આખી જિંદગી તમે એ ના વિચારતા કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે? નહીં તો એક દિવસ આવો અફસોસ તમને પણ થશે કે સાલું લોકોના ડરથી આપણી ઈચ્છા હતી એ રીતે ન જીવ્યા, આપણી ઈચ્છાઓ મારીને જીવ્યા! મરતી વખતે મોટાભાગની વ્યક્તિઓને બીજો અફસોસ આ હોય છે કે કાશ! મેં આટલું કામ ન કર્યું હોત! મેં મારા મિત્રો સાથે, મારાં માતાપિતા સાથે આટલો ટાઈમ વિતાવ્યો હોત તો કેવું સારું થાત! કાશ, મેં મારાં બાળકોને મોટાં થતાં જોયાં હોત! બ્રોની કહે છે કે હું એમ નથી કહેતી કે તમે હાર્ડવર્ક ના કરો, પણ જો તમે સક્સેસફુલ છો અને એ અમૂલ્ય સમય તમે વેડફી નાખ્યો છે જે તમારી જિંદગીમાં ફરી ક્યારેય પાછો નથી આવવાનો, તો તમે સફળતા મેળવવા માટે બહુ મોટી કિંમત ચૂકવી છે. તો તમારી જિંદગીનું આયોજન કરો અને જે લોકો તમારા દિલની વધુ નજીક છે તેમના માટે સમય કાઢો. નહીં તો એક દિવસ આવો અફસોસ તમને પણ થશે કે મેં આખી જિંદગી ઢસરડા જ કર્યા!

મરતી વખતે લોકોને ત્રીજો અફસોસ આ હોય છે: કાશ, મારામાં એટલી હિંમત હોત કે હું મારી લાગણી લોકો સામે વ્યક્ત કરી શકત! બ્રોની અહીં માત્ર રોમેન્ટિક લાગણીની વાત નથી કરતી. મરતી વખતે વ્યક્તિને એવો અફસોસ પણ થતો હોય છે કે ‘કાશ, હું મારાં માતાપિતાને બતાવી શકત કે હું તેમને કેટલો પ્રેમ કરું છું. કાશ, હું મારા ભાઈને કહી શકત કે તે મારી જિંદગીમાં કેટલો મહત્ત્વનો છે. કાશ હું મારી (કે મારા) કઝિનને કહી શકત કે એ દિવસે તેં મારું કેટલું દિલ દુભાવ્યું હતું! મને માફ કરી દે. જે લોકો આપણી જિંદગીમાં મહત્ત્વના છે, આપણા દિલની નજીક છે. તેમને કશું કહેવું હોય ત્યારે આપણે વિચારીએ છીએ કે ચાલો આજે નહીં પછી ક્યારેક કહીશું, જેથી સંબંધ ખરાબ ન થઈ જાય. જો તમારા મનમાં એવી કોઈ વાત હોય કે જે તમને લાગે કે તમારે કહી દેવી જોઈએ તો રાહ ના જુઓ અને કહી દો નહીં તો એક દિવસ આવો અફસોસ તમને પણ થશે. મરતી વખતે લોકોના મનમાં ચોથો અફસોસ આ હોય છે: કાશ હું મારા દોસ્તોની નજીક રહેત. કાશ હું તેમની સાથે થોડો વધુ સમય પસાર કરત! બ્રોની કહે છે કે યાદ રાખો કે આ એ જ જ દોસ્ત હોય છે કે આપણા જીવનના એક તબક્કે જેના વગર આપણી જિંદગી નહોતી ચાલતી. કદાચ તેઓ ભણવા માટે બહાર ચાલ્યા ગયા હોય, નોકરી માટે બહાર ચાલ્યા ગયા હોય પરંતુ તમે તેને ફોન કરી શકો છો. વીડિયો કોલ કરી શકો છો, ટેક્સ્ટ મેસેજ કરી શકો છો.

બ્રોની કહે છે કે આ વાત તરત અમલમાં મૂકો નહીં તો દોસ્તોને ખોઈ બેસવાનો અફસોસ તમને પણ જરૂર થશે. જીવનના અંત સમયે પાંચમો અફસોસ આ હોય છે: કાશ, મેં મારી જાતને ખુશ રાખી હોત! બ્રોનીએ નર્સ તરીકે ફરજ બજાવતી વખતે મૃત્યુના બિછાને પડેલી વ્યક્તિઓ સાથે વાત કરી. એ પૈકી દરેક વ્યક્તિએ એ વાત સ્વીકારી હતી કે તેમને ખબર હતી કે તેમને શાનાથી ખુશી મળે છે, પરંતુ તેમણે એ ખુશી મળે એવી પ્રવૃત્તિ ન કરી કે એવું કામ ન કર્યું. કારણ કે તેમણે જિંદગીભર એ વિચાર્યું કે તેમની ખુશી બીજા કોઈ સાથે જોડાયેલી છે. બ્રોની કહે છે કે આપણી ખુશીનો કંટ્રોલ આપણા હાથમાં છે અને આ વાતને જેટલી જલદી સમજી લઈએ ને એટલું જ આપણા માટે સારું છે, નહીંતર આ અફસોસ તમને જરૂર થશે. તમે ક્યારેય મરતા માણસને એ કહેતા જોયો છે કે કાશ, હું એક બંગલો વધારે બનાવી લેત કે એક પ્લોટ વધારે ખરીદી લેત! ના. મરતી વખતે ભૌતિક રીતે કિંમતી એવી કોઈ વસ્તુ ન મેળવી એ વાતનો અફસોસ નથી થતો. અફસોસ એ વાતનો થાય છે જે આપણી આજુબાજુ હતી, આપણી વચ્ચે હતી છતાં પણ આપણે તેની કદર ના કરી!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો