બુધવારની બપોરે:જોઈએ છે, કારને ધક્કા મારી આપનારા!

અશોક દવે14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કારમી ગરીબીને કારણે અમારી પાસે ફક્ત રોડ ઉપર દોડે એવી કાર જ છે, પાણીમાં તરે એવી ન હોવાથી બંનેમાં કામ આવે એવી કાર નહીં લાવી શકવાની મારી ગરીબી ઉપર હકી તાના મારે છે. ‘રોડું ઉપર તો મ્યુનિ. બસના ડ્રાયવરૂંય હંકારતા હોય… આપણી પાસે એકાદી બોટેય નંઈ…?’ મેં બચવાનો ટ્રાય કરી જોયો કે, અમદાવાદમાં રોડ ઉપરેય ગાડી ચલાવતા પહેલાં સર્કસના ‘મૌતના કૂવા’માં ટ્રાયલો આપવા જવું પડે છે, ત્યાં અહીં ગાડીઓ તો છે, પણ રોડ નથી! વળી, પાણીમાં સરકે એવી કાર અમદાવાદમાં ક્યાં ચલાવવી? રિવરફ્રન્ટવાળા તળાવમાં સરકારની હોડીઓય ચાલતી નથી, ત્યાં જરૂર પડે, આપણી ગાડી પાણીમાં બગડી તો સાલું ધક્કા મારનારાય કોઈ ન મળે! (ચોખવટ : અમદાવાદમાં જે છે, એ તળાવ છે, નદી નથી… નદી તો વહેતી હોય! ચોખવટ પૂરી) એક્ચ્યુઅલી, આ સીઝનનો વરસાદ અમદાવાદમાં તો ફેઈલ ગયો છે, પણ મહિનો-માસ પહેલાં એક પ્રચંડ ઝાપટું પડી ગયું, એ વખતે અમે ગાડી સાથે સમાધિ લઈ લઈએ, એવી નોબત ઊભી થઈ હતી. હકીની બા પણ સાથે હતી. રોડ ઉપર કેડ સમાણાં પાણીમાં ગાડી વધુ વજન ખમી ન શકે, તો એકને ઉતારી દેવી પડે, એ સ્થિતિમાં ઊતારી મૂકવા માટે એની બા કામમાં આવે એવી હતી. રામ જાણે, ગત જનમમાં મેં કેટકેટલી સાસુઓને નારાજ કરી હશે કે, મારી બા ઉપરાંત હકીની બાને ખીજાવા માટે એક હું જ હાથમાં આવું છું. સોલા પાસે ગાડીની અંદર પેટ ઢંકાય ત્યાં સુધી તો પાણી આવી ગયું હતું અને અમે ત્રણે ‘મોબાઈલ સ્વિમિંગ પૂલ’માં ઊતર્યાં હોઈએ, એવું દૃશ્ય સર્જાયું હતું ને છતાંય ડોસી… સોરી, હકીની બા મારી ઉપર એની વરાળો કાઢતી હતી. ‘આવી ગાડીયું લેવાતી હસે કે પાણીડાં માઈલી કોર ગરી જાય? અસ્સોકકુમારને તો ઘૉડો ઠેકાવવાય દેવાય એમ નથ્થી!’ એવું એ હકી ઉપર એટલા માટે ખીજાતી હતી કે, ‘ગોરધન તો હારા માઈલો નો લીધો, પણ ગાડીયું તો ઠેકાણાંવાળી લેવી જોંઈ કે નંઈ…?’ (‘ઘોડા’નો ઉચ્ચાર જામનગર બાજુનો હોવાથી ‘ઘોઓડો’ ઉચ્ચાર લખ્યો છે…) અફ કોર્સ, હકી તો વિશ્વની સર્વોત્તમ પાંચ વાઈફોમાં છઠ્ઠો નબંર લાવે, પણ આપણે તો કોઈ પણ વાંકગુન્હા વગર પેલી પાંચ ગુમાવવી પડી કે નહીં? આ તો એક વાત થાય છે! બહુ ફિશીયારીઓ મારે છે, પણ ડોસી એના જમાનામાં પોતે કેવો ગોરધન ઉપાડી લાવી હતી, તે મને પૂછો, જેણે હકી મને વળગાડી હતી! અસલના જમાનામાં સ્કૂટરને આઠ-દસ કિકો મારીએ ત્યારે માંડ ચાલુ થતું, એવો આ સસરો ફ‌ળીયામાં પાથરેલા ખાટલામાં બેઠો થઈને આઠ-દસ વખત પગના પ્રચંડ ઝાટકા મારીને ખંખેરે, ત્યારે માંડ ઊભો થતો હતો. અમે એમની ઉંમરના હતા ત્યારે ખાટલામાં બેઠા બેઠા વ્હિસ્કીનો એકાદો ગ્લાસ થપથપાવતા, ત્યારે ડોહો રોજના બબ્બે ગ્લાસ કડવા ઝેર જેવા કડુકરિયાતુંના ઠોકે, ત્યારે કમરેથી માંડ સીધો થાય! નાનપણથી એમને એમના માબાપે અમારા જેવા સારા સંસ્કારો જ નહીં આપેલા! (‘કડુકરિયાતું’ કાઠિયાવાડમાં વધુ પીવાતું ઔષધ છે, જ્યારે વ્હિસ્કી આખા વર્લ્ડમાં પીવાતી દવા છે: શૈક્ષણિક સલાહ પૂરી) જોકે, અત્યારે એવા જીવો બાળવાનો અવસર નહોતો. ધૂમધામ પડેલા વરસાદમાં ચાર રસ્તે હું ગાડી સાથે ભરાઈ પડ્યો હતો. બીજી તો કોઈ મદદ જોઈતી નહોતી, પણ કોક બે-ચાર વટેમાર્ગુઓ આવીને કમસેકમ ગાડીને ધક્કા મારીને કોર્નર પર ખસેડાવે, એવી આશા કંઈ વધુ પડતી ન કહેવાય! સુઉં કિયો છો? નજીકમાં કેટલાંક લોકો દેખાતાં હતાં, પણ એ લોકો એમનાં સ્કૂટર-ગાડીઓને ધક્કા મારવામાં બીઝી હતાં. ફૂટપાથ ઉપર ઊભા ઊભા અદબ વાળીને કેટલાક ચાંપલાઓ હસી હસીને અમારો તમાશો જોતા હતા કે, ‘કેવા ભરાયા છે!’ મેં એમના હાથના ઈશારે વિનંતી કરી, પણ મદદને બદલે એ લોકો તો અમારી સામે જોઈને હસતા હતા. એમનું હસવાનું વ્યાજબી હતું કે, હું એકલો બહાર ઉતરીને એકલે ખભે ગાડીને ધક્કા મારતો હતો, એ જોઈને બિલકુલ સલામત બેઠેલી હકી અને એની બા મને ખખડાવતા હતા. ‘આમ ધક્કાંવ નો મરાય! જરા ઝોર તો લગાવો. ઘરમાંય કોક ‘દિ પાટલો ખસેયડો હોય તો આઈં ગાડીયું ને ધક્કા વાગે ને!’ ‘તીન તલાક’ તો વાઈફો માટે હોય છે, પણ સાસુઓ માટે આવી સગવડ (!) હોત તો વિશ્વના ધરખમ પતિદેવો પોતાને ભાગે આવેલી સાસુઓને ‘છુટ્ટી… છુટ્ટી… છુટ્ટી….’ કહીને નિરાંતે લશ્કરમાં જોડાઈ જાત! દુશ્મનની ગોળીઓ એને કેવી આસાન લાગત…? (હવે, કોઈ પંખો ચાલુ કરો!) સાસુજી લેવાદેવા વગરના ‘શાંતિ રાખો’, ‘શાંતિ રાખો’ની બૂમો પાડે જતાં હતાં, પણ અહીં તો પહેલેથી જ બધાં શાંત હતાં. વળી, અમારાં ત્રણમાંથી શાંતિ કોણે રાખવાની હતી, એનાં કોઈ સ્પષ્ટ નિર્દેશો મળતાં નહોતાં. ગળામાંથી અવાજને બદલે વરસાદનું પાણી ફુવારાની માફક છૂટતું હતું. વળી, શાંતિને વરસાદનાં ભરાયેલાં પાણી સાથે શો સંબંધ, એની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. હાલમાં અમારી ડ્યૂટી ગાડીને ધક્કા મારવાની હતી, તે તો વાઈફનેય યાદ આવતું નહોતું. મેં એ બંનેને કીધું, ‘તમે નીચે ઊતરો અને ગાડીને ધક્કો મારો… એ વગર ઘેર નહીં પહોંચાય!’ વહેલી પરોઢે ઊઠીને જોયું તો, ગાડીની બહાર પાણી જતું રહ્યું હતું. હકી તો હતી, પણ સાસુ મૌજુદ નહોતી. ઘડીભર તો મેં હાશ જેવો ઉચ્છ્્વાસ ગળામાંથી કાઢ્યો કે, ‘આખરે ડોસી તણાઈ ગઈ છે… ઈશ્વર જેવું જગતમાં કોઈ છે ખરું!’ ત્યાં તો એ સીટ નીચેથી નીકળી, ‘અસ્સોકકુમાર… હું આંઈ ગરી ગઈ છું. કોક રિક્ષા ઊભી રાખો… પણ જોજો… ઈય પાણીમાં ડૂબેલી નો હોય!’ { ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...