ડૉક્ટરની ડાયરી:અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે, હતી ક્યાં ખબર કે મરણ આવશે

ડૉ. શરદ ઠાકર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારણું ખૂલ્યું. પ્રગટ થયેલા અર્ધનગ્ન પહાડને જોઇને પ્રિયા પૂરપાટ વેગે પલાયન કરી ગઇ, હોસ્ટેલમાંથી પણ અને મયંકની જિંદગીમાંથી પણ...

કે.ટી. રાઠૌર ફાઇનલ એમ. બી. બી. એસ.માં ત્રીજા પ્રયત્ને પણ નાપાસ થયા. મેરિટ ઉપર એડમિશન મેળવીને મેડિકલ કોલેજમાં આવનાર વિદ્યાર્થી અચાનક નાપાસ થવા લાગે તો બહારનાં લોકોને માટે એ વાત આશ્ચર્યજનક હોઇ શકે, પણ અમારા માટે આ વાત નવી નથી. કેટલાક વિદ્યાર્થીઓ તેજસ્વી હોવા છતાં મેડિકલ શાખામાં પ્રવેશ મેળવી લીધા પછી પોતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું થવાનું જ છે એવું માની લઇને અભ્યાસમાં બેદરકાર બની જાય છે; પરિણામે હોશિયાર હોવા છતાં નપાસ થાય છે. રાઠૌરનું પણ એવું જ થયું હતું. રાઠૌર હરિયાણા બાજુનો યુવાન હતો. એનાં માતા-પિતા વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયાં હતાં. કે. ટી.નો જન્મ ગુજરાતમાં થયો હતો. એનો શારીરિક બાંધો આર્મીના જવાનને શોભે તેવો હતો પણ ભણવામાં હોશિયાર હોવાથી આ લાઇનમાં આવી ચડ્યો હતો. એની એક ખરાબ આદત હતી. એ બીજા વિદ્યાર્થીઓની જોડે હળતોભળતો ન હતો. રોજના ત્રણ-ચાર કલાક જીમમાં જઇને કસરત કરવી, પછી મેસમાં જઇને પેટ દબાવીને ભોજન કરવું અને પછી ઘસઘસાટ ઊંઘી જવું. ભૂલથી પણ જો કોઇ મેડિકલ સ્ટુડન્ટ, પટ્ટાવાળો, ટપાલી કે સફાઇ કર્મચારી આવી ચડે અને એના રૂમનું બારણું ખખડાવે એ સાથે જ કે. ટી.ની ખોપડીમાં પ્રચંડ અણુ વિસ્ફોટ સર્જાય. બારણું ખખડાવનારના કાનમાં સૌથી પહેલા કે. ટી.ના મોંમાંથી નીકળેલી ભૂંડી ગાળ સંભળાય, પછી બારણું ખૂલે અને પછી રૌદ્ર રૂપ ધારણ કરેલો કે. ટી. દેખાય. જેને એક વાર આવો અનુભવ થઇ ગયો હોય એ બીજી વાર કે. ટી.ના રૂમની દિશામાં નજર નાખવાનું ભૂલી જાય. ત્રાંબડિયાને આ વાતની ખબર નહીં. એક દિવસ બપોરના સમયે પોતાના રૂમમાંથી નીકળીને એ આદમની કેન્ટીન તરફ જઇ રહ્યો હતો ત્યારે એને વિચાર આવ્યો, ‘એકલા એકલા ચા પીવામાં શું મજા આવે? એક કરતાં બે ભલા. બીજું કોઇ તો દેખાતું નથી. બધાનાં બારણાં પર તાળાં મારેલાં છે. કદાચ બધા મિત્રો લાઇબ્રેરીમાં વાંચવા ગયા હશે. આ એક રૂમ તાળા વગરનો દેખાય છે. અંદર કોણ રહે છે એ હું નથી જાણતો પણ જે હશે એ મેડિકલ સ્ટુડન્ટ જ હશે ને? લાવ એને ચા પીવાનું આમંત્રણ આપું. સંગાથ પણ રહેશે અને નવી દોસ્તી પણ બંધાશે.’ આવું વિચારીને ત્રાંબડિયાએ કે. ટી.ની રૂમના બારણા પર બે મોટા ટકોરા માર્યા. અંદરથી બુલેટની જેમ છૂટેલી ગાળ બારણું વીંધીને બહાર આવી. ત્રાંબડિયા આવી ગાળ સાંભળવા માટે ટેવાયેલો ન હતો. એટલામાં તો બારણું ખૂલ્યું અને કે. ટી. પ્રગટ થયો. ગુસ્સાથી તમતમી ગયેલો ચહેરો, લાલઘૂમ આંખો અને અર્ધઅનાવૃત્ત દેહ. કે. ટી.એ ઘાંટો પાડ્યો, ‘કેમ મને ડિસ્ટર્બ કર્યો?’ ત્રાંબડિયા દલીલ કરવા ગયો, ‘પાર્ટનર, મેં તો તમને ચા પીવા માટે...’ એનું વાક્ય અધૂરું રહી ગયું. કે. ટી.નો હથોડા જેવો હાથ વિંઝાયો અને વાવાઝોડામાં ઊખડી ગયેલાં ઝાડની જેમ ત્રાંબડિયા ધરાશાયી થઇ ગયો. જમીનદોસ્ત હાલતમાં ત્રાંબડિયાના કાનમાં શબ્દો પ્રવેશ્યા, ‘ચા પીવા માટે માણસને ગાઢ નીંદરમાંથી જગાડવાનો?’ ક્યારેક ક્ષોભજનક સ્થિતિ પણ સર્જાઇ જતી હતી. એક દિવસ કે. ટી.ની બરાબર સામેની રૂમમાં રહેતા મયંકની ગર્લફ્રેન્ડ આવી હતી. નવો નવો જ પ્રેમ હતો અને નવી નવી પ્રેમિકા. મયંકે સાડા પાંચ વાગે બોલાવી હતી. સાંજના છથી નવના શોમાં ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. ગર્લફ્રેન્ડ પ્રિયા થોડીક વહેલી આવી ગઇ. મયંક હજુ લાઇબ્રેરીમાં જ હતો. ત્યારે મોબાઇલ ફોન ક્યાં હતા? બોય્ઝ હોસ્ટેલમાં એકલી અટૂલી છોકરી ગભરાઇ ગઇ. મયંક ભૂલી ગયો હશે? એની તબિયત તો સારી હશે ને? એ અત્યારે ક્યાં હશે? ક્યારે આવશે? ત્યાં સુધી મારે શું કરવું? આવા બધા સવાલો પ્રિયાનાં મનમાં એકસામટા ફૂટી નીકળ્યા. જવાબ મેળવવા માટે તેણે સામેના રૂમનું બારણું ખટખટાવ્યું. સાથે જ અંદરથી ખૂબ ગંદી ગાળ સાંભળવા મળી. પછી બારણું ખૂલ્યું. પ્રગટ થયેલા અર્ધનગ્ન પહાડને જોઇને પ્રિયા પૂરપાટ વેગે પલાયન કરી ગઇ, હોસ્ટેલમાંથી પણ અને મયંકની જિંદગીમાંથી પણ. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ વિશે પ્રિયાના મનમાં એવો પૂર્વગ્રહ બંધાઇ ગયો કે એણે મયંકને પણ એવો જ ધારી લીધો. નાનકડું વેકેશન માણીને કેટલાક વિદ્યાર્થી મિત્રો જામનગર આવી રહ્યા હતા. બસમાંથી નીચે ઊતરીને રિક્ષા શોધી રહ્યા હતાં ત્યાં એક હટ્ટાકટ્ટા મૂછ્છડ આદમીએ એમને પૂછ્યું, ‘ઓયે છોરે, તુમ લોગ કિધર જા રહે હો? મુઝે મેડિકલ હોસ્ટેલ જાના હૈ. રસ્તા દિખાઓગે?’ ગુજરાતીઓ પરગજુ હોય છે. એમણે કહ્યું, ‘હમ વહી પે જા રહે હૈ. આ જાઓ હમારે સાથ.' બે રિક્ષામાં બધા ગોઠવાઈ ગયા. રસ્તામાં વાત નીકળી. એક વિદ્યાર્થીએ પૂછ્યું, ‘મેડિકલ હોસ્ટેલ મેં કિસ કો મિલના હૈ?’ જવાબ મળ્યો, ‘મેરા ભતીજા મેડિકલ કોલેજ મે પઢતા હૈ. મૈંને તીન સાલ સે ભતીજે કા મુંઁહ દેખા નહીં હૈ. ઉસકી બહોત યાદ આયી તો મૈં ચલા આયા. તુમ લોગ ઉસે જાનતે હોંગે. કાંતિ રાઠૌર નામ હૈ ઉસકા...’ બધા સમજી ગયા. આ મૂછ્છડ પહેલવાન તો કે. ટી. રાઠૌરના ચાચાજી નીકળ્યા. ચાચાજીએ વાતવાતમાં ચિંતા વ્યકત કરી. એમણે હોશિયાર ભત્રીજાના નાપાસ થવા માટેનાં કારણો વિશે પૂછપરછ કરી. એક ચબરાક વિદ્યાર્થીએ મોઘમ ઉત્તર આપ્યો, ‘આપ વજહ જાનના ચાહતે હૈ ના? એક કામ કીજિયેગા. હમ આપ કે કે. ટી. કે કમરે કે બાહર છોડ દેંગે. ફિર હમ ચલે જાયેંગે. આપ બિના કુછ બોલે ઉસકે કમરે કા દ્વાર જોર સે ખટખટાના.’ ‘ઉસસે ક્યા હોગા?’ ચાચાજીએ પૂછ્યું. ‘ઉસસે બહોત કુછ હોગા. અગર આપ સમજદાર હૈ તો સબ સમજ જાઓગે.’ રિક્ષાઓ મેડિકલ કેમ્પસમાં જઈને ઊભી રહી. ભાડું ચૂકવીને વિદ્યાર્થીઓ નીચે ઊતર્યા. આગળ આગળ વિદ્યાર્થીઓ અને પાછળ પાછળ હરિયાણવી ચાચાજી. કે. ટી.ના રૂમ પાસે જઈને રાવણું ઊભું રહ્યું. સાંજના પાંચેક વાગ્યા હતા. રૂમ તરફ આંગળી ચીંધીને છોકરાઓ અદૃશ્ય થઈ ગયા. ચાચા ચૌધરીએ ઢાઈ કિલોનો હાથ બારણાં પર રમરમાવ્યો. આજુબાજુના બે રૂમોનાં બારણાં પણ ચીસ પાડી ઊઠ્યાં. ચાચાજી એવી અપેક્ષા સાથે ઊભા રહ્યા કે હમણાં ભત્રીજો બારણું ઉઘાડશે અને ચરણસ્પર્શ કરીને બોલશે, ‘પૈરી પૌના તાઉજી.’ ત્યાં તો એમના પ્રચંડ આઘાત વચ્ચે રૂમની અંદરથી ગંદી ગાળની મિસાઈલ બહારની દિશામાં ફેંકાઈ. ચાચાજીના બંને હાથની મુઠ્ઠીઓ ઊઘડી ગઈ. ચહેરો તંગ થઈ ગયો. ગળામાંથી વાઘ જેવી ઘુરકાટી નીકળી. ત્યાં જ બારણું ખૂલ્યું. ચાચાજીની સામે એની જ મીની આવૃત્તિ જેવો ભત્રીજો ઊભો હતો. ગુસ્સામાં તો એ પણ હતો. ચાચાજીને જોઇને એ ઠંડોગાર થઈ ગયો. ચાચાજીએ રમકડાંની જેમ એને ઊંચકીને કોરિડોરમાં પછાડ્યો. પટકી પટકીને માર્યો. વચ્ચે વચ્ચે બોલવાનું પણ ચાલુ હતું. ‘અબ સમજ મેં આયા. બદમાશ, તું યહાં પઢાઈ કરને આયા હૈ કિ સારા દિન સોને કે લિયે? યે ગાલિયા કહાં સે શીખી તુને?’ ⬛ શીર્ષક પંક્તિ : આદિલ મન્સૂરીdrsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...