આંતરમનના આટાપાટા:‘અમે આપના છીએ અને આપ અમારા છો’

ડૉ. જય નારાયણ વ્યાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાનું ધ્યાન રાખીને તેમના માટે સવલતો ઊભી કરનાર રાજવીને પ્રજા આજે પણ યાદ કરે છે

મોરબી પુલ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું. મોરબીના રાજપરિવારે પણ કહ્યું કે અમારી પાસે દુ:ખ વ્યક્ત કરવા શબ્દો નથી. દુર્ઘટનાગ્રસ્ત દરેકને લાખ-લાખ રૂપિયા આપવામાં આવશે. વધુ જરૂર હશે તો એ પણ આપીશું. અમે આપના છીએ અને તમે અમારા છો. રાજપરિવાર વતી દુર્ઘટનાગ્રસ્ત સહુને શાંતિ મળે તેવી અમારી પ્રાર્થના છે. મોરબી પુલનો આ ગોઝારો બનાવ વરસો સુધી યાદ રહેશે, પણ તેની સાથે જોડાયેલ આવા સંવેદનશીલ બનાવો તો સમયની ગર્તામાં વિલીન થઈ જશે. ઉપરોક્ત કિસ્સામાં મોરબીના રાજપરિવારની જેમ જ વડોદરાના શ્રીમંત સયાજીરાવ, ગોંડલના ભગવતસિંહજી, જામસાહેબ, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી પણ કુશળ, સંવેદનશીલ અને પ્રજાવત્સલ શાસકો હતા. દુષ્કાળ કે અન્ય આફતોમાં તેઓ પ્રજાનાં આંસુ લૂછવાનું કામ કરતા હતા અને એટલા માટે જ તેઓ અત્યંત લોકપ્રિય હતા. પોતાનું રાજપાટ સરકારને સોંપી દીધા પછી પણ આટલા વરસે ‘અમે આપના છીએ અને આપ અમારા છો’ એમ કહેનાર અને એ પ્રમાણે વરતનાર રાજવી કુટુંબ પ્રજામાં એમની સંવેદનશીલતા માટે કાયમી આદર પામે છે. મારા બાપા પાસેથી સાંભળેલ એક વાત યાદ આવે છે. બ્રિટિશ શાસન જ્યારે ચરમસીમાએ હતું તે સમયે પણ કેટલાંક દેશી રાજ્યો પોતાના સુવહીવટ અને એના રાજવીની સૂઝ તથા દીર્ઘદૃષ્ટિને કારણે ખૂબ ઊંચી કીર્તિ અને શાખ ધરાવતાં હતાં. વડોદરા આમાંનું એક રાજ્ય. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જેમનું આદર્શ રાજ 60 વરસ કરતાં વધુ ચાલ્યું અને બ્રિટિશરોએ પણ એમના વહીવટ અને રાજ્ય વ્યવસ્થાને બિરદાવી. તેમના જીવનનો આ એક પ્રસંગ છે. એક સમયે રાજ્યમાં શું ચાલે છે એની જાતમાહિતી મેળવવા શ્રીમંત મહારાજા અને એમના મહેસૂલ સચિવ વેશપલટો કરીને નીકળ્યા હતા. ચારે બાજુ સરસ મજાનાં હરિયાળાં ખેતરોમાં પાક લહેરાતો હતો. એક ખેતરમાં એક બહેન ઘાસનો ભારો બાંધીને માથે મૂકવા માટે મથામણ કરતી હતી. ભારો થોડોક વધારે મોટો બંધાયો હશે એટલે પેલી બહેન જાતે ઊંચકીને એને પોતાના માથે નહોતી મૂકી શકતી. એણે આ બંને વટેમાર્ગુઓને જોયા. આમેય ગ્રામ્ય સંસ્કૃતિમાં એકબીજાને મદદ કરવાની ભાવના રહેલી હોય છે. કોઈપણ સંકોચ વગર આ બહેને આ મુસાફરોને વિનંતી કરી કે, ‘ભાઈ! મારો ભારો માથે મૂકવામાં થોડી મદદ કરોને!’ સયાજીરાવનું કસરતી શરીર, એમણે બે હાથે ભારો ઊંચકીને ક્ષણનાય વિલંબ વગર પેલી બહેનના માથે મૂકી દીધો. બહેન પોતાના રસ્તે પડી. વટેમાર્ગુઓ પોતાના રસ્તે પડ્યા. થોડે દૂર ગયા. મહારાજાએ જોયું કે એમના મહેસૂલ સચિવના ચહેરા પર સ્મિત હતું. મહારાજાને લાગ્યું કે, નક્કી આમાં કંઈક વાત છે કે જેના કારણે મારા કાબેલ મહેસૂલ સચિવના ચહેરા પર સ્મિત ઊપસી આવ્યું છે. મહારાજાએ આનું કારણ પૂછ્યું. મહેસૂલ સચિવે જવાબ આપ્યો, ‘શ્રીમંત આપ તો માલિક છો, રાજ્યના અન્નદાતા છો એટલે આપનું કામ પ્રજાના માથેથી ભાર ઉતારવાનું, એની મુશ્કેલીઓ દૂર કરવાનું, એના માટે એવાં કામો કરવાનાં કે જેનાથી પ્રજાના ચહેરા પર શાંતિનું સ્મિત આવે. આજે આપે આ બહેનના માથે ભાર ચઢાવ્યો, પ્રજાના માથે ભાર ચઢાવ્યો એ ઊલટી ગંગા જેવો બનાવ બન્યો માટે મને રમૂજ થઈ.’ સયાજીરાવને લાગ્યું કે વાતમાં દમ તો છે. તેમણે પેલી બહેન વિશે માહિતી મેળવી અને એને ત્રાંબાના પતરે જાગીર લખી આપી જેથી એને જીવનભર કોઈ મહેનત ન કરવી પડે. વાત આટલેથી અટકતી નથી. વહીવટી સુધારણા આવા નાના-નાના પ્રસંગોમાંથી બોધ લઈને થઈ શકે છે એનો દાખલો આ પ્રસંગમાં પડેલો છે. મહારાજાએ પછી પોતાના રાજ્યમાં સીમમાંથી ગામ તરફ આવતા રસ્તાઓમાં વચ્ચે વચ્ચે છ ફૂટ ઊંચા ચોતરા બનાવડાવ્યા. ઉત્તર ગુજરાતમાં એમને વિહામીયો અને સૌરાષ્ટ્રમાં થાકલો કહે છે. ખેતરમાંથી ચારાનો ભારો લઈને બહેન આવતી હોય તો એ વિહામીયા ઉપર પોતાનો ભારો મૂકી દે. નીચે બેસી થોડો આરામ કરે, પાણી પીવે અને વળી પાછો ભારો પોતાની મેળે, કોઈની પણ મદદ વગર, માથે મૂકી આગળ વધે. વાત તો નાની છે, પણ જ્યારે રાજ્યકર્તાની દૃષ્ટિ આટલી તીક્ષ્ણ હોય, પ્રજા માટેની લાગણી અને એની નાનામાં નાની મુશ્કેલી દૂર કરવા માટેની ખેવના હોય ત્યારે એમાંથી એક પ્રજાવત્સલ રાજવી જન્મે છે. પ્રજાનું ધ્યાન રાખીને તેમના માટે સવલતો ઊભી કરનાર રાજવીને પ્રજા આજે પણ યાદ કરે છે. આવા પ્રજાવત્સલ શાસક નાના બનાવમાંથી કઈ રીતે એક પ્રશ્નને હલ કરી શકે તેનો આ દાખલો આજની સરકારો લે તો લોકશાહી સાચા અર્થમાં મ્હોરી ઊઠે. મોરબીના બનાવમાં અત્યાર સુધી 135થી વધુ મૃતદેહ મળ્યા છે. હજુ પણ કેટલાક દુર્ઘટનાગ્રસ્તનો હવાલો મળતો નથી જે મૃતકોની યાદીમાં જ સ્થાન પામશે. જે ગંભીર છે તેમાંથી પણ આપણે ઈચ્છીએ કે બધાં જ સાજા થઈ જાય તોય હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી ન શકાય. આમ, રાજપરિવારે ખાસ્સો દોઢ કરોડ જેટલો બોજ પોતાને માથે લેવાની જાહેરાત કરી છે જે પ્રશંસનીય છે. ભગવતસિંહજી, કૃષ્ણકુમારસિંહજી, સયાજીરાવ, જામસાહેબ તેમજ મોરબી અને અન્ય રાજપરિવાર જેમણે પ્રજાને સંવેદનશીલ રહીને સારો વહીવટ આપ્યો છે તેમના માટે આઝાદીના આ 75મા વરસે પણ પ્રજાના દિલમાં આદર અને પ્રેમ જીવંત છે એનું કારણ એમની સાચા અર્થમાં પ્રજાવત્સલતા છે.⬛

અન્ય સમાચારો પણ છે...