નીલે ગગન કે તલે:વૈષ્ણવજન

મધુ રાયએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમે જાગીને જોયું તો સુજ્ઞશ્રી બલવંત જાની અમને જાણે હાફુસના કરંડિયા જેવી હોન્ડા કે હુન્ડાઈ કે જે હોય તે મોટરકારમાં છુપાવી અચાનક રાજકોટથી જૂનાગઢ લઈ આવ્યા હતા! ત્યાં રૂપાયતન સંસ્થાના ધ્વજ હેઠળ કેન્દ્રીય સાહિત્ય અકાદમી આયોજિત સંત સાહિત્ય ઉત્સવમાં નરસિંહ મહેતાને કેન્દ્રમાં રાખીને વિધવિધ ભાષાઓના વિદ્વાનો તે તે ભાષાના ભક્તકવિઓની તુલનાત્મક મીમાંસા કરતા હતા અને અમે ભક્તિરસમાં તરબોળ થઈ ખોબલેખોબલે પુણ્ય કમાતા હતા. અલબત્ત વિદ્વાનો વિદ્વદ્વચન કહે તે દરમિયાન સતત એકધ્યાન થઈ ધર્મ, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મનાં સુભાષિતો આત્મસાત કરવાં અઘરાં હતાં ને અમારું ધ્યાન ભમરાની જેમ સુદામા ટોપી અને હાથમાં કરતાલ લઈ આપણી ભાષાના આદિકવિના રેખાચિત્ર ઉપર જઈ બેસતું અને મંચ ઉપર જે ચાલતું હોય તે ચાલે, પણ અમારા કાનમાં આમેઆમે વૈષ્ણવજનનું ભજન ગવાતું હતું. અને મનભ્રમર વિચરતું સાહિત્ય ને ભજન ને અફવા ને દલપતરામ વગેરે વિષયો વિશે, જેમકે અમે વર્ષો પહેલાં શ્રીરંગમાં વાંચેલું કે એક કિંવદન્તિ મુજબ વૈષ્ણવજનની ભાષા નરસિંહના સમયમાં બોલાતી પુરાણી ગુજરાતી નથી, આજના ખાડિયાની આધુનિક બોલી છે, તેથી તે ભજન નરસિંહે રચેલું નથી!! તો કોણે રચેલું છે?? આપણને સ્વાભાવિક સવાલ થાય. અમુક લોકો કહે છે કે ગાંધીજીએ તેને અપનાવી ઠેરઠેર ગવડાવી આધુનિક કરી દીધું છે. તો સામે એક પક્ષ નેણનચાવી આર્ગ્યુમેન્ટ કરે છે કે ગિરિતળેટી તેમ જ જળકમળ તે બંને ભજનોની ભાષા પણ હાલ બોલાતી આધુનિક ગુજરાતી જ છે જે સ્વાભાવિક છે કે પેઢીદરપેઢી ગવાતાંગવાતાં આધુનિક બની ગઈ છે, ને એમ વૈષ્ણવજન નરસિંહે રચેલું ભજન છે તેમાં શંકા નથી! નરસિંહના સમયના કોઈ ઐતિહાસિક દસ્તાવેજો નથી ને ઘણા દુષ્ટો તો એમ પણ કહે છે કે નરસિંહ અને એમનાં પત્ની ને કુંવરબાઈ વગેરે નામની વ્યક્તિઓ એક સમયે કદાચ હશે ખરી પણ લોકવાયકાઓએ તેમની આસપાસ રસિકકથાઓના રાફડા રચીને એમને અલૌકિક રૂપગુણ આપ્યાં છે. આપણા જેવા ઓર્ડિનરી લલ્લુને થાય કે લૌકિક હોય કે અલૌકિક, યથાર્થ હોય કે કલ્પિત, સૌથી મહત્ત્વની વાત તો છે આ ભજનો દ્વારા અપાતી સજ્જીવનની શીખ. આ અનાયાસ મળેલા સુઅવસરમાં ઘણી વાતો ઊભરી અમારા મનમાં. જેમકે અમે હિન્દી ભાષાના દારાસિંઘ હોવાના ગોટલા ફુલાવી ફરતા હતા તે અમારો ગર્વ ચૂરચૂર કરી નાખ્યો મંચ ઉપરથી બોલતા એ ગુજરાતીએ: કવિ વિનોદ જોશી! અમે કવિને પૂછ્યું કે તમે હિન્દીભાષી પ્રદેશોમાં ઊછરેલા કે? ના, કવિ કહે છે. અને અમે મનોમન કિન્નાથી કહીએ છીએ કે ફિલમોને સિરિયલો જોઈને ભૈ હિન્દી શીખ્યા હશે!! જોશીજીએ ખાલિસ હિન્દી ઉચ્ચારોમાં સંસ્કૃતપ્રચુર ઉક્તિઓથી શ્રોતાઓને મુગ્ધ કીધા!! અને નવાનવા શબ્દોના હીરાપારખુને નશો કરાવે એવો શબ્દ પણ બોલ્યા ‘અવ્યાખ્યેય.’ જેમનો પાઘડી પહેરેલો ચહેરો આપણે વારંવાર ફેસબુક ઉપર જોઈએ છીએ તે મધ્ય પ્રદેશની સાગર યુનિવર્સિટીના કુલાધિપતિ બલવંત જાની પણ ધારાપ્રવાહ હિન્દીમાં બોલ્યા. ચાન્સેલર માટે કુલાધિપતિ પર્યાય અમને યોગ્ય લાગતો નથી! કુલનાયક કે કુલપતિ વધુ શિષ્ટ લાગે છે. રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી માટે સાહિત્ય અકાદમીએ શબ્દ પ્રયોજયો છે, પ્રબંધ ન્યાસી! પહેલા ઘાએ ન સમજાય પણ સાંભળવો ગમે. રાજેશ મકવાણા, આશા ગોહિલ, નિરંજન રાજગુરુ, નાથાલાલ ગોહિલ, મનોજ રાવલ, રમેશ મહેતા ઇત્યાદિ ગુજરાતીના જાણીતા વિદ્વાનો ઉપરાંત સિંધીના નામદેવ તારાચંદાણી, સુરેશ બાવલાણી (સંધી ભક્ત કવિ સામી), મરાઠીના તાહેર પઠાણ, કોંકણી ભાષાના ભૂષણ ભાવે, પૂર્ણાનંદ ચ્યારી (કૃષ્ણદાસ શામા અને અન્ય સંત કવિઓ)એ શ્રોતાઓને તે તે ભાષાઓના ભક્તકવિઓ અને સમાજ તેમ જ સાહિત્યથી અવગત કીધા! આ પ્રસંગની ખૂબી અમને તે લાગી કે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને મંચ ઉપરથી પોતાના શોધપત્રો વાંચવાનો અવસર અપાયો. જોકે ગગનવાલા દરેક વક્તાને મુગ્ધભાવે સાંભળી શક્યા ન હોતા, કેમકે અમે ભવનાથ મહાદેવના ઘરઆંગણે તે સમયે ચાલતી ગિરનાર પર્વત ચડવા ને ઊતરવાની રાજ્યયોજિત હરીફાઈ પણ ચાલતી હતી તે જોવા પણ આતુર હતા, ને કુંડ દામોદરની આસપાસ હાથ ફેલાવી બેઠેલા ને ફરતા ને કરગરતા ને ભિક્ષા માગતા લોકોની પરાઈ પીડ પણ જોવા ઉત્સુક હતા. અહો, અશોકનો શિલાલેખ પણ અમે જોયો, અને ગરમાગરમ ગોટા ને ભજિયાં ને કાઠિયાવાડી ભોજન આરોગ્યાં ને કાગળની ટબુડીટબુડી ભરીને ચાય પીધી જેમાં ખાંડનાં કમંડળ ભરીને ગળપણ પીધાં!!! અમારાં કુળ ઇકોતેર તાર્યાં કે કેમ તેની જાણ નથી, પણ 2023ના વર્ષનો પ્રારંભ વિશેષ ઉજવણી સાથે થયો.⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...