ઓફબીટ:આપણે મોતને જીતવું છે!

અંકિત ત્રિવેદી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુનાં ઠેકાણાં ઠેક ઠેકાણે છે પણ જીવવાનું સરનામું તો આપણી ભીતરમાં જ શ્વસે છે

જેટલું આપણે મૃત્યુનું ધ્યાન રાખીએ છીએ એટલું જીવનમાં ધ્યાન નથી રાખતાં! રજનીશજી કહેતા કે સોમાંથી નવ્વાણું માણસોને મૃત્યુના સમયે જ ખબર પડે છે કે એ જીવતા હતા! જીવનમાંથી રસ ઓછો થતો જાય એ મૃત્યુના આગમનની નિશાની છે. મૃત્યુને જીવતાં ને જીતતાં આવડવું જોઈએ. આપણી ગુજરાતી ગઝલના ખૂબ જાણીતા શાયર ‘ગાફિલ’ જે ‘સરોદ’ને નામે ભજનો પણ લખતા હતા એ સ્ટેજ પર ચાલુ કવિ-સંમેલને અનંતની યાત્રાએ નીકળ્યા! એવા કેટલાય ચિરપરિચિતો છે જે એમના કર્મ સાથે અનંતની યાત્રાએ નીકળ્યાં હોય! બેફામ સાહેબ તો સાવ જુદી જ રીતે મૃત્યુને મક્તામાં ઢાળીને રજૂ કરે છે- ‘આ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને!’ મૃત્યુ સમયે આપણી સ્થિતપ્રજ્ઞતા જરૂરી છે. આપણને ખબર હોય કે મૃત્યુ નજીકમાં છે ત્યારે આપણી અવિચળ સ્થિરતા જરૂરી છે. બીક આપણને મૃત્યુની નથી લાગતી! બીક એકલા જવાની લાગે છે! એમ થાય છે કે આ બધા મારા પરિચિતો પૃથ્વી ઉપર જલસા કરશે અને હું નહીં હોઉં! એની ક્યાં ખબર છે કે આ દુનિયા જે આંખો મિંચાઈ જવાની સાથે જ મિંચાઈ જવાની છે એ પછી મિંચાયેલી આંખે એક નવી દુનિયા શરૂ થવાની છે! અસ્તિત્વએ કેટલાં બધાં અરમાનો સાથે આપણને મોકલ્યાં છે. જીવનને એની પૂર્ણતા સાથે સ્વીકારવું જોઈએ. આયનામાં દેખતા બિંબને આપણે પોતાનું શરીર માનીએ છીએ. જીવન અને આપણે જાણે એકબીજાથી છૂટા પડીને જીવીએ છીએ. કોરી સ્લેટ જેવો સામે ઊભેલો સમય આપણે જ લીટાઓ કરીને બગાડી નાંખીએ છીએ. ઈચ્છાઓ બીજા પાસે પ્રગટાવીએ છીએ અને નથી ફળતી એટલે નિરાશ થઈએ છીએ. ઈચ્છા પ્રામાણિક હોય અને નિસ્બત સાથે સમાજને સાંકળતી હોય તો ફળે જ છે. એના મૂળમાં મનોરથ છે. સ્વાર્થી મનોરથ ક્યારેય સૂક્ષ્મ રીતે પૂર્ણ થતાં નથી. મૃત્યુને જીતવું છે તો જીવનને સારી રીતે જીવવું પણ પડે! પ્રહલાદ પારેખના કાવ્યની પંક્તિ છે... ‘આપણે મૃત્યુને જીતવું છે!’ અહીંયા ‘આપણે’માં કવિ પોતે પણ આપણામાં ભળી જઈને પોતાનાપણાને સંમિલિત કરે છે. મૃત્યુને જીતવું છે એવું જ્યારે ઈચ્છીએ છીએ ત્યારે જીવનને હારી જવાનું નથી! જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ ઉમેરવાનો છે. દુઃખી થવાય ત્યારે બીજાનાં દુઃખ જોડે સરખામણી કરવી. આપોઆપ જ સુખી થઈ જવાશે! સુખી હોઈએ ત્યારે બીજાનાં સુખ જોડે સરખામણી કરવા જેવી નથી! એમાં વધારે દુઃખી થવાશે! સરખામણી ક્યાં અને કોની જોડે તેમજ સપ્રમાણ થવી જોઈએ. એનાથી ભીતરનો નિષ્કર્મ ઊપજે છે. મૃત્યુનાં ઠેકાણાં ઠેક ઠેકાણે છે પણ જીવવાનું સરનામું તો આપણી ભીતરમાં જ શ્વસે છે. મૃત્યુની રાહ જોતા માણસને લાંબું આયુષ્ય મળે છે. મૃત્યુની બીક રાખતા માણસને જીવન ઉપર ગુસ્સો આવ્યા કરે છે. જીવવાની સહજતા ગુમાવી બેસવા જેવી કરુણતા બીજી એક પણ નથી. જેને જીવનને જીવવું છે એને મૃત્યુને જીવતાં વાર નથી લાગતી! ઑન ધ બીટ્સ ન ફૂલોને કદી જુએ ન ફૂલોની દશા જાણે, ઘણા એવાય કાંટા હોય છે જેને બધા જાણે. -‘અગન’ રાજ્યગુરુ ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...