સાંઈ-ફાઈ:વંદે ગુજરાત

20 દિવસ પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક
  • ફરવા જઇએ ત્યાં ગુજરાતી થાળી શોધી કાઢીએ છીએ, પણ વિશ્વની દરેક પ્રજાની જીભ પર રીંગણાનો ઓળો પહોંચાડવામાં આપણે ઉત્સાહી નથી. આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી થાળી અને ગુજરાતીપણાને સાચવીશું ત્યારે ખરા અર્થમાં ગુજરાતનો સ્થાપના દિવસ આપણા વડવાઓ સ્વર્ગમાં ઊજવશે

ગુજરાત અને ગુજરાતીપણું એક સિક્કાની બે બાજુ છે. આપણાં લોહીમાં શ્વેતકણો, રક્તકણો અને ‘બિઝનેસકણો’ નેચરલી વહે છે. રૂપિયા કમાવા એ આપણો શોખ નહીં, પરંતુ સ્વભાવ છે. તો વળી, કોઈ પણ ભોગે રૂપિયા કમાવા એ આપણી મજબૂરી પણ છે. જગત આખું ગુજરાતીઓને વેપારી પ્રજા તરીકે જાણે છે અને સન્માને છે. આ વાત જેટલી સારી લાગે છે એટલી ઘાતક પણ લાગે છે. આપણી વેપારીવૃત્તિની પ્રસિદ્ધિમાં આપણી કેટલીય અદ્્ભુત પ્રવૃત્તિઓ ઢંકાઈ ગઈ છે જેનો મને રંજ છે. એક ગુજરાતી તરીકે જ્યારે એક્સ-રેવાળા અરીસા સામે તટસ્થ રીતે ઊભા રહો તો એમાં ગુજરાતી પ્રજાની ટેવો-કુટેવો-સંસ્કારો ને દૂષણો નખશિખ દેખાય. કવિ ન્હાનાલાલે જેને ‘ગુણિયલ ગુર્જરી’ કહી હશે ત્યારે કવિને આ પ્રજામાં કયા ગુણોના દર્શન થયા હશે? તો નર્મદા યોજનાની બ્લ્યૂ પ્રિન્ટ પણ નહોતી બની ત્યારે સુરતના કવિ નર્મદે ભવિષ્ય ભાખ્યું હતું કે, ‘જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત!’ આ તે કેવું આશ્ચર્ય? કવિને અમથો કાંઈ આર્ષદૃષ્ટા કહ્યો છે. પરંતુ આ પ્રજા સર્જકોને સીરીયસલી લેવામાં કદાચ ક્યાંક ઉણે ઉતરી છે. ઝવેરચંદ મેઘાણીનું ‘મોર બની થનગાટ કરે’ વાયા બોલિવૂડ થઈને આવે ત્યારે આશ્ચર્ય સાથે સ્વીકારીએ. પરંતુ ‘સૌરાષ્ટ્રની રસધાર’ પર કોઈ બોલિવૂડ કે હોલિવૂડવાળા ફિલ્મ બનાવે તેની પહેલ પણ નથી કરતા. (ઢગલાબંધ ફિલ્મના પ્રોડ્યુસર્સ ગુજરાતી હોવા છતાંય...!) કવિ ખબરદારે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ લખ્યું હશે ત્યારે વિશ્વના ખૂણે ખૂણે વસનારો ગુજરાતી ખીચડી-કઢી-બાજરાનો રોટલો ને ઓળો વિદેશમાં પણ રાંધતો હશે. પરંતુ 2022માં આ કવિતા ગુજરાતમાં પણ પ્રશ્નાર્થ ઊભા કરે છે, કારણ કે સુધરેલા ગુજરાતીઓ તો અઠવાડિયામાં બે વાર પંજાબી, બે વાર ચાઈનીઝ અને મહિનામાં એકાદ વાર મેક્સિકન અને થાઈ ફૂડ માટે તલપાપડ છે.

ગુજરાતી થાળીનો મોહ યુવાનોને જ નથી રહ્યો તો 2034માં ખબરદારની કવિતા સાર્થક રહેશે ખરાં? સૌએ વિચારવું જ રહ્યું! આપણે ફરવા જઇએ ત્યાં ગુજરાતી થાળી અવશ્ય શોધી કાઢીએ છીએ, પરંતુ વિશ્વની દરેક પ્રજાની જીભ પર રીંગણાનો ઓળો પહોંચાડવામાં આપણે ક્યાંક ઉત્સાહી નથી. વિદેશી કોલ્ડ્રિંક્સની સામે આપણે કદાચ આક્રમકતાથી છાશને રજૂ જ નથી કરી એટલે કદાચ છાશની જગ્યા અન્ય બોટલોએ પચાવી પાડી.

કવિ ઉમાશંકર જોશી લખે છે કે ‘મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે!’ અહીં કવિએ મોંઘેરી શબ્દ કાંઈ જમીન-મકાનના મોંઘાદાટ ભાવના સંદર્ભે નથી જ વાપર્યો. ગુજરાતની ભૂમિ મહામૂલી છે. સમગ્ર એશિયા ખંડમાં આશરે 900 વર્ષો પહેલાં જે ધરતી ઉપર ગુજરાતી ભાષાનો વ્યાકરણ ગ્રંથ રચાય. તો વળી એ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ ગ્રંથની હાથીની અંબાડી પર યાત્રા નીકળે. એક ગ્રંથને આટલું સન્માન ભાગ્યે જ ભારતની કોઈ પ્રજાએ આપ્યું હશે. અણહિલપુર પાટણના એ મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહ અને જૈન મુનિ હેમચંદ્રાચાર્યજીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. ગુજરાત સત્તામાં ન હોય તો પણ મહત્તામાં તો હોય જ છે. ગુજરાત હિન્દુસ્તાનના ધગધગતા ધબકારાનું નામ છે. સફળતા અને શાંતિના ફુવારાનું નામ છે. દુનિયાભરના દરિયાની ગાંડીતૂર હોડીઓ માટે કિનારાનું નામ છે. ગુજરાત એક અખંડ-અજોડ અને અણનમ પડકારાનું નામ છે. પ્રગતિનાં અવિરત વહેતાં ઝરણાંનું નામ છે. ગુજરાતનો આશરા ધરમ ઇન્ટરનેશનલ કક્ષા સુધી વિસ્તરેલો છે. આ પ્રજાને મહેમાનોનું રીતસર વ્યસન છે. હજુ પણ કચ્છ-કાઠિયાવાડના ઘરોમાં માત્ર મહેમાન માટે સાચવેલા નવા નક્કોર ઓછાડ-ગોદડા કે વાસણ જોવા મળે છે.

વિદેશથી દુભાયેલા પારસીઓને ગુજરાત પ્રેમથી સ્વીકારે છે. તો બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડનાં બાળકો અને સ્ત્રીઓથી ભરેલા જહાજને જામનગરના રાજવી દિગ્વિજયસિંહ હિંમતભેર આશરો આપે છે. ભગવાન જો મહેમાન બને તો દીકરો ખાંડીને ખવડાવતા અહીં ગુજરાતી દંપતી થડકતા નથી. તો અત્યારે પણ કેટલાંય રાજ્યોની પ્રજા ગુજરાતમાં વેપાર-ધંધા અર્થે વસે છે અને સલામતીથી શ્વસે છે. ગુજરાતી પ્રજા ઓરિસ્સા અને યુ.પી.-બિહારના કડિયાઓએ બનાવેલાં ઘરોમાં રહે છે. રાજસ્થાનીઓએ ઘસેલી લાદી ઉપર તેઓ ઊભા રહે છે. પંજાબીઓની ગુજરાતમાં બનાવેલી હોટલો પર નેપાળી વેઈટરોના હાથનું જમે છે. પોતાના મોંઘાદાટ બંગલા પાંચ હજારના પગારદાર ગોરખાને ચોકીદારી સોંપીને સૂઈ જાય છે. બંગાળીની બનાવેલ બંગડી વટ્ટથી પહેરે છે. સાઉથના કલેક્ટર કે કમિશનરનું પૂરું સન્માન જાળવે છે. ગુજરાતી ફિલ્મો કરતાં આ પ્રજા સાઉથની મૂવીને વધુ પસંદ કરે છે. મુંબઈના મરાઠીઓ સાથે વેપાર કરે છે અથવા ‘ભાઈ’ને હપ્તો ધરે છે. આ પ્રજા દિલ્હી સુધી ઓળખાણ ધરાવે છે. તો વળી, જે લોકો ગુજરાતમાં નથી વસ્યાં એ રાજ્યમાં આ પ્રજા પ્રવાસ ખેડી તેના લોકોને રોજીરોટીમાં મદદગાર થાય છે. મારી આંખોથી નિહાળો તો સમગ્ર ભારતને હૈયામાં લઈને ગુજરાતી જીવે છે. પોતાના દેશના તમામ બાંધવો માટે આ પ્રજા સદ્દભાવ રાખે છે. અહિંસા ગુજરાતીનું આઈ.ડી. કાર્ડ છે. ભલે તેણે ‘સત્યના પ્રયોગો’ આત્મકથા વાંચી નહી હોય તેમ છતાં ગાંધીબાપુને ક્ષણે ક્ષણે આ પ્રજા જીવાડે છે. એક સમયે વડાપ્રધાનની આંખમાં આંખ નાખીને સોમનાથ મંદિરનો એક ગુજરાતીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એ ગુજરાતી લોખંડી પુરુષની આસ્થા કેવી ફૌલાદી હતી! જેની ખબર તો હજુ કેટલાયને નથી પડી. દેશ-વિદેશમાં મંદિરો બાંધવા-બંધાવવા અને ચલાવવા એ ગુજરાતીઓનો સિદ્ધહસ્ત સંસ્કાર છે.

સંપ્રદાયોની ભુલભુલામણીમાં ઘણીવાર પોતે જ ભૂલી પડી જાય એવી પ્રજા છે. ભૂલ અને ઠોકરમાંથી શીખતા આ પ્રજાને પરફેક્ટ ફાવે છે. (અલબત્ત, સામેવાળાની ભૂલમાંથી પણ આ પ્રજા બોધપાઠ લઈ લે છે.) ઇતિહાસ બનાવવામાં રસ હોવાથી વાંચવામાં થોડો ઓછો રસ છે. અહીં આંદોલન-જ્ઞાતિના મેળાવડા કે દાંડિયારાસમાં જામતી ભીડ લાઇબ્રેરી તરફ વળતી નથી.

ગુજરાતી પ્રજામાં શબરીએ ધીરજ વાવી છે. શ્રી કૃષ્ણએ સાહસ શીખવ્યું છે, હમીરસિંહ ગોહિલ જેવા વીરવર પુરુષોએ આ પ્રજાને વીરતાથી મરતા શીખવ્યું છે. દેવાયત બોદરે પ્રણની રક્ષા શીખવી છે. ગાંધીજીએ દૃઢ નિશ્ચય ને સરદાર પટેલે સંપ વારસામાં આપ્યો છે. સંત દેવીદાસે અને અમરમાએ જેને સેવા શીખવી છે. જોગડા ઢોલીએ જેને સમર્પણ શીખવ્યું છે. જલિયાણ જોગીએ જેને અન્નદાન શીખવ્યું છે. શ્રીમદ રાજચંદ્રએ જેને વેદાંતના પાઠ શીખવ્યા છે. સંતરામ મહારાજે જેને ભક્તિ ભેટ ધરી છે. જગડુશા અને દીપચંદ ગાર્ડીએ જેને દાતારી શીખવી છે. શ્યામજી કૃષ્ણ વર્માએ જેને દેશભક્તિ ભણાવી છે. આવા મહાન ગુજરાતીઓના વારસદાર તરીકે જન્મવું એ પણ આજના દરેક ગુજરાતી માટે ગૌરવ નથી? બસ ઉપર લખેલાં તમામ પાત્રો ઉપર બેઠાં બેઠાં આપણાં પર ગર્વ લઈ શકે એવી રીતે આપણે આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી થાળી અને ગુજરાતીપણાને સાચવીશું ત્યારે ખરા અર્થમાં ગુજરાતનો સ્થાપના દિવસ આપણા વડવાઓ સ્વર્ગમાં ઊજવશે. બાકી બધી વાતું છે હોં!! વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો. sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...