અંદાઝે બયાં:જોઇએ છે ગુજરાતીમાં, એક જોસેફ જંગમાન!

સંજય છેલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝેક સાહિત્યકારો સ્થાનિક તથા રાષ્ટ્રીય જીવનના સીમાડા ઓળંગી જગતભરની ભોમને નીરખવા નીકળ્યા

ટાઇટલ્સ મૌનની ભાષા પર પી.એચ.ડી. થાય?(છેલવાણી) એક દેશના વડાપ્રધાને સંરક્ષણપ્રધાનને પૂછ્યું: દેશને આગળ લાવવા શું કરવું જોઈએ? સંરક્ષણપ્રધાને કહ્યું : આપણે અમેરિકા સાથે યુદ્ધ કરીએ તો? વડાપ્રધાન બોલ્યા : પણ તેમાં તો હારી જઈશું! દેશનું સત્યાનાશ વળી જશે! ત્યારે સંરક્ષણપ્રધાને કહ્યું: એ જ તો જોઈએ છે! અમેરિકા, જાપાનની જેમ આપણી તબાહી કરશે પછી નવેસરથી દેશ ઊભો કરવો સહેલો પડશે. બાકી અત્યારે છે તેને સુધારવો એ અઘરું કામ છે. વડાપ્રધાને કહ્યું : પણ જો આપણે જીતી ગયા તો? આપણું તો કંઈ કહેવાય નહીં! ગુજરાતી ભાષાનું પણ આવું જ છે. હાલની પરિસ્થિતિ સુધારવા કરતાં એ સાવ મૃત:પ્રાય થાય પછી જીવતી કરવી સહેલી પડશે. સાંભળવું ના ગમે તોયે મુંબઇ જેવાં શહેરો માટેનું આ કડવું સત્ય છે. હમણાં જ મુંબઈની 80 વર્ષ જૂની ખૂબ લોકપ્રિય સ્કૂલમાંથી ગુજરાતી માધ્યમ ધીમે ધીમે વિદાય લઇ રહ્યું છે! જ્યાં એક સમયે 1 ધોરણના 5-5 ક્લાસ ચાલતા, કવિઓ ને વિદ્વાનો ત્યાં શિક્ષક હતા ને અનેક નામી વિદ્યાર્થીઓ ત્યાંથી ભણેલા. છાપામાં એના બેસણાના સમાચાર પણ નથી. એ સ્કૂલના પ્રાથમિક વિભાગમાંથી દર વર્ષે એક ધોરણ બંધ થાય એટલે આઠ-દસ વર્ષે ગુજરાતી માધ્યમનો વીટો વળી જશે. જોકે, હવે તો આ મુંબઇની શાળાઓમાં ‘ગુજરાતી બચાવો’ એ વિષય પર વાત કરવી ‘આઉટ ઓફ ફેશન’ ગણાય છે. આવા સમયે આપણા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ઝેક ભાષાના સાહિત્યની કશેક વાત કરી છે, તે યાદ આવી. મેઘાણી લખે છે : ‘જગતમાં તો એમ હતું કે એ દેશની વાણી મરી ગઈ. સાહિત્યની લેખિની પર ચડી શકે તેવી ભાષા, એ દેશ કને હોઈ જ ના શકે! એ તો હતી... (એટલે-હવે નથી)’ જી હા, 200 વર્ષ સુધી ઝેક ભાષા દટાઈ ગઈ. 1621ના યુદ્ધ પછી ઝેકોસ્લોવેકિયા, ઓસ્ટ્રિયન મહારાજ્યનો ભાગ બની ગયું. ઝેક ભાષા ફક્ત ગામડાંઓમાં ને ખેડૂતોને ત્યાં જ બોલાતી રહી, પણ પછી ઝેક ભાષાનો ઉદ્ધારક આવ્યો : જોસેફ જંગમાન. ઈન્ટરવલ દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા. (મકરંદ દવે) જંગમાન (1773-1847) સ્કૂલમાં ટીચર ને પછી પ્રોફેસર હતો. એણે શરૂઆતમાં ઊર્મિકાવ્યો લખ્યાં. પછી ગામડે ગામડે ફરીને ઝેક ભાષાના શબ્દો શોધી શોધીને એનો શબ્દકોશ બનાવ્યો. ઝેક-જર્મન ડિક્શનરીના પાંચ ભાગ આપ્યા. ફ્રેડરિક શીલર, ગોથે ને જ્હોન મિલ્ટનના મહાકાવ્ય ‘પેરાડાઇઝ લોસ્ટ’નો અનુવાદ આપ્યો. તેણે ઝેક સાહિત્યનો ઇતિહાસ લખ્યો અને પોતાની ભાષાની ક્ષમતા પુરવાર કરી બતાવી. ઝેક ભાષામાં શરૂઆતમાં ઊર્મિકાવ્યો અને મહાકાવ્યો રચાયાં. 25 વર્ષ પછી ગદ્યની શરૂઆત થઈ. એ પછી ઝેક ભાષામાં મિલાન કુન્દેરા, વકલાવ હાવેલ, મિરોસ્લાવ હોલુબ, કાફકા, ટોમ સ્ટોપાર્ડ જેવા વિશ્વવિખ્યાત લેખકો જન્મ્યા, અફકોર્સ, જેનાથી ગુજરાતીઓ ભાગ્યે જ વાકેફ હશે! મેઘાણી, જંગમાન વિશે કહે છે : ‘મહાયુદ્ધને પરિણામે ઝેક પ્રજાને સ્વાધીનતા મળી. એ સ્વાધીનતાએ પ્રજાની સાહિત્યદૃષ્ટિને વિશાળ પટ અપાવ્યો. ઝેક સાહિત્યકારો સ્થાનિક તથા રાષ્ટ્રીય જીવનના સીમાડા ઓળંગી જગતભરની ભોમને નીરખવા નીકળ્યા અને આંતરરાષ્ટ્રીય સાહિત્યની અસરોમાં ઝબકોળાયા.’ (આમ તો મેઘાણી અને જોસેફ જંગમાન વચ્ચે પણ કેટલુંક સામ્ય રહેલું છે. મેઘાણીએ પણ લોકસાહિત્યનું પુષ્કળ સંશોધન કર્યું ને પુસ્તકો લખ્યાં.) આ તરફ આપણને સ્વાધીનતા મળી, પણ આપણે અંગ્રેજીયતનો મોહ ના છોડી શક્યાં. પરિણામે આપણી પ્રાદેશિક ભાષાઓ જ મરવા પડી છે. (ઘણાં તો આ વાત પણ માનવા તૈયાર નથી પણ એ અલગ વાત છે) એક દાવો છે કે બસ 100 વર્ષમાં ગુજરાતીનું અસ્તિત્વ નહીં રહે. લોકો બોલી શકશે પણ વાંચી, લખી કે વિચારી નહીં શકે. ને ત્યારે કદાચ જંગમાન જેવો મરજીવો આપણી ભાષામાં પણ ઉતરી આવશે. તે ગુજરાતી ભાષાનો ઉદ્ધાર કરશે. નસીબ હશે તો, ગુજરાતી ફરી પોતાની ભાષાને પ્રેમ કરતા શીખશે અને પાછી ગુજરાતી ભાષા આગળ વધશે. એવો ચમત્કાર થાય ત્યાં સુધી ગુજરાતી છાપાં-મેગેઝિનો કે નાટક-ફિલ્મોને લીધે રોજબરોજની ભાષા કદાચ ટકીયે જાય! આજે કોઇને પૂછશું તો જવાબ મળશે : ‘વેલ…ગૉડ નોવ્ઝ!...વૉટ ડુ યુ સે?’ (આ લેખ ભાષાવિદ્ સ્વ. પ્રા. યોગેન્દ્ર વ્યાસને અર્પણ!) એન્ડ-ટાઇટલ્સ ઇવ: તને ગુજરાતી આવડે? આદમ: આયેમ શ્યોર! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...