સાયન્સ અફેર્સ:ન્યૂટને જગતને શું આપ્યું?

નિમિતા શેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદાર્થ ગુરુત્વાકર્ષણથી નીચે પડે છે- આવું તો કોઈપણ શોધી શક્યું હોત

1642માં ક્રિસમસના દિવસે માનવજાતને બહુ મોટી ગિફ્ટ મળી- ‘આઈઝેક ન્યૂટન’ના સ્વરૂપમાં. નવજાત શિશુ તરીકે ન્યૂટનની પરિસ્થિતિ ગંભીર હતી અને શરીર ખૂબ નબળું હતું. જો એ બાળક બચ્યું ન હોત, તો પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અન્ય કોઈ વૈજ્ઞાનિકે શોધી કાઢ્યો હોત. સફેદ રંગનો સૂર્યપ્રકાશ એ અન્ય રંગોનું મિશ્રણ છે, તે પણ આપણે ગમે તેમ કરીને જાણી લીધું હોત. ન્યૂટન ન હોત તો સારી જાતનાં ટેલિસ્કોપ બીજા કોઈએ બનાવી દીધાં હોત. જો ન્યૂટન ન હોત, તો સૃષ્ટિનાં રહસ્યોને કલનશાસ્ત્ર દ્વારા બીજું કોઈપણ ઉકેલી... ના, ના! એક મિનિટ, બીજી બધું બરાબર, પણ આ કામ બીજું કોઈ કરી શક્યું હોત? આ બાબતમાં શંકા છે. ગણિતની શાખા કલનશાસ્ત્ર શોધીને, તેના વડે ગુરુત્વાકર્ષણના બળની અસર હેઠળ અવકાશી પદાર્થોની ગતિ સમજાવવાનું કામ ન્યૂટન સિવાય કોણ કરી શકે? આનો જવાબ આપણી પાસે નથી. દુનિયા ન્યૂટનને મહાન વૈજ્ઞાનિક તરીકે ઓળખે છે, પણ વિજ્ઞાનથી ક્યાંય આગળ તો તે ગણિતમાં હતા, તે અમુક લોકો જ જાણે છે. છેલ્લાં 500 વરસમાં થયેલાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ન્યૂટનનું નામ બેધડક આપી શકાય, પણ આપણે તેમને ફક્ત ‘ગુરુત્વાકર્ષણ’ સાથે સાંકળીને અટકી ગયાં. ન્યૂટને કરેલી દરેક શોધ તેમના દ્વારા ન થઈ હોત તો અન્ય અલગ અલગ વૈજ્ઞાનિકોએ આટલાં વર્ષોમાં કરી જ હોત, પણ આ બધી શોધ ન્યૂટને એકલાએ કરી તેથી એ મહાન છે. ‘બાળ ન્યૂટન’ જન્મ સમયની કમજોરીને પાર કરીને જીવી ગયા, પણ તેમના પિતા તો તેમના જન્મના ત્રણ મહિના અગાઉ જ મૃત્યુ પામ્યા હતા. ત્રણ વરસના થયા ત્યારે તેમની માતા પણ બીજાં લગન કરીને, તેમને છોડીને ચાલી ગઈ. નાનીના ભરોસે તેમનું બાળપણ ગુજર્યું. પોતાની મા પ્રત્યે ભારોભાર નફરત સાથે યુવાન થયેલા ન્યૂટને ન કદી કોઈ મિત્ર બનાવ્યો, ન કોઈ પ્રેમિકા, ન પત્ની. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમને આર્થિક સહાય મળતી, જેના બદલામાં તે બીજા પૈસાદાર વિદ્યાર્થીઓના રૂમની સફાઈ જેવાં કામ કરતા. અમુક અટકળ એવી છે કે, ન્યૂટનને ‘ઓટિઝમ’ કે અન્ય કોઈ માનસિક બીમારી હતી. પણ એક વાત નક્કી છે કે, તેમનું જીવન ભયંકર એકલવાયું હતું. એકલતા તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ. 1665માં પ્લેગની બીમારી ફેલાતાં લોકડાઉન લાગ્યું અને કેમ્બ્રિજ યુનિવર્સિટી બંધ થઈ ગઈ. ન્યૂટનને સતત બે વરસ ઘરે એકલા રહેવું પડ્યું. (ન્યૂટનના કેસમાં ‘એકલા રહેવા મળ્યું’ કહી શકાય.) આ સમય દરમિયાન દરરોજ કલાકો સુધી ઓરડામાં બંધ રહીને તેમણે ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણ, કલનશાસ્ત્ર, ગ્રહોની ગતિ વિશેની સમજ, પ્રકાશના રંગ વિશેની સમજ (optics) વગેરે કેટલીય ગણિત-વિજ્ઞાનની શોધ કરી નાખી. એ વખતે જો મોબાઈલફોન કે ટીવી હોત તો, કદાચ આ શક્ય ન બન્યું હોત. ના ના... એક મિનિટ, કલનશાસ્ત્ર વગર મોબાઈલફોન અને ટીવી આવ્યાં જ કેવી રીતે હોત! લોકડાઉન ખૂલતાંની સાથે ન્યૂટને હાથમાં થિયરીઓ સાથે કેમ્બ્રિજના કેમ્પસમાં પગ મૂક્યો. ત્યાંના નિષ્ણાતો સમજી ગયા કે આ ફક્ત વૈજ્ઞાનિક થિયરીઓ નહીં, દુનિયાને બદલી નાખનારું સાહિત્ય છે, જેના કારણે ન્યૂટનને ફટાફટ બઢતી મળતી ગઈ અને બે વર્ષમાં તે પ્રોફેસર બની ગયા. પણ ન તો વિદ્યાર્થીઓને તેમના કંટાળાજનક લેક્ચરો સાંભળવામાં રસ હતો, ન ન્યૂટનને અબૂધ પ્રજાને સૃષ્ટિનાં રહસ્યો સમજાવવામાં રસ હતો. તે એક અભિમાની વ્યક્તિ તરીકે ઓળખાતા. તેમના સહકર્મી વૈજ્ઞાનિકો સાથે તેમની હરીફાઈ અંગત નફરત સુધી પહોંચી ગઈ હતી. ઓરડામાં પૂરાઈને એકાંતમાં જગતના ભેદને શોધ્યા કરવાની તેમની પ્રવૃત્તિ છેક સુધી ચાલુ રહી. (ક્રમશ:)⬛nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...