તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડઝો સાથે લાઇક–લાઇક રમો! ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે અને યુપીએસ નામે કંપનીમાં ઉચ્ચાસનેથી નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટૂમચ 👍લાઇક કરીએ છીએ ને ટૂમચ હાર્ટ ❤ કરીએ છીએ, કેમકે તે ‘ઇતર પ્રવૃત્તિ’ છે, પિતા ઝવેરચંદની નવકલથાઓનો અંગ્રેજી અનુવાદ! પાઠમાળાબ્રાન્ડ કર્તાકર્મક્રિયાપદ સ્ટાઇલ રૂખુંસૂકું ઇસ્ત્રીટાઇટ અંગ્રેજી નહીં, પણ વિલાયતમાં જન્મેલો અંગ્રેજી માડૂ સડસડાટ વાંચી શકે તેવું ડિક્શન! વેવિશાળનું અંગ્રેજી શું? બિટ્રોથલ? ફિયાન્સ–ફિયાન્સી? એન્ગેજમેન્ટ? નહીં, ‘ધ પ્રોમિસ્ડ હેન્ડ!’
આ બધું તમને શા માટે કહીએ છીએ? એટલા માટે કે ટિહુ ટિહુ અમારું મન મોર બની ટહુકાર કરે છે, મનમાં ને મનમાં અમે સ્વર્ગે ચડીને નર્મદ ને પ્રેમાનંદ ને મુનશી ને જોષી સાથે રાસડા લઈએ છીએ, મિસ્તર! કે ગયા મહિને તે પ્રોમિસ્ડ હેન્ડના રશિયન ને મેન્ડરીન ચાઇનીઝ ભાષાઓમાં પણ અનુવાદ પ્રગટ થયા છે. રશિયન! અને ચાઇનીઝ!
શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો Shanghai Cooperation Organizationની 2020ની ભારતમાં યોજાયેલી શિખર પરિષદ નિમિત્તે રશિયન અને મેન્ડરીન ચીની ભાષામાં પ્રગટ કરવા ભારત સરકારે દસ પુસ્તકો પસંદ કર્યાં એમાં ગુજરાતી નવલકથા ‘વેવિશાળ’ સ્થાન પામી! ગુજરાતી નવલકથા વેવિશાળ! વાયા ઇંગ્લિશ ટ્રાન્સલેશન ‘The Promised Hand’ બાય અશોકકુમાર! એક ઇન્ડિયન તરીકે, ગુજરાતી તરીકે, અમેરિકન ભારતીય તરીકે, ગુજરાતી રાઇટર તરીકે અમે ગગનવાલા ચાંદ ઉપર ચડીને ડાન્સ કરવા માગીએ અને કોઈ રશિયન કુમારિકા ભેરા યુનો રોમાન્સ કરવા માગીએ છીએ, લ્યુબ્લ્યુ તેબ્યા! દાસવેદાનિયા! અમારે તે ઘટના સાથે સીધો સંબંધ કશો નથી તોય આટલા ફુલાઈએ છીએ ને સામે સંકોચશીલ અશોકકુમાર પોતાની હન્ડ્રેડ પર્સેન્ટ ક્રેટિડ અલબત્ત પિતાને, તે અનુવાદો કરાવનાર અને પ્રકાશિત કરનાર દિલ્હીની સાહિત્ય અકાદમીને આપે છે. તેમ જ ખુદ સાહિત્ય અકાદમીમાં અશોકકુમારના પ્રોમિસ્ડ હેન્ડને અકાદમી પાસે પ્રસ્તુત કરવાનો યશ અમારા વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન સિતાંશુ યશશ્ચન્દ્રને આપે છે.‘વેવિશાળ’ એક સાપ્તાહિકમાં 1938માં કટકે કટકે લખાયેલી ને 1939માં પુસ્તકાકારે પ્રકાશન પામેલી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડામાં રહેતાં બે વણિક કુટુંબો એમનાં બાળવયનાં સંતાનો સુશીલા અને સુખલાલનું વેવિશાળ કરે છે. સુશીલાનું કુટુંબ ધંધાર્થે મુંબઈ જઈને શ્રીમંત બને છે અને એમાંથી ઊભી થયેલી અ–સમાન પરિસ્થિતિને લઈને આ સંબંધમાંથી મુક્તિ ઇચ્છે છે. એ સંઘર્ષ આ વાર્તાનો મુખ્ય દોર છે.
અશોક મેઘાણીએ (જન્મ 1943) અમેરિકાની યુનિ. ઓફ કેલિફોર્નીઆ, બર્કલીમાંથી એમએસની ડિગ્રી લઈને વિધવિધ કંપનીઓમાં કામગીરી બજાવી, પણ સાહિત્યપ્રીતિના કારણે ફક્ત 52 વર્ષની વયે યુપીએસમાંથી નિવૃત્તિ લઈ ગુજરાતી પુસ્તકોના અંગ્રેજી અનુવાદ કરવાની મનોહર પ્રવૃત્તિ હાથ પર લીધી. એમણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સંત દેવીદાસ તેમ જ અન્ય પુસ્તકોનો અને કાકા કાલેલકરના હિમાલયનો પ્રવાસના અંગ્રજી અનુવાદ પ્રકટ કર્યા છે. હાલ કાજલ ઓઝા વૈદ્ય લિખિ ‘દ્રૌપદી’નો અંગ્રેજી અનુવાદ તથા રાજમોહન ગાંધીના ‘Prince of Gujarat’નો ગુજરાતી અનુવાદ ‘એક અનોખો રાજવી’ પ્રકાશનમાં છે.
અંગ્રેજી ‘The Promised Hand’ની પહેલી આવૃત્તિ 2002માં બહાર પડેલી. રશિયન (અનુ. કુલદીપ ધીંગરા) અને ચીની (અનુ. લિઉ જિનસ્યુ) અનુવાદોની સાથે 2020માં સાહિત્ય અકાદમીએ ‘The Promised Hand’ની પણ નવી આવૃત્તિ પ્રગટ છે. અને હલો! આ પહેલાં ‘વેવિશાળ’નો ફ્રેંચમાં પણ અનુવાદ થઈ ચૂક્યો છે: Fiançailles (અનુ. મોઇઝ રસીવાલા). ગગનવાલાને પોતાને એવી કોઈ મોટાઈ નથી, પણ કોઈ સુપુત્ર ન હોવાથી એમણે પોતે પોતાની એક નવલકથાનો ઇંગ્લિસ્તાનીમાં અનુવાદ કરેલો છે, જેની ટીવી સીરિયલ બી ઊતરી છે ને ફિલ્મ બી બની છે. કાલે સવારે કોને ખબર માઇ વેરી ગુડ ફ્રેન્ડની લાગવગથી યુનો, અમારી બી લ્યુબ્લ્યુ તેબ્યા બને! madhu.thaker@gmail.com
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.