નીલે ગગન કે તલે:વિજય કેંકરેની સેંચ્યુરી

મધુ રાય3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાહેબ, સાંભળો, સાંભળો! તમે વિજય મર્ચન્ટ, વિજય હજારે વગેરે વિજયનાં નામ સાંભળ્યાં હશે, પણ વિજય કેંકરે કા ક્યા? સાહેબ, નાટક મ્હણજે કાય તેની તો ખબર છે ને? યસ, કેંકરે સાહેબે ભલે બેટબોલની સેન્ચુરી ફટકારી નથી પણ હલો, એમનું પરિચાલિત (એટલે ડાયરેક્ટ કરેલું) 100મું નાટક મુંબઈના મરાઠી રંગમંચ ઉપર આ 11મી ડિસેમ્બરે ભજવાઈ ચૂક્યું. વન હન્ડ્રેડ્થ નાટક! અત્રે મરાઠી–ફરાઠી શબ્દો આવતા કેટલાક ગુજરાતી વાચકો સાપ્તાહિક ભવિષ્ય તરફ રિ–પરિચાલિત થયા હશે, એમને ગુજરાતીમાં પણ નાટક બાટકમાં પણ એટલી દિલચશ્પી નથી હોતી. મોટા ભાગના ગુજરાતીઓએ 100 નાટક જોયાં પણ નહીં હોય, બલકે 100 નાટકનાં નામ પણ નહીં આવડતાં હોય (જેમકે હમો પોતે)! પણ કેંકરેએ 100 નાટક નોટ ઓન્લી જોયાં છે, ભજવ્યાં છે! ડાયરેક્ટ કીધાં છે, પણ સર, એમાં નવાઈ નથી કેમકે તેનો ઉછેર નાટક–થિયેટરથી ઘેરાયેલા એક મકાનમાં થયો હતો. તેમના માતાપિતા દામુ અને લલિતા કેંકરે અને કાકી સુધા કરમરકર મરાઠી થિયેટરના માંધાતાઓ હતા. “એટલે જ,’ વિજયકુમારે ગાંઠ વાળેલી કે હું થિયેટર નહીં કરું! મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ક્રિકેટર બનવું હતું. પણ એક દિવસ હું મારી કૉલેજની બહાર ખાલી બેઠેલો ને કોલેજના નાટકવાળાએ મને એક નાટક વાંચવા બોલાવ્યો ને બસ! મેં કરેલાં કેટલાંક આંતર-કૉલેજિયેટ નાટકો, ઍવૉર્ડ્સ જીત્યા, અને આજે સાહેબ સદી ફટકારે છે. એમનું અા 100મું નાટક છે ‘કાળી રાણી!’ પણ ફક્ત એ જ કારણ નથી, વિજય કેંકરે નાટકબાટકમાં ગયા તેનું. મરાઠીમાં નાટક એક પેશો છે, એક કલા છે ને એક હુન્નર બી છે. બીજા આંકડા સાંભળશો તો કાનના મોવાળા ઊંચા થઈ જશે, સાહેબ! ‘કાલી રાની’ એ નાટ્યકાર રત્નાકર મતકરીનું 90મું નાટક, પ્રદીપ મુળ્યેનું 200મું, મંગલ કેંકરેનું 50મું, અને મશહૂર અદાકાર ડૉ. ગિરીશ ઓકનું આ 51મું નાટક છે. જે આ 11મીએ ડૉ. ગિરીશ ઓકનો એક્ટિંગનો 6666મો પ્રયોગ ગણાશે! ‘બ્લેક ક્વીન’ નાટકમાં એક રાણી છે જે માયામાં રંગીન દુનિયા પર રાજ કરવાનું સ્વપ્ન જુએ છે. બીજું પાત્ર છે, એક એવા લેખકનું જેની દરેક ફિલ્મે સિલ્વર જ્યુબિલી ઊજવી છે, અને એક અન્ય નિર્માતા છે, જે જબરદસ્ત શો મેન છે! હવે સાંભળો: આ ત્રણ પાત્રો એકબીજાનાં સપનામાં ફસાયેલાં છે! કેંકરેના છેલ્લાં કેટલાંક નાટકો થ્રિલર્સ હતાં. જેમકે ‘અ પરફેક્ટ મર્ડર’ અને ‘મહારથી.’ મારી વિજય કેંકરે સાથે પહેલી મુકાલાકાત પરેશ રાવલે કરાવેલી, ભારતીય વિદ્યાભવનના ગેસ્ટહાઉસમાં. પરેશે ચીંધેલી એક થીમ મુજબ હું એક મૌલિક નાટક લખતો હતો જે તેના મરાઠીકરણમાં કેંકરેને પણ રસ હતો. તે પછી તે પ્રોજેક્ટ કોઈ કારણે વિસરાઈ ગયો પણ કેંકરેને મારાં બીજાં નાટકોમાં રસ પડ્યો. મારું એક જાતનું થ્રિલર કહી શકાય એવું નાટક ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ તેની જટિલ કથા અને અટપટા માળખાના કારણે તે ગુજરાતીમાં તો આઠ જ શોમાં શબાસન કરીને સૂઈ ગયેલું; વિજય કેંકરેએ મરાઠીમાં ભજવ્યું, ભજવ્યું, ભજવ્યું પણ મરાઠી નાટકોની સરખામણીમાં બહુ ના ચાલ્યું. પણ કેંકરેને અઘરી સ્ક્રિપ્ટોનાં બે શીંગડાં પકડીને સામા થવામાં મજા આવે છે. એક ફ્રેન્ચ નાટ્યકાર ફ્લોરિયન ઝેલરના પાંચ ઇન્ટરકનેક્ટેડ નાટક વિજય કરવા માગે છે. નસીર શાહે તેમાંથી બે એ હિન્દીમાં કરેલાં છે; ને વિજય મરાઠીમાં બીજાં બે એકસાથે કરવા માંગે છે. કેંકરેએ તેમની કારકિર્દીની શરૂઆતમાં શેક્સપીયર, ટોમ સ્ટોપાર્ડ, લુઇજી પિરાન્દેલો, વિજય તેંડુલકર દ્વારા પણ ભજવ્યા હતા અને તેવાં જ કર્યા, કરવા માગતા હતા. પણ નાણાં રોકનારાનાં રોકાણ તો પાછા આવવા જોઈએ, તે સમજાતાં તેમને લોકપ્રિય નાટકો કરવાની જરૂર સમજાઈ. જીપી દેશપાંડે દ્વારા ‘ઢોલ તાશે’, ‘મ્યુઝિક સિસ્ટમ’ અને ‘રાસ્તે’ જેવાં કેટલાંક ઓફબીટ નાટકોનું દિગ્દર્શન કર્યું અને સત્યદેવ દુબેની ‘ઇન્શાલ્લાહ’માં અભિનય કર્યો, વિજય કહે છે કે હવે સ્ત્રી નાટ્યલેખકોની સંખ્યામાં વધારો છે. તે ઉત્સાહપ્રેરક છે. કેંકરે માને છે કે એમનું મહા સદ્્ભાગ્ય છે કે એમને એમના સમયના દિગ્ગજો શ્રીરામ લાગૂ અને અન્ય મહનાયકો સાથે કામ કરવાનો અવસર મળેલો અને બેન્દ્રે, કેકે હેબ્બર અને સાતવલેકર જેવા વિશ્વમાં નામના પ્રાપ્ત ચિત્રકારોની ઉષ્મા ઉપલબ્ધ થયેલી. તે સમય નાનાં ઓડિટોરિયમોમાં નાટક પ્રવૃત્તિ ખીલી હતી આજે મુંબઈમાં ઓડિટોરિયમના અભાવે પ્રયોગશીલ નાટક રિબાઈ રહ્યાં છે. ગગનવાલા હાલ ભારતમાં છે; અને અચાનક એમના મગજમાં કૌંધે છે કે ગુજરાતીમાં પણ સેન્ચુરી મારનારા નાટ્યવર્યો નથી એમ નથી. દિગ્ગજ નાટ્યકાર પ્રવીણ સોલંકીએ 200થી વધુ નાટકો લખ્યાં છે; અને સુરેશ રાજડાએ 170 નાટક પરિચાલિત (મીન્સ કે ડાયરાક્ટ) કરેલાં છે! બીજા પણ ડાયરેક્ટરો ગુજરાતીમાં છે જેમણે સંભવત: ત્રણ ત્રણ આંકડામાં નાટકો પરિચાલિત કીધાં હોય, દા.ત. વિપુલ મહેતા, ફિરોજ ભગત! અલબત્ત ગગનવાલા ભારતમાં હતા ત્યારે પણ કલકત્તામાં નિવસતા તેથી મુંબઈની નાટ્યપ્રવૃત્તિથી ગાફેલ હતા. આ લખાણમાં કશી ભૂલચૂક રહી ગઈ હોય તો ‘લેટગો’ કરવા વિનંતી. જય શ્રીરામ લાગૂ!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...