કિંચિત્:આપણે જે પણ કરીએ તેનાથી લોકોને શું?

મયૂર ખાવડુ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે જે કરીએ છીએ, એ લોકોની નજરમાં ખોટું છે.’ ‘આપણે જે પણ કરીએ તેનાથી લોકોને શું?’ ‘હું બસ એ જાણું છું કે આપણે સાથે હોઈશું અને આપણને કોઈએ કંઈક કરતાં જોઈ લીધાં તો જે પરિણામ આવશે એ આપણા બંને માટે સારું નહીં હોય. મેં જોયું છે. મારા ઘરની પાસે એલ અને રિચ નામના બે વૃદ્ધો એકસાથે ખેતરમાં રહેતા હતા, એ એક મજાક બનીને રહી ગયા. એ બંને શરીરથી તંદુરસ્ત હતા. અચાનક એક દિવસ ખેતરના ખાડામાંથી એલની લાશ મળી. એની હત્યા કરનારાઓએ એક લોખંડના તારથી તેનું શિશ્ન બાંધી દીધું હતું અને તેનો જીવ લઈ લીધો હતો.’ ‘તેં પોતે જોયું?’ ‘હા, હું એ સમયે નવ વર્ષનો હતો. પપ્પાએ મને અને મારા ભાઈને લઈ જઈ જબરદસ્તીથી દેખાડ્યું હતું. એ ઈચ્છતા હતા કે આ અમે અમારી આંખોથી જોઈએ. બે પુરુષોનું સાથે રહેવું અશક્ય છે.’ *** આપણી ગુજરાતી નવલકથાઓમાં એક રૂઢિગત શબ્દ વાપરવાનું ચલણ થઈ ગયું છે. ટાળવાની ઈચ્છા છતાં શબ્દક્રિડાશાસ્ત્ર કરતાં લેખકો તેને ટાળી નથી શકતા. ખાસ કરીને નવોદિત સર્જકોનો આ શબ્દ પનારો નથી છોડતો. શબ્દ છે લખલખું પસાર થઈ ગયું. ટૂંકી વાર્તા બ્રોકબેન માઉન્ટેનનું આરંભનું લખાણ લખલખું પસાર કરી જાય એવું જ છે! બ્રોકબેન નામનો એક પર્વત છે. જ્યાં બેરોજગારીમાં ઉપાર્જન કરવા માટે બે પુરુષો ઘેટાં ચારવા અને તેની રક્ષા કરવા જાય છે. તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાય છે. આ સંબંધો ફક્ત શરીરના નથી. તેમાં હ્રદયનું પણ સ્થાન છે. સમય કરવટ લે છે. એક પરણીને થાળે પડે છે. પિતા બને છે. બીજો એક અમીર કન્યાને પરણે છે. જીવનમાં જોઈએ એ બધું છે, પણ સુખ ક્યાં? સુખનો છાંયો તો તેઓ બ્રોકબેન માઉન્ટેનના એ સુવર્ણ દિવસોની ઊંડી ખીણમાં ખોઈ આવ્યા છે. હવે માથે બારેમાસ તડકો છે. પરિવારની જવાબદારી વચ્ચે પણ એમનો સ્નેહ ફરી આકાર પામે છે, પણ હવે એકલતા નથી. એકલતાની શોધ કરવા એમણે તપ કરવાનું છે. પત્ની છે, બાળકો છે, સમાજ છે, આ બધાંથી છાનું રહીને પ્રેમ કરવાનો છે. એટલું કહી શકાય કે એકલતામાં અસહ્ય વિલાપ કરવા માટે આ ટૂંકી વાર્તાનો અંત કાફી છે. આશ્ચર્યની વાત એ છે કે પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધોનો સૌંદર્યબોધ કરાવતી આ કરુણ ટૂંકી વાર્તા એની પ્રોલક્સ નામની એક લેખિકાએ લખી છે. વિજાતીય લેખક જ્યારે સમલૈંગિકતા પર કલમ ચલાવે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આ ક્ષેત્રમાં તે કેવી રીતે ખેડાણ કરશે? આવાં સર્જનોની આ જ મજા છે. 13 ઓક્ટોબર 1997ના રોજ ધ ન્યૂયોર્કરમાં આ ટૂંકી વાર્તા પ્રથમ વખત પ્રગટ થઈ હતી. 1998માં ફિક્શન વિભાગમાં નેશનલ મેગેઝિન એવોર્ડ જીત્યો હતો. આ વાર્તા લખતા એનીને છ મહિનાનો સમય લાગ્યો હતો અને સાઈઠ કરતાં વધારે ડ્રાફ્ટ કર્યા હતા. આ વાર્તા એક કઠણાઈ ઊભી કરે છે. કેવી રીતે લોકો સમક્ષ સાબિત કરવું કે અમે સ્ત્રીને તો ચાહીએ જ છીએ, પણ પુરુષ અમારો પ્રથમ પ્રેમ છે. લેખિકા એની પ્રોલક્સ પ્રતીક તરીકે કુદરતનો ઉપયોગ કરે છે. એ બંને પર્વત પર છે અને પ્રકૃતિને તેમના સંબંધોથી કોઈ તકલીફ નથી. વરસાદ પડે છે, બરફ પડે છે, ટાઢ વાય છે, જંગલી જાનવરો આવે છે જાય છે, એમ બંને પુરુષો પ્રેમ કરે છે, પર્વત પર એ જ થાય છે જે વર્ષોનાં વર્ષોથી થતું આવતું હતું. અડચણનું સમુદ્રમંથન ત્યાં સર્જાય છે જ્યારે બે વિદ્રોહી આંખો જોઈ જાય. વાર્તામાં એની પ્રોલક્સ ઉપયોગ કરે છે પવનનો. એક શર્ટ ટીંગાઈ રહ્યો છે, એ હવાના સામર્થ્યથી ફરફર ઊડે છે. અર્થ થાય છે કે હવે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે. કંઈક એવું થવાનું છે જે અત્યાર સુધી આ શહેરમાં નથી થયું. બ્રોકબેન માઉન્ટેન પરના પ્રકૃતિકર્મ કરતાં કાળા માથાના માનવીનો કર્મરૂપી ઝંઝાવાત ખમવો આકરો છે.⬛

અન્ય સમાચારો પણ છે...