છેવટે ઇરાનના મુલ્લાઓએ પ્રોગ્રેસિવ ઇરાનિયન સ્ત્રીઓ સમક્ષ ઝૂકવું પડ્યું છે. માથું ફરજિયાત ઢાંકવાના કાયદા વિરુદ્ધ ઇરાનની યુવતીઓ વિફરી હતી. ફરજિયાત હિજાબનો વિરોધ કરવાને કારણે ઇરાનમાં 400થી વધુ દેખાવકારોનાં મૃત્યુ થયાં છે. મળી રહેલા અહેવાલ પ્રમાણે ઇરાનની સરકારે ત્યાંની મોરલ પોલીસને વિખેરી નાંખી છે અને આંદોલનકારીઓ સામે થયેલા ખોટા કેસો પાછા ખેંચવા માંડ્યા છે. કટ્ટરવાદીઓ સામે ઇરાનની યુવતીઓ જીતી ગઈ છે એમ કહેવું કસમયનું કહેવાશે. આમ છતાં ઇરાનનાં યુવક-યુવતીઓએ પુરવાર કર્યું છે કે એમનામાં ‘દમ’ છે. કટ્ટર ઇસ્લામી દેશ હોવા છતાં ઇરાન બીજા ઇસ્લામિક દેશોથી અલગ પડે છે, એ વિશે હું અગાઉ પણ લખી ચૂક્યો છું. મોહમદ રેઝા પહલાવી ઉર્ફ મોહમદ રેઝા શાહના શાસન દરમ્યાન ઇરાનની ગણના વિશ્વના એક સૌથી પ્રોગ્રેસિવ દેશ તરીકે થતી હતી. શાહ પોતે ભ્રષ્ટ શાસક હતા છતાં એમના કાર્યકાળ દરમ્યાન કટ્ટરવાદીઓ કાબૂમાં રહેતા હતા. ઇરાનની સડકો પર યુવતીઓ મિની સ્કર્ટ પહેરીને ખુલ્લાં વાળ સાથે (કેટલીક તો હાથમાં સિગારેટ સાથે) ફરી શકતી હતી. શાહના પતન પછી 1979માં ઇરાનની સત્તા કટ્ટરવાદી મુલ્લાઓના હાથમાં આવી અને ગરબડ શરૂ થઈ. પ્રજા પર જાતભાતના પ્રતિબંધો લાદવામાં આવ્યા અને મોરલ પોલીસની રચના થઈ. કડક ઇસ્લામિક નીતિ-નિયમોનું પાલન નહીં કરનારાઓને પકડીને સજા આપવાનું કામ મોરલ પોલીસ કરતી હતી. જોકે, ઇરાનિયનોનાં લોહીમાં જ આધુનિકતા, બંડખોરી, ઋજુતા, સંવેદનશીલતા અને ક્રિએટિવિટી હતી એ ત્યાંના કટ્ટરવાદીઓ કાઢી શક્યા નહીં. એમ કહેવાય છે કે કોઈપણ દેશનાં સાચા કેરેક્ટર વિશે જાણવું હોય તો તેના ઇતિહાસ ઉપરાંત ત્યાંનાં સમાજજીવન, સાહિત્ય અને કલાકૃતિઓનો અભ્યાસ કરો. ત્યાંની સંસ્કૃતિને નજીકથી નિહાળો. હવેના જમાનામાં બીજી એક રીતે પણ દેશના કેરેક્ટરનું માપ નીકળી શકે છે. ત્યાં બનતી બહુમતી ફિલ્મોની ક્વોલિટી દ્વારા! ઇરાનમાં મીડિયાથી માંડીને લેખકો સુધીનાં પર જાતભાતનાં બંધનો છે. જે રીતે કોઈક વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંપૂર્ણ સજ્જન કે સંપૂર્ણ દુર્જન હોઈ શકે નહીં એ જ રીતે દેશનું પણ છે. વ્યક્તિની માફક દેશ બાબતે પણ ‘ગ્રે એરિયા’ હોઈ શકે છે. દુનિયાની પ્રજા જો ઇરાનમાં બનતી વિશ્વના ખ્યાતનામ દિગ્દર્શકોની ફિલ્મો જુએ તો કદાચ ઇરાનની સામાન્ય પ્રજા વિશેનો એમનો અભિપ્રાય ઝડપથી બદલાઈ શકે. ખ્યાતનામ ઇરાની ડિરેક્ટર અઝગર ફરહાદીએ બનાવેલી ‘અ સેપરેશન’ ફિલ્મ જો વિશ્વભરમાં રિલીઝ થાય તો સાચા ઇરાનની ઝાંખી જોવા મળે. ખૂબ જ નજાકતથી બનાવેલી આ ફિલ્મનાં દરેક પાત્રો ઉપર કહ્યું એમ નથી સંપૂર્ણ બ્લેક કે નથી સંપૂર્ણ વ્હાઇટ. સંજોગો પ્રમાણે નાનાં જુઠાણાંઓ બોલી લે છે અને દિલના સાફ હોવાથી સતત મૂંઝવણ અનુભવે છે. ફિલ્મની થીમ ટૂંકમાં આ પ્રમાણે છે. મધ્યમવર્ગનાં પતિ-પત્ની નાદેર અને સિરમીન 11 વર્ષની દીકરી તિરમેટ અને નાદેરના વૃદ્ધ અપંગ પિતા સાથે રહેતાં હોય છે. સિરમીનને ઇરાનમાં દીકરીનું ભવિષ્ય ધૂંધળું લાગતું હોવાથી એણે ઇરાન છોડી દેવું હોય છે. વૃદ્ધ પિતાની જવાબદારી હોવાથી નાદેર આ માટે તૈયાર હોતો નથી. પતિ-પત્ની વચ્ચે ખટરાગ વધી જાય છે અને પત્ની પિયર જઈ ડિવોર્સ માટે કોર્ટમાં અરજી કરે છે. ત્યાર પછી જે ઘટનાઓ બને છે એને કારણે દરેક પાત્રની જિંદગીમાં નાનકડું તોફાન આવી જાય છે. સંજોગો પ્રમાણે દરેક થોડું ખોટું બોલી લે છે, પરંતુ એ જ સંજોગોને કારણે છેવટે સત્ય પણ સ્વીકારી લે છે. ફ્રેન્ચ ફિલ્મની જેમ અંત પણ દર્શકો પર છોડ્યો છે. ‘અ સેપરેશન’ ફિલ્મને ઓસ્કાર ઉપરાંત બર્લિન અને ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઘણા એવોર્ડ મળ્યા હતા. નવાઇની વાત એ છે કે ઇરાનમાં સરકારના ઘણા પ્રતિબંધો હોવા છતાં ઇરાનના ફિલ્મકારોનો ડંકો વિશ્વભરમાં વાગે છે. ઇરાનને સારી રીતે જાણવું હોય તો, ફરહાદી ઉપરાંત અબ્બાસ કિયારોસ્તામી (ટેસ્ટ ઓફ ચેરી) જાફર પનાહી (ધ વ્હાઇટ બલૂન) દઇરૂશ મહેરજુઈ (ધ કાઉ) મજીદ મજીદી (ધ કલર ઓફ પેરેડાઇઝ) બહમાન ધોબાડી (ટર્ટલ્સ કેન ફલાઇ) જેવા ડિરેક્ટરોએ બનાવેલી ફિલ્મો જુઓ. તમારી માન્યતા બદલાઈ જશે!⬛vikramvakil rediffmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.