તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:યુરોપિયન દેશોને આપણે ડરાવી દીધાં, ખરેખર?

વર્ષા પાઠક21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય વેક્સિનને નામંજૂર કરનારા દેશોનું રાતોરાત હૃદયપરિવર્તન થઇ ગયું?

શહેરની એક હાઉસિંગ સોસાયટીએ કહ્યું કે મેઈન રોડ પર જવાના શોર્ટ કટ તરીકે પાછળનાં બીજાં બિલ્ડિંગ્સવાળા એમના કમ્પાઉન્ડનો ઉપયોગ કરે છે. પરિણામે સોસાયટીની અંદર ગમે તેવાં લોકોની હરફર સતત ચાલુ રહે છે અને અંદર રહેનારાંની સિક્યુરિટી જોખમાય છે, એટલે આઉટસાઇડર્સ માટે આ શોર્ટ કટ બંધ. વર્ષોથી શોર્ટ કટનો લાભ લેનારાં પડોશી અકળાયાં. એમાંથી ઘણાંને ત્યાં દૂરથી પગપાળી આવતી કામવાળી બાઈઓ પણ આ રસ્તાનો ઉપયોગ કરતી હતી, એમણે કકળાટ માંડ્યો, પણ જેમની પાસે શોર્ટ કટની માલિકી હતી એ ટસના મસ થવા તૈયાર નહીં. છેવટે સામેવાળા એક મકાને એવો નિયમ બહાર પાડ્યો કે એમના કમ્પાઉન્ડમાં એક વડનું ઝાડ છે, એમાં ‘પેલી’ સોસાયટીવાળાની સ્ત્રીઓ વારતહેવારે પૂજા કરવા નહીં આવી શકે. નસીબજોગે આગામી પંદરેક દિવસમાં જ વટસાવિત્રીનું પર્વ આવતું હતું. વર્ષોથી આસપાસનાં મકાનોમાં રહેતી સ્ત્રીઓ માટે વટવૃક્ષને દોરા બાંધવા માટે આ એક જ સ્થળ હતું. એટલું જ નહીં, એમને ત્યાં મોટું કમ્પાઉન્ડ હતું, જેમાં ત્યાં રહેતા છોકરાઓના દોસ્તો પણ બહારથી ક્રિકેટ રમવા આવતા હતા. એમને માટે પણ નો એન્ટ્રી થઇ ગઈ. વૉટ્સઍપ ગ્રૂપ પર જોશભેર ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોની સામે એક થઈને લડવાની હાકલ કરતા ભારતીય પડોશીઓ અંદરોઅંદર લડી પડ્યાં. એકમેકને કહી દીધું કે અમારા ફળિયામાં પગ નહીં મેલવાનો. પુરુષો લડાયક મૂડમાં હતા, પણ વટસાવિત્રીની રાહ જોઈ રહેલી સ્ત્રીઓ અને જેમનું રમવાનું બંધ થઇ ગયેલું એ છોકરાઓએ કચકચ ચાલુ કરી દીધી. છેવટે શોર્ટ કટના માલિકોએ નિયમ હળવા કરવા પડ્યા, પણ નાક ઊંચું રાખવા માટે કહ્યું કે તમારે ત્યાં આવતા સુથાર, પ્લમ્બર જેવા સાવ બહારનાં લોકો માટે આ શોર્ટ કટ બંધ રહેશે. બધાં માની ગયાં. એકતા સ્થાપીને બધાં ચાઈનીઝ માલનો બહિષ્કાર કરવાની વાત કરવા લાગ્યાં. દુનિયાના દેશો પણ આવી ટીટ ફોર ટેટ ગેમ્સ રમતા રહે છે. તમે અમારા ગુનેગારોને પાછા નહીં સોંપો, તો અમે પણ તમારા અપરાધીઓને આશરો આપશું; તમે અમને એરસ્પેસ નહીં આપો તો અમે પણ તમારાં પ્લેન્સને અમારા આકાશમાંથી ઊડવા નહીં દઈએ; તમે કંઈ વાંકું પાડીને અમારા રાજદૂતને કાઢી મૂક્યા તો અમે બીજા જ દિવસે તમારા રાજદૂતને સપરિવાર ઉચાળા ભરાવશું. ભારતવાસીઓને યુએસ, યુકે સહિતના પશ્ચિમી દેશોમાં જવા માટે ઝટ દઈને વિઝા નથી મળતાં એવી ફરિયાદ સામાન્ય છે, પણ સામે ત્યાંનાં લોકોને પણ ઇન્ડિયાના ટૂરિસ્ટ વિઝા મેળવતા નાકે દમ આવે છે, એ હકીકત છે. ઇન્ટરનેશનલ લેવલે ‘તું મેરે કો જાનતા નહીં’વાળી તકરારો, રાષ્ટ્રીય સુરક્ષા અને નિયમોના નામે ચાલતી રહે. પછી કોઈ વાર લાગે કે આમાં તો બંને પક્ષે નુકસાન છે, એટલે પાછા સ્વાર્થના માર્યાં પરાણે સંપી જવું પડે. દુનિયાના દેશો વચ્ચે પણ એવું ચાલતું રહે છે. હમણાં યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ આપણી કોરોના પ્રતિરોધક રસી, કોવિશિલ્ડને સત્તાવાર માન્યતા આપવાનો નનૈયો ભણી દીધો. એનો મતલબ થાય કે આ વેક્સિન લેનારા ઇન્ડિયન નાગરિકને ત્યાં જવાનું અઘરું થઇ પડે, અને વિઝા મળે તોયે ત્યાંના નિયમાનુસાર પહેલાં તો ક્વોરેન્ટાઇનમાં દિવસો કાઢવા પડે. અને આ ભલામણ યુરોપિયન મેડિસિન્સ એજન્સી દ્વારા થયેલી. એમના કહેવાનુસાર કોવિશિલ્ડની અસરકારકતા પર હજી શંકા છે અને એ લેનાર વ્યક્તિ બહાર જાય તો બીજાને પણ ચેપ લગાડી શકે. આપણે ત્યાં બહુમતીએ કોવિશિલ્ડ લીધી છે, પરંતુ વિવાદ વકરે એ પહેલાં ભારત સરકારે પેલા લોકોને કહ્યું કહ્યું કે અમે પણ તમારી સાથે એવું કરશું. તાબડતોબ ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, ગ્રીસ, સ્લોવેનિયા, આયર્લેન્ડ, એસ્ટોનિયા, આઇસલેન્ડવાળાએ વિચાર ફેરવી નાખ્યો. એમાં સ્વિટ્ઝર્લેન્ડ અને આઇસલેન્ડ આમેય યુરોપિયન યુનિયનના મેમ્બર નથી. જેમ બધાંય દેવોને કરેલાં નમસ્કાર કેશવ ભણી જતાં હોવાનું કહેવાય છે, એમ આ કથિત રાજદ્વારી વિજયનો યશ પણ એક વ્યક્તિને જઇ રહ્યો છે. ઠીક છે, પણ વાસ્તવિકતા એ છે કે ખેલ આખરે સ્વાર્થનો, પૈસાનો છે. સરકારી નિયમો ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર અસર કરે એ કોઈને ન પરવડે. ધીમે-ધીમે અનેક દેશોની સરહદો ખુલી રહી છે, ઇન્ટરનેશનલ એરટ્રાવેલ પરનાં નિયંત્રણો હટી જશે, પૈસેટકે સુખી ભારતીયો ફોરેન વેકેશન માટે તલસી રહ્યાં છે, ત્યારે કેટલા દેશોને અક્કડ રહેવાનું પરવડે? પંદર દિવસ માટે વિદેશ ફરવા જતા ફેમિલીને જ્યાં પહેલાં આઠ દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું કહેવાય ત્યાં કોણ જાય? અસર આપણાં ટૂરિઝમ પર પણ પડે, તેમ છતાં ગ્રીસ કે સ્વિટ્ઝર્લેન્ડ જેટલી નહીં. એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસ પણ જોખમાય. આમાં તો બધાંનું બગડશે, એવું માનીને આપણી પેલી હાઉસિંગ સોસાયટીઓની જેમ ઘણા દેશોએ સુલેહ કરી લીધી. ભલે ને એને આંતરરાષ્ટ્રીય સમજદારી કે માનવતાનું નામ આપે. રશિયાએ વેક્સિન ટૂરિઝમ ચાલુ કર્યું, ‘અમારે ત્યાં આવીને વેક્સિન લ્યો, વેકેશન માણો’ તો હજારો ભારતવાસીઓએ આપણી ટ્રાવેલ એજન્સીઓ પર ભીડ જમાવી દીધી. ઓસ્ટ્રિયાના પેટમાં દુઃખે કે નહીં? અલબત્ત, રશિયામાં હમણાં કોવિડ કેસીસ વધી રહ્યા છે, એ અલગ વાત છે.⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...