તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાઝે બયાં:રસ્તે રઝળતી વાર્તા: સાગા ઓફ શૈલેષ મટિયાની

સંજય છેલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જે મેગેઝિનની ઓફિસ સામેની સડક પર શૈલેષ વેઇટરનું કામ કરતા એ જ મેગેઝિનમાં એમની રચનાઓ છપાતી કે વખણાતી

ગરીબી ને ગરમી કોઇ સહન ના કરી શકે. (છેલવાણી) 1972માં એક ગ્લેમરસ ફિલ્મસ્ટારના સ્ટારડમ અને પતન વિશે નિર્માતા-નિર્દેશક કાંતિ મડિયાનું એક અદ્્ભુત નાટક હતું: ‘રસ્તે રઝળતી વાર્તા’. જી હા, જગતમાં અમુક મહાન માણસો રસ્તે રઝળે છે, પણ રસ્તો ચૂકતા નથી. આજે એવી જ એક રસ્તે રઝળતી વાર્તાની દાસ્તાન કહેવાનો મૂડ છે. તમે કહેશો કે કોની જીવનકથા? વેઇટ, કહું છું! આપણે ત્યાં મહાન લેખક પન્નાલાલ પટેલે અનેક નાનામોટાં કામ કરેલાં, ગરીબી કે અપમાન ઝેલેલા, પણ એ બધાં ઉપરાંત ‘માનવીની ભવાઇ’ કે ‘મળેલા જીવ’ જેવી વિશ્વકક્ષાની રચના લખેલી. આજે એમનાથીયે વધુ દુ:ખ કે ભયંકરતાનો સામનો કરનાર હિંદી લેખકની વાત કરવી છે જેનું જીવન રીતસરની ‘રસ્તે રઝળતી વાર્તા’ છે. ઉત્તર ભારતના પહાડી જીવનને પોતાની રચનાઓમાં પૂરા પહાડીપણા સાથે જીવંત કરવાવાળા મહાન હિંદી લેખક શૈલેશ મટિયાની (1931-2001)નું બાળપણ કસાઈની દુકાન પર કામ કરતા કરતા વીત્યું. કોઇ નાનકી દુકાન પર મટનને કૂટતા કૂટતા લેખન કર્યે રાખનારા મટિયાનીએ લેખક હોવાની કિંમત આંસુ ને પસીના સાથે ચૂકવી. બાર વરસે જ અનાથ થઈ ગયા. એટલું જ નહીં 1950ની આસપાસ લેખન શરૂ કરવા માટે માસૂમ શૈલેષને સગાંવહાલાંઓ પાસેથી પ્રોત્સાહનને બદલે મેણાંટોણાં જ મળ્યા! પછી શૈલેષને એક ઉચ્ચવર્ણની બ્રાહ્મણ છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો જેને કારણે એમણે એમનું ગામ અલ્મોડા છોડવું પડેલું. પહેલાં પ્રેમને કારણે એમના જીવ પર જોખમ આવી પડેલું. પ્રાણથી પ્યારા પહાડોથી ભાગીને મુંબઈ આવી ગયા. ત્યાં લખવાનું ચાલુ હતું, પણ આર્થિક ને માનસિક રીતે ખૂબ કપરા દિવસો ગુજાર્યા. મુંબઇની ફૂટપાથ પર રીતસર વરસો કાઢ્યા. ગુરુદ્વારાના લંગરમાં કે મંદિરોમાં-દરગાહોમાં લાઇનમાં ઊભા રહીને જ્યાં જ્યારે મફત ખાવાનું મળતું ત્યાં ખાઇ લેતા! ક્યારેક ખાવાનું ના મળ્યુ ત્યારે પોલીસના દંડા અને મુક્કા-થપ્પડ પણ ખાધાં! જ્યારે પોલીસવાળા એમને પકડીને સરકારી રિમાંડ હોમમાં લઇ જતા ત્યારે એમને બહુ સારું લાગતું કે- ‘હાશ, હવે સૂવાની કોઇક જગ્યા અને બે ટંકનું જમવાનું તો મળશે જ મળશે!’ ઇન્ટરવલ હું તો હરતી ફરતી, રસ્તે રઝળતી વાર્તા (ગુજરાતી ગીત) 1952થી 1957 સુધી શૈલેષનું જીવન, મુંબઈ જેવા શહેરમાં ફૂટપાથો પર અજીબ સંઘર્ષમાં વીત્યું. ભેલપુરીવાળા અને હાઇવેના ઢાબાઓમાં એઠાં વાસણ ધોયાં, ગ્રાહકોને ચાના ગ્લાસ પીરસ્યા, રેલવે સ્ટેશનો પર કુલીગીરી કરી! પણ જે સમયે એક ઢાબામાં પ્લેટ ધોવાનું અને ચા પીરસવાનું કામ કરી રહ્યા હતા, એ જ સમયમાં એમની વાર્તાઓ ધર્મયુગ જેવા ગંભીર અને લોકપ્રિય મેગેઝિનમાં છપાવાની શરૂ થઇ ગયેલી. ભારતના ઇતિહાસમાં કદાચ એકમાત્ર ઘટના હશે કે જે મેગેઝિનની ઓફિસ સામેની સડક પર શૈલેષ વેઇટરનું કામ કરતા એ જ મેગેઝિનમાં એમની રચનાઓ છપાતી કે વખણાતી. ઘણીવાર ગ્રાહક તરીકે એ મેગેઝિનનાં તંત્રી ત્યાં ચા પીવા આવતા અને શૈલેષ વેઇટર તરીકે કામ કરતા પણ પોતાની ઓળખ આપતા શરમ કે બીક લાગતી! શૈલેષ મટિયાની હંમેશાં કહેતા કે આટઆટલી વિટંબણાઓ સાથે પણ તેઓ લખતા રહ્યા, કારણ કે લખ્યા વિના જીવી શકતા નહીં! ગરીબી, અપમાન અને ભૂખમરી એમની વાસ્તવિકતા હતી અને લેખન એમનું સપનું યા એક પલાયનવાદ! એકવાર માત્ર લખવા પર જ જીવવાનું નક્કી કર્યું, પણ ત્યારે પેટ ભરવા માટે શૈલષે પોતાનું લોહી પણ વેચવું પડેલું અને હા, ત્યારે આમ વારે વારે લોહી વેચવું ગુનો હતો! પછી તો એમને ક્રાઇમ-વર્લ્ડના પણ અનુભવો થયા અને એ જ અપરાધ જગતના કડવા અનુભવોને આધાર બનાવીને એમણે બોરીવલી સે બોરીબંદર તક નામની નોવેલ લખી! વારંવાર અપમાન અને તીખા મેણાંનો માર ઝેલતા ઝેલતા શૈલેષ પોતાની અંદરના લેખકને જીવતો રાખી શક્યા, કારણ કે તમામ તકલીફો અને અપમાન વચ્ચે પણ એક સેકન્ડ માટે એમના મનમાંથી લેખક હોવા વિશેનો વિશ્વાસ જરાયે હલી શક્યો નહીં. આપણે ત્યાં 3 ગઝલ અને 6 લેખ કે 5 વાર્તા લખીને લેખકો પોતાને સર્જક ગાણાવીને ફૂલાઇને ફાળકો થાય છે ત્યારે શેલેષ મટિયાનીનું પ્રચંડ કામ અને અજબ જીવન વાંચીને શરમ આવે, નવાઇ લાગે કે એક સાચા લેખકનું જીવન શું છે! ગરીબી, અપરાધ જગત અને અપમાનો એમના માટે લેખક બનવાની કાચી સામગ્રી હતી! જેટલા વધારે દુ:ખ આવી પડશે, એટલો જ એમનો લેખક બનવાનો રસ્તો ખુલી જશે એમ માનતા. મટિયાની કહેતા: ‘એક લેખક અપને કદ સે બડ઼ી રચના કભી લિખ હી નહીં સકતા.’ મટિયાની પોતાના સમયમાં એક બેહતરીન ભારતીય વાર્તાકાર હતા. જીવાતી જાલિમ જિંદગીમાંથી વીણેલી કે કહાણી લઇ આવતા. એમની વાર્તા અને શૈલીની અનેક લેખકોએ કોપી કરી. તમામ ગરીબી, ગંદા પહેરવેશ હોવા છતાં એમનામાં જબરદસ્ત આત્મવિશ્વાસ હતો. એક મામલામાં લેખકિય સ્વાભિમાનની વાત આવી ગઇ, તો તમામ અભાવો અને ગરીબી છતાં સુપ્રીમકોર્ટ સુધી મોટી પબ્લિકેશન કંપની સામે કેસ પણ લડ્યા! આપણે ત્યાં વારેવારે સત્તા સામે સજદામાં પડતા અને લાઇમલાઇટમાં રહેવા કોઇપણ જાતના વિધાનો કે સ્ટંટ કરનારા લેખકો સામે શૈલેષ મટિયાની મુઠ્ઠી ઊંચેરા લેખક લાગે ને? એક સમયે આર્થિક કારણોને લીધે 250-300 રૂપિયાના પગારે ફાલતુ લેખન કરવા માટે પણ પર મજબૂર થયા! છેલ્લા દિવસોમાં શેલેષ મટિયાની ઓલમોસ્ટ પાગલ થઇ ગયેલા. કેમ? આગળ આવશે. બાય ધ વે, શૈલેષ મટિયાનીના 30 વાર્તાસંગ્રહ, 30 નવલકથા, 7 લોકકથા સંગ્રહ, બાળ સાહિત્યના 16 પુસ્તકો, 3 સંસ્મરણ પુસ્તકો, 13 નિબંધના પુસ્તકો લખેલા! એટલે પાગલ થઇ ગયેલા...? કારણ આગળ આવશે. તો આ બધી મેલોડ્રામેટિક જિંદગાની સાથોસાથ, એમની રચનાત્મકતા બે કાંઠા વચ્ચે વહેતી રહેતી: એક, કુમાયુંની પર્વતીય પૃષ્ઠભૂમિ અને બીજી, મુંબઈનું સંઘર્ષવાળું જીવન. ...અને પછી આવે છે મહાન લેખક શૈલેષ મટિયાનીના જીવનમાં વધુ એક કરુણ ટ્વિસ્ટ: 1992માં એક ઘટનામાં એમના દીકરાની હત્યા થઇ ગઇ! દીકરાની હત્યાથી મટિયાની ખૂબ હલી ગયા. ગરીબી, માર, થાક અને અપમાનને સહી સહીને પથ્થર થઇ ગયેલા એ માણસની હિંમત કાળની આ થપ્પડથી ભાંગી ગઇ. અનેક કરુણતાને પચાવનાર માણસને આ એક કરુણ ઘટનાથી અંદર સુધી તોડી નાખ્યો, પણ એની સામે ય તેઓ લડ્યા. જાત સાથેની આ લડ઼ાઈએ એમને માનસિક રીતે વિક્ષિપ્તતાની હાલત સુધી પહોંચાડી દીધા. વારે વારે એમને નર્વસનેસ અને એંગ્ઝાઇટિના એટેક આવવા લાગ્યા. એમના છેલ્લા વરસો ખૂબ તકલીફોમાં ગુજર્યાં. કહેવાય છે એમના કરુણ મૃત્યુ બાદ એમના તીખા સ્વભાવને કારણે એક સાર્વજનિક સંસ્થાને શોકસભા માટે પોતાનો હોલ પણ આપાવા માટે ના પાડેલી!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો