સમયના હસ્તાક્ષર:રસપ્રદ ચૂંટણીના પ્રચાર મુદ્દાઓ કેવા અને કેટલા કામ લાગશે?

વિષ્ણુ પંડ્યા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં પણ પ્રચારની સાથે આક્ષેપો, સ્તર વિનાના વિચારો અને બાકી બધી યુક્તિ-પ્રયુક્તિ જ કેન્દ્રમાં છે. તેમાંથી મતદારે પોતાનો નિર્ણય નક્કી કરવાનો બને છે

થોડાક જ દિવસો બાકી છે એટલે ઉમેદવારો અને પક્ષોના પ્રચારમાં વેગ આવ્યો છે. જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તે જોતાં એમ પણ લાગે કે ખાલી વેગ નથી, આ તો વાવાઝોડું છે. હજુ જે દિવસો બાકી છે તેમાં તેની ગતિ વધી જશે. જે નજરે ચડે છે તે પ્રચારનાં હથિયારો કેવાં છે? માર્ગ-મુલાકાત (રોડ શો), જનસભાઓ, નાની બેઠકો, સમાજ-સંમેલનો, દીવાલો પરનું ચિતરામણ, અખબારો અને મીડિયામાં ચૂકવેલી ખબર (પેઇડ ન્યૂઝ) અને દેખીતા સમાચારો, નિવેદનો, પત્રિકાઓ, મતદાર પત્રિકાનું વિતરણ, સ્થાનિક, પ્રદેશ અને દેશથી આવતા વક્તાઓનાં ભાષણો, ચૂંટણી ઢંઢેરાઓ... આ બધી દેખાતી પ્રચાર પદ્ધતિ છે પણ એટલા માત્રથી જીતી જવાય એવો કોને ભરોસો હોય? એટલે બીજા તરીકાઓ પણ અજમાવવામાં આવે છે. યુદ્ધ કરતાં પણ વધારે વ્યૂહરચના. દરેક રસ્તા મતદાર સુધી જઈને અટકે. જુદા જુદા સમાજોના મોવડીઓ ઘૂમી વળે છે. સરપંચોની કામગીરી વધી જાય છે. કેવી અને કેટલી જાતિ-ઉપજાતિ છે તેની ગણતરી વસ્તી ગણતરી કરતાં પણ વધુ ઊંડાણથી થવા માંડે. નાત, જાત, કોમ, સંપ્રદાય, કોની કેટલી વસ્તી, કોણ તેનો મોભી, કોની કેવી અસર... આ બધું જો કોઈ સંશોધક પાસે આવી જાય તો ગુજરાતને સમજવાનો એક મોટો દસ્તાવેજ બની રહે. ત્રીજો રસ્તો ભૂગર્ભ જેવો હોય, તેમાં ‘કોઈ પણ રીતે મતદારને રીઝવવા’ની વ્યાપક ટેક્નિક હોય છે. ‘જીતે એવો ઉમેદવાર’ અને ‘રીઝવી શકાય તેવો મતદાર’ એવી જુગલબંધી દરેક ચૂંટણીમાં રહેવાની. નીતિવાદીઓને ફિકર એ રહે છે કે પ્રજાકીય પ્રતિનિધિત્વ મેળવવામાં અનૈતિકતાનો છોછ રહેતો નથી, રાખવામાં આવતો નથી. પક્ષનો પ્રભાવ, ઉમેદવારનું પોત, કાર્યકર્તાની કામ કરવા માટેની ભાગીદારી અને તમામ રસ્તેથી પાર-પસાર થતી પ્રવૃત્તિઓ… આ આપણી સંસદીય લોકશાહીનો નકશો છે. પણ સાવ એટલું જ નથી. ધીરે ધીરે મતદાર પણ ‘જાગૃત’ થતો જાય છે, સાચા-ખોટાની પરખ કરે, રાજકીય અને પોતાની આસપાસ જે જરૂરી છે તેની ગણતરી માંડે, ઉમેદવાર અને પક્ષને પારખે એટલું કરવા માંડ્યો છે. ઉદાહરણ તરીકે આમ આદમી પક્ષનું રેવડી બજાર મતદારોમાં કેટલું અસર કરશે, તે સફળ થાય કે નિષ્ફળ તેના પર પ્રત્યક્ષ અને પરોક્ષ નજર છે. એક વર્ગ કહે છે કે આ તો દલા તરવાડીની વાર્તા જેવું છે. ચોર આવીને પૂછે કે કેટલાં રીંગણાં લઉં? જવાબ એવો જ નફીકરો છે: ‘શા માટે ત્રણ-ચાર, લેને દસ બાર!’ રાજ્યના વિકાસનું અર્થકારણ તો સબસિડીની પણ ના કહેતું હોય ત્યારે મફત આપવું પણ છે, તો સરકારી તિજોરીનું તળિયાઝાટક કરવાનું કામ, પણ કરનારા માનતા હશે કે કિસી કા બેલ, કિસી કી ગાડી ઔર બંદે કી ડચકારી... અન્નાસાહેબના ઉપવાસનો આદર્શ આ નહોતો, પણ આંદોલન દ્વારા સત્તા મેળવી શકાય તે જાણતા નેતાઓ તેમાંથી બહાર નીકળ્યા અને કેજરીવાલ તેમાં સૌથી ચતુર નીકળ્યા. પરિસ્થિતિએ તેને દિલ્હી પછી પંજાબમાં અણધારી સફળતા અપાવી એટલે હવે ગુજરાતનું મેદાન પસંદ કર્યું. ગુજરાતી ચૂંટણીના મુખ્ય મુદ્દામાં ભ્રષ્ટાચાર છે, વિકાસ છે અને વિશ્વાસ પણ છે. કોણ તેમાં આગળ આવે છે તેની ગણતરી કરવામાં આવી રહી છે. તેમાં ઉમેરાયેલો મુદ્દો ધારાસભ્યોના એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો મારવાની ઘટનાઓ છે. આ બીમારીની પાછળ પોતાના પક્ષમાં ‘ઉપેક્ષા’ મુખ્ય છે. તેમણે ખરીદવામાં આવી રહ્યા છે તેવો આરોપ છે. ટિકિટ મળે, ધારાસભ્ય બને અને પછી મંત્રી બને આટલી જફા છે, પણ રાજકારણમાં આ ધારાસભ્યો તેનાથી આગળ વિચારતા નથી. છેક 1967માં ગુજરાતી રાજકારણમાં પક્ષપલટાની શરૂઆત થઈ અને તેનાથી રાજકારણમાં સરકાર બનાવી શકાય તેની શક્યતાઓ વધી ગઈ. પક્ષપલટાના વ્યાકરણના પણ બે ભાગ છે. એક ધારાસભ્યો અને સાંસદો, જેમને સત્તાનું આકર્ષણ છે, બીજી છાવણી એવા નેતાઓ, જેને સત્તા ભોગવવાનો લાભ મળ્યો નથી, પણ કંઈક તો મળશે એવી આશા સાથે તે પક્ષ બદલે છે. અગાઉ પ્રજા સમાજવાદી પક્ષ અને સામ્યવાદીઓ વિચારધારાના નામે પક્ષાંતર કરતા હતા. તેમાં વિચારધારા નડતી નથી, કેમ કે આ સમાન હેતુ ધરાવતા પક્ષો, તેને ‘કોમવાદી પક્ષની સામે લડવું’ અને ‘સમાજવાદ તરફ જવું’ એ બે વિચારધારામાં સમાનતા દેખાય એટલે કોઈ વાંધો શાનો આવે? દુનિયાભરમાં મૂડીવાદ, સામ્યવાદ, એકાધિકારવાદ, આ બડી વિચારધારા હવે સંપૂર્ણ રહી નથી. ડાબેરી અને જમણેરી એવું વિભાજન મુશ્કેલ છે, પણ પ્રચલિત રાજકારણની શબ્દાવલીઓ હાજર છે! ‘છેવાડાના માણસની સમસ્યા’, ‘દલિત-પીડિત-વંચિત વર્ગનું કલ્યાણ’ તે ચિત્કાર તો હોવાના જ. મોદીએ તે કેનવાસ પર ‘સબકા સાથ…’વાળું સૂત્ર પ્રસ્તુત કર્યું તેમાં દૃઢતા છે અને ‘બહુજન’ નહીં, પણ સર્વજનના વિકાસ-વિશ્વાસની વાત મૂકી દીધી. સૂત્રો તો હજુ આવશે, ઉમેરાશે અને ગાજશે. છેવટે મુદ્દાઓ ક્યાં હોય અને કેવા હોવા જોઈએ? આ મહત્ત્વનો સવાલ છે. રોટી, કપડાં, મકાન તેની પ્રાથમિક જરૂરિયાત છે. ભારત જેવા લોકશાહી રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પણ રહેવાના અને રહેવા જોઈએ. કાશ્મીર, અલગાવ, સમાન નાગરિક સંહિતા, આંતર યોજનાઓ, પાડોશી દેશોની હરકતો સામે મજબૂત સુરક્ષા, જુદા જુદા સ્તરે વકરેલો અલગાવવાદ, આરોગ્ય અને શિક્ષણ, ઉદ્યોગ અને ખેતી, આ મોટા પ્રશ્નો છે અને જો સંસદીય લોકતંત્રમાં સફળ થવું હોય તો દરેક પક્ષે ગંભીરતાપૂર્વક સજ્જ થવું જોઈએ. કમનસીબે વિરોધ પક્ષો ‘વિરોધ’ને જ સર્વસ્વ માની બેઠા છે. ગુજરાતમાં પણ પ્રચારની સાથે આક્ષેપો, સ્તર વિનાના વિચારો અને બાકી બધી યુક્તિ-પ્રયુક્તિ જ કેન્દ્રમાં છે. તેમાંથી મતદારે પોતાનો નિર્ણય નક્કી કરવાનો બને છે.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...