હવામાં ગોળીબાર:વેકેશનના ‘વણ-ઉતારેલા’ વિડીયોઝ!

2 મહિનો પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક

ચાલો, વેકેશનો પતી ગયાં. સૌ પોતપોતાનાં બોરિંગ કામધંધે પણ લાગી ગયાં. સૌએ પોતપોતાની ફેસબુકમાં વેકેશનની સરસ મજાની સેલ્ફીઓ, ગ્રૂપીઓ અને જલસા કરતા હોય એવા વિડીયો અપલોડ કરીને લાઈકો અને કોમેન્ટો પણ ઉઘરાવી લીધી. પણ દર વખતે આપણે અમુક યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું ભૂલી જ જતા હોઈએ છીએ! જેમકે… - સાડા છ વાગે થનારા સનસેટને જોવા માટે પત્ની જે સાડા ચાર વાગ્યાની તૈયાર થઈ રહી હોય તેની રાહ જોઈ જોઈને કંટાળીને બગાસાં ખાતો, માથું ધુણાવતો, અકળાતો છતાં કંઈ જ બોલી ના શકતો હોય એવા પતિનો પૂરા દોઢ કલાકનો વિડીયો! - અને પછી પત્ની બહાર આવીને પૂછે કે ‘હું કેવી લાગું છું?’ એનો જવાબ આપતાં પહેલાં પતિના ચહેરા ઉપર જે મૂંઝવણના હાવભાવ ઉપસતા હોય તેનો 30 સેકન્ડનો વિડીયો. - ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પેલા દૂધ-પાઉડર, ટી-બેગ અને ઉકાળેલાં પાણી વડે બનાવેલી સાવ ફિક્કી ચ્હામાં ઘરેથી લાવેલાં થેપલાં… એરહોસ્ટેસની નજરથી બચાવીને લિજ્જતથી ખાઈ રહેલાં આપણા ગ્રેટ ગુજ્જુ અંકલો અને આન્ટીઓના 40-40 સેકન્ડના વિડીયોઝ! - દરિયામાં નહાઈને થાક્યા પછી ઢીલા કોથળા જેવા થઈને બહાર આવી રહેલા ફાંદાળા અંકલને નજીકમાંથી કોઈ સુંદર બિકીની પહેરેલી યુવતી પસાર થતી દેખાય કે તરત જે ત્વરાથી પોતાની ફાંદ સાડા છ ઈંચ પાછી ખેંચી લેતા હોય છે તેનો 10 સેકન્ડનો વિડીયો! - મોંઘી હોટલમાં જ્યાં સવારનો નાસ્તો ફ્રી હોય ત્યાં બુફે-પ્લેટમાં ત્રણ ત્રણ વાર જુદી જુદી આઈટમો ભરી ભરીને ઠાંસી ઠાંસીને ખાધા પછી પણ જે માસીઓ અને કાકીઓ સ્ટાફની નજર ચૂકવીને પ્લેટમાંથી સેન્ડવિચો, મેંદુવડાઓ, બિસ્કિટો અને કેળાંઓ સુદ્ધાં પોતાનાં પર્સમાં સરકાવી લેતાં હોય છે… તેના ‘સ્ટિંગ ઓપરેશન’ વિડીયોઝ! - મસ્ત રંગીન સાંજે હોટલના સ્વિમિંગપુલમાં નહાવાને બદલે મેનેજર સાથે ‘વ્હાય તારક મહેતા ઈઝ નોટ કમિંગ પ્રોપરલી ઈન અવર રૂમ?’ એવી કચકચ કરી રહેલા અંકલનો દોઢ મિનિટનો વિડીયો! - નખી તળાવમાં હોંશે હોંશે જાતે ચલાવવાની પેડલ બોટ લઈને નીકળેલું કપલ અધવચ્ચે અટકી ગયું હોય અને બિચારો પતિ પેડલ મારતાં મારતાં ફેં…ફેં… થઈ ગયો હોય તેનો 4.5 મિનિટનો વિડીયો! - મોંઘી રેસ્ટોરન્ટમાં ખાધા પછી વધેલી આઈટમોને પેક કરાવીને લાવ્યા પછી બીજા દિવસે લંચ-ટાઈમમાં ત્રણેય રૂમના ફેમિલીઓ એક રૂમમાં ભેગા થયાં હોય ત્યારે ઘરેથી લાવેલી પેપરડિશો કાઢીને ઘરનાં થેપલાં સાથે બધું શી રીતે ‘પતાવવું’ તેની ચર્ચામાં તથા તેની ‘વહેંચણી’માં મહિલાઓ જે પૂરેપૂરી વ્યસ્ત હોય તેનો દસ મિનિટ લાંબો કલબલાટભર્યો વિડીયો! * * * - અને ગુજરાતી બહારની હોટલમાં પણ… ડરતાં, ગભરાતાં અને જેમ જેમ મહેફિલ આગળ વધે તેમ તેમ મોટા અવાજે ‘ફલાણી જગ્યાએ પીધેલું ત્યારે કેવી મજા આવેલી, રાજ્જા…’ અને ‘બોસ, ઢીંકણા ટાઈપનો દારૂ શી રીતે પીવાય…’ એવી ચર્ચા કરતા ગુજરાતી ભાઈઓનો ટુકડે ટુકડે ઉતારેલો વિડીયો! * * * - છેવટે ઘરે આવ્યા પછી ‘કેટલા ખરચવા જેવા હતા… અને કેટલા ખરચાઈ ગયા… છતાં કેટલી મઝા આવી…’ તેની મનમાં ને મનમાં સરવાળા-બાદબાકી કરી રહેલા આપણા દિમાગનો લાઈવ-એક્સ-રે! (આ તો હજી મનમાં ચાલી રહ્યો હશે, નહીં?)⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...