હવામાં ગોળીબાર:જાગો… ‘ચા’ ચાહકો જાગો!

મન્નુ શેખચલ્લીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જુઓ, એક વાત સમજી લો. ધોળિયાઓને કોફી પીવાની આદત છે એટલે એમણે કોફી બનાવવાનાં મશીનો બનાવ્યાં. એમાં એક સાઈડથી તમે તાજી કોફીના શેકેલા દાણા નાખો એટલે ત્યાં ને ત્યાં જ ગ્રાઈન્ડ પણ થાય અને પછી ગરમ પાણીમાં મિક્સ પણ થાય. અરે, મમતા બેનર્જીની જેમ ગરમાગરમ ફૂંફાડા મારતી હોય એવી ‘એસ્પ્રેસો’ કોફીનાં મશીનો પણ એમણે બનાવ્યાં! પણ અફસોસ, જે દેશનો વડોપ્રધાન ખુદ એક ચાયવાળો રહી ચૂક્યો છે એ દેશની ઓફિસોમાં ઠોકી બેસાડેલાં ‘ટી-મેકર’ મશીનો કેમ આટલાં વાહિયાત છે? એક તો એમાં દૂધ નહીં, પણ દૂધનો પાઉડર નાંખવાનો! કેમ ભઈ? શું અમે ટ્રેનમાં બેઠાં છીએ? વિમાનમાં ઊડી રહ્યાં છીએ? (જોકે, હજારો ટન માલસામાન લઈ જતી ટ્રેનો કે સેંકડો લગેજની બેગો ઉપાડીને ઊડતાં વિમાનને 5-10 લિટર દૂધનું વજન ઉપાડવામાં શું જોર આવતું હશે? અમારી સમજની બહાર છે!) અને શું આપણે દૂધ પીતાં બચ્ચાં છીએ કે દૂધનો ‘પા‌ઉડર’ પીવડાવીને અમને છેતરવામાં આવે? પહેલી વાત તો એ કે પેલા ધોળિયાઓને કોફીમાંય દૂધ નાખવાની ટેવો જ ના હોય એટલે એમને ‘ચા’માં શું ચાંચ ડૂબવાની હતી? ટૂંકમાં, પહેલી માગણી તો એ જ કે ટી-મેકર મશીનમાં દૂધ ભરવાની જગ્યા હોવી જોઈએ. (પાણી તો દૂધવાળો મિક્સ કરીને જ આપતો હોય છે) છતાં, માનનીય ડફોળ ધોળિયાઓને જણાવી દઈએ કે અહીં ઈન્ડિયામાં ‘આખા દૂધની ચા’ નામનો પણ એક વિશિષ્ટ પ્રકાર હોય છે. અને ભઈ, આદું-ફુદીનાનું શું? જો એ લોકો કોફીના દાણા ભરાવાનું યંત્ર કોફી-મેકર સાથે ફિટ કરી શકતાં હોય તો આપણે આદું વાટવાનું એટેચમેન્ટ કેમ નથી રાખતાં? (અને ભૈશાબ, રેડીમેઈડ આદું-જ્યૂસ કે આદું-ફુદીના-જ્યૂસની તો વાત જ ના કરતા! અમારા કીટલીવાળાઓ કંઈ મૂર્ખા છે કે દરેક વખતે ઘરાકની નજર સામે આદું વાટીને ચામાં નાંખે છે?) એ જ રીતે ગરમ મસાલાનું પણ એક કન્ટેનર ‘ટી-મેકર’માં રાખવું જોઈએ. ચાની ભૂકીમાં એને મિક્સ ના કરી દેવાય. પ્રોબ્લેમ શું છે કે આપણા પ્રોડક્ટ ડિઝાઈનરો બધા નવી નવી જાતની કારો અને બાઈકોના વાંકા-ચૂકા શેપ ડિઝાઈન કરવામાંથી જ ઊંચા નથી આવતા. બીજી તરફ જે કહેવાતા ‘ઈનોવેટર્સ’ છે એ બધા કાં તો હાઈ-ફાઈ અવકાશયાનોમાં પડ્યા છે, કાં તો ડફોળો માટે ઓનલાઈન ઈન્ટેલિજન્સ શી રીતે વધારવું એની એપ્સ બનાવવામાં બિઝી છે. એટલે તમને આટલું બધું ડિટેઈલમાં સમજાવવું પડે છે. હવે ચાની મેઈન ખૂબી પણ સમજો. એની અસલી મજા ક્યાં છે? અરે ભઈ, આદું-ફુદીનાવાળી ચા જ્યારે ઉકળતી હોય ત્યારે એની જે સુગંધ… આહાહા… જે સુગંધ આખી ઓફિસમાં ફેલાય… અને બોસ, ‘કામ ગયું તેલ લેવા’ કહીને જે કર્મચારીઓ (ઈન્ક્લુડિંગ બોસ)ને ચા પીવાનો મૂડ બની જાય…. એમાં જ છે ને ખરી મજા? પણ યાર, આજકાલનાં ‘ટી-મેકર’માં ચા ઉકળતી જ ક્યાં દેખાય છે? ટૂંકમાં, ‘ટી-મેકર’ એવું હોવું જોઈએ કે એના કાણામાંથી (અથવા ગ્રીલમાંથી) ઉકળતી ચાની સુગંધ ચારેકોર ‘ઉત્તેજક’ રીતે ફેલાય નહીં તો એ ‘ટી-મેકર શાનું?’ અને મારા સાહેબો, એ ‘ટી-મેકર’માંથી જે રીતે ચા નીકળે છે એ જોયું છે? હાઈવે પાસે આવેલી કોઈ ફાલતુ રેસ્ટોરાંના ટોઈલેટમાં મૂત્ર વિસર્જન કર્યા પછી ફ્લશમાંથી જે પેલી પાણીની દદૂડી નીકળતી હોય છે એ જ યાદ આવી જાય છે! યાર, તમે જ કહો, આવી ‘માનસિક’ સ્થિતિમાં ચા પીવી શી રીતે ગમે? ચાલો, પેલો કીટલીવાળો જે રીતે ઉકળતી ચાને કોઈ સરકસના ખેલાડીની જેમ હેન્ડલવાળા વાસણમાંથી ગળણાવાળી તપેલીમાં એક એક મીટર લાંબી ધારો કરીને રેડે છે એવું ભલે આ નવા ‘ટી-મેકર’માં ના થાય પણ કમ સે કમ એસ્પ્રેસો કોફી મશીનના અડધા ઠસ્સા સાથે તો ચા રેડાવી જોઈએ કે નહીં? શું કહો છો! જોકે, છેવટે આવું ‘ટી-મેકર’ ના જ બની શકવાનું હોય તો ચાયવાળા વડાપ્રધાનશ્રીને વિનંતી કે એક કાયદો એવો પસાર કરો કે દરેક ઓફિસ બિલ્ડિંગની બહાર એક ચાની લારી ઊભી રાખવી ફરજિયાત ગણાશે! અને એની પાસે હપ્તો ઉઘરાવવો એ અક્ષમ્ય અપરાધ ગણાશે! બોલો, ખોટી વાત છે?⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...