ગ્રામોત્થાન:વાડીનું પાણી વાડીમાં અને વાડીનો કચરો પણ વાડીમાં

7 દિવસ પહેલાલેખક: માવજી બારૈયા
  • કૉપી લિંક
  • એક ધ્યેય સાથે આયોજનપૂર્વક, ધીરજ ધરીને, મક્કમ મનથી, પ્રકૃતિની સાથે ખુલ્લી આંખે ખેતી કરનારને ક્યારેય પસ્તાવાનો વારો કુદરત આપશે નહીં

કચ્છના ખેડૂતો જેનું નામ ખૂબ આદર સાથે લે છે એવા મધુભાઈ માંકડ જેમને ‘મધુકાકા’થી આખું કચ્છ ઓળખે છે. એ કાકાએ એક વાત સરસ રીતે સમજાવી હતી કે કચ્છમાં દુષ્કાળ પડે પણ નડે નહીં એવું કામ થશે અને એ કામ જ્યારે ખેડૂતો જ હાથમાં લેશે ત્યારે જ દુષ્કાળને દેશવટો આપી શકીશું. આજે આ દૂરંદર્શી કાકાના શબ્દો સાચા પડવા જઈ રહ્યા છે. વરસાદી પાણીને રોકવા માટે કચ્છના ખેડૂતોએ કમર કસી છે. પોતાના જૂના અને અવાવરુ કે પડતર કૂવાને જાતે જ રિચાર્જ કરી રહ્યા છે. ‘સીમનું પાણી સીમમાં, ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં’ એ જ કામગીરી કચ્છની કાયાપલટ કરશે. પાણી માટે સ્વનિર્ભર બની શકશે. કચ્છનું નીર વધારીને જ હીર જાળવી શકાશે. ‘આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય અને પારકી આશ સદા નિરાશ’ એ કહેવત સાચી પડી રહી છે. પોતાની સમજને કામે ન લગાડીએ ત્યાં સુધી પોતાના કામથી સંતોષ ન મળે.

માંડવી તાલુકાના સાંભરાઈ મોટી ગામના લલિતભાઈ રતનશીભાઈ ગોસર જેઓ મુંબઈ રહેતા હતા, પરંતુ તેઓ કોરોનાની મહામારી વખતે થોડો સમય અહીં વધારે રોકાણ કરેલ. પોતાની વાડી હતી પણ પૂરું ધ્યાન આપી ન શક્યા આથી બધું અસ્ત વ્યસ્ત હતું. પરંતુ કોરોના સમયે વાડીએ વધારે જતાં-આવતા આથી ધરતીમાતાએ લલિતભાઈને રોકી જ લીધા! નવાઈ લાગે કે મુંબઈની માયા મૂકીને સાંભરાઈ જેવા ખોબા જેવડા ગામમાં રહેવું, ખેતી કરવી, જમીન નબળી, પાણી પણ નબળું, મજૂરોની તકલીફ, પાકની બજાર વ્યવસ્થાથી અજાણ, છતાં નક્કી કરી લીધું કે ધરતીમાતાને સાચવીને ખેતી જ કરવી છે. આ ધરતીમાતામાંથી કમાણી કરીને વાડી પણ વિકસાવવી છે. જૈન હોવાને નાતે સાહસિકવૃત્તિ સબળ હતી એટલે સમસ્યા સામે ઝઝૂમીને પણ રસ્તો શોધી લેતાં.

બે-ત્રણ બાબતો મનમાં નક્કી જ રાખેલી કે એક કાયમી પાક પસંદ કરવો, પ્રાકૃતિક ખેતી જ કરવી, વાડીનું પાણી પડતર કૂવામાં ઉતારવું, પાકનું બજાર વ્યવસ્થાપન બીજા ખેડૂતો સાથે જોડાઈને કરવું. થોડી ખોટ ખાવી પડે તો ખાઈશ, પણ ધરતીને બગાડવી નથી. ધીરજ, ખંત અને મજબૂત આયોજન કરીને આગળ વધવાનું શરૂ કર્યું. પરિવારનો સહકાર મળ્યો. પ્રાકૃતિક ખેતી કેમ કરવી તેનું માર્ગદર્શન કનકપર ગામના વાડીલાલ પોકાર પાસેથી મેળવ્યું. રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા જઈને તાલીમ લીધી. આકાશભાઈ ચોરસિયા પાસે વિવિધ સ્તરીય પાકો (મલ્ટી લેયર ક્રોપ) માટેનું જ્ઞાન મેળવ્યું. આ બધી તૈયારી કરીને નક્કી કર્યું કે પ્રકૃતિ સાથે રહીને સાચું જીવન જીવવું. પોતાના આંગણે ગાય રાખવામાં થોડી અગવડ થતાં દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર રતડીયા મોટાની દાદલમાતા ગૌશાળામાંથી લેવાની ગોઠવણ કરી. પાક પસંદગી માટે થોડો અભ્યાસ કરીને સરગવાના પાકની પસંદગી કરી. પોતાની વાડીનાં ઝાડ-પાન અને આજુબાજુમાંથી આંકડો, ધતૂરો વગેરે લાવ્યાં. જીવામૃત બનાવ્યું. ગૌકૃપા અમૃતમ બનાવ્યું. દર પિયતમાં આ પ્રવાહી ખાતર આપે છે. દેશી ખાતર દરેક ઝાડને વર્ષમાં એકથી બે વાર અચૂક આપે જ છે. જે કામ કરે દેશી તે ક્યારેય ન કરે વિદેશી.

મારી વાડીમાં પડતું વરસાદનાં પાણીનું એક ટીપું પાણી પણ બહાર ન જવું જોઈએ તેવું નક્કી કરી વાડીના શેઢાથી ૧૦ ફૂટ અંદરના ભાગમાં ૨.૫ X ૨.૫ ફૂટની ચારેબાજુ ચર ખોદી નાખી જેના કારણે ચારે બાજુ મજબૂત બંધપાળો પણ થયો અને તેની વાડી વચ્ચે આવેલ ૧૨ ફૂટ વ્યાસના ૮૦ ફૂટ ઊંડાઈવાળા કૂવામાં આ તમામ પાણી ઉતારી દીધું. હવે તમે વિચાર કરો દસ એકરનું તમામ પાણી રોકીને કૂવામાં ઉતરે તો એક ચેકડેમ જેટલું પાણી ધરતીમાતાના પેટાળમાં જાય. આવું દરેક ખેડૂત કરે તો પાણીની સમસ્યાને દૂર થયા વિના છૂટકો જ નથી. બીજું આ ચરમાં ચોમાસા પછી વાડીનો તમામ કચરો તેમાં નાખવાનો જેથી ખાતર માટે તેનો ઉપયોગ થઈ શકે. વનસ્પતિ કે ઘાસને દીવાસળી મારવાની નહીં તેને ચરમાં નાખી દેવાનો અને આ ચરને ચોમાસા પહેલાં સાફ કરી તમામ કચરો અને માટી કાઢીને તેનું ખાતર બનાવે. એ ખાતર પરત જમીનમાં નાખે. તેરા તુજકો અર્પણ ઈ આનું નામ. ‘આગળ બુદ્ધિ વાણિયા’ની કહેવાય તે આ કોઠાસૂઝથી સમજાયું. તેઓ કોઈપણ કામ સો વાર વિચારીને કરે અને બીજા કરીને પછી વિચાર કરે કે આમ ન કર્યું હોત તો સારું હતું! લલિતભાઈએ તેની જમીન, પાણી, અને હવામાનને ધ્યાને લઈને પસંદ કરેલ સરગવાના દસ એકરમાં ૭૫૦૦ સરગવાના ઝાડને વિવિધ પ્રાકૃતિક માવજત આપવા લાગ્યા. આજે આ તમામ ઝાડો ઉત્પાદન આપે છે. સરગવાનું બજાર વ્યવસ્થાપન બીજા ખેડૂતો સાથે મળીને અમદાવાદ મોકલે છે. ભાવતાલ નક્કી કરીને સામૂહિક રીતે વ્યવસ્થા ગોઠવી જેથી ઓછો-વધારે માલ ઉતરે તો પણ તકલીફ ન પડે. એક ધ્યેય સાથે આયોજનપૂર્વક, ધીરજ ધરીને, મક્કમ મનથી, પ્રકૃતિની સાથે ખુલ્લી આંખે ખેતી કરનારને ક્યારેય પસ્તાવાનો વારો કુદરત આપશે નહીં તેવું છાતી ઠોકીને આવા ખેડૂતો જ કહી શકે

અન્ય સમાચારો પણ છે...