સમયના હસ્તાક્ષર:ઉત્તર પ્રદેશનું રાજકારણ અને સત્તાકારણ…સાવ અનોખાં!

વિષ્ણુ પંડ્યા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પ્રદેશમાં અયોધ્યા રામ જન્મભૂમિનું નિર્માણ, કાશી વિશ્વનાથ મંદિર પરિસરનું નિર્માણ, કેદારનાથ પ્રકલ્પ, માફિયા ગીરોહ પર સખત પગલાં અને હવે મથુરામાં શ્રીકૃષ્ણ પરિસર માટેની તૈયારી.. આ તમામ ઘટનાઓ ભાજપની તરફેણમાં છે

ફેબ્રુઆરી મહિનાના પાંચ અને માર્ચના બે દિવસો ઉત્તર પ્રદેશની નવી સરકારનો નિર્ણય આપતું મતદાન કરશે. ટાગોરના ‘જન ગણ મન’માં ભલે ‘ઉત્તર પ્રદેશ’ જેવો શબ્દપ્રયોગ ના થયો હોય, પણ છેક 1952ની ચૂંટણીથી જ આ પ્રદેશનો દબદબો રહ્યો છે. ગોવિંદ વલ્લભ પંત, કમલાપતિ ત્રિપાઠી, પુરુષોત્તમદાસ ટંડન જેવા દિગ્ગજો અહીં પ્રજા-સેવકો તરીકે લોકપ્રિય હતા. સ્વાધીનતા પૂર્વે અલાહાબાદ એકલા નેહરુ પરિવારના આનંદ ભવનથી જ ઓળખાતું એવું નહોતું, સ-શસ્ત્ર સ્વતંત્રતાના બહાદુરોનો પણ અહીં મેળાવડો જામતો. રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ અને બીજા અનેકોએ ફાંસી અને ગોળીથી દેશ આખાને બલિદાનનો રસ્તો બતાવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ગણેશશંકર વિદ્યાર્થી અને કાશીમાં પંડિત મદનમોહન માલવીય જેવા મહાન વ્યક્તિત્વ રહ્યા. આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં કોંગ્રેસ મજબૂત રહી, તેના કાંગરા ખેરવવા માટે સમાજવાદી પક્ષે મહેનત કરી. ડો. રામ મનોહર લોહિયા તેમાં મુખ્ય હતા. જનસંઘની સ્થાપના પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલબિહારી વાજપેયીએ ઉત્તર પ્રદેશમાં પાયો નાખ્યો ત્યારે રામરાજ્ય પરિષદ અને હિંદુ મહાસભાનું પણ અસ્તિત્વ હતું. કોંગ્રેસ, જનસંઘ, ક્રાંતિદળ, સમાજવાદી પક્ષ, સંયુક્ત સમાજવાદી પક્ષ, સીપીઆઇ, સીપીઆઇએમ જનતા પક્ષ, ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ, બહુજન સમાજ, આર.એલ.ડી., અપના દલ, એસ.પી., અને બીજા 60 જેટલા પક્ષો ઉત્તર પ્રદેશમાં સક્રિય રહ્યા. કેટલાક મોટા પક્ષમાંથી છૂટા થયા, નવો પક્ષ બનાવ્યો, વળી વિલીન થયા, કેટલાકે પોતાનું પાટિયું ચાલુ રાખ્યું. આજે જે સરકાર આદિત્યનાથ યોગી ચલાવે છે તેમાં 303 વિધાયકો ભાજપના છે. અપના દલનો એક અને નિષાદ પક્ષનો એક ભાજપની સાથે રહ્યો અને મંત્રીપદ મેળવ્યું. સમાજવાદી પાર્ટીના 49 વિધાયકો છે, બહુજન સમાજના 15 છે. કોંગ્રેસ સાત વિધાયકો ધરાવે છે. બીજા પરચૂરણ પાસે 10 સંખ્યા છે. કેવી મજલ રહી છે આ પ્રદેશની? 1951માં સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી. કોંગ્રેસે 388 બેઠકો મેળવી. સંપૂર્ણાનંદ, ગોવિંદ વલ્લભ પંત, કમલાપતિ ત્રિપાઠી, સુચેતા કૃપલાણી અને ચંદ્રભાનુ ગુપ્તા… આટલા મુખ્યમંત્રીઓ 1951થી 1967 સુધીમાં રહ્યા. 1967થી વાયરો બિન-કોંગ્રેસવાદનો ફૂંકાયો. જનસંઘ, ભારતીય ક્રાંતિ દળ અને સમાજવાદી વિધાયકોની બહુમતી રહી. ચરણસિંઘ કોંગ્રેસથી અલગ થઈને નવા પક્ષ સાથે આવ્યા હતા. સંયુક્ત વિધાયક દળની સરકાર બની. ચરણસિંઘ મુખ્યમંત્રી બન્યા. 1970માં આ ચરણસિંઘ શ્રીમતી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસે આપેલા ટેકાથી વળી એકવાર મુખ્યમંત્રી બન્યા. કેન્દ્રમાં 1977માં આવું જ પુનરાવર્તન થયું હતું. 1973માં કોંગ્રેસના હેમવતી નંદન બહુગુણા મુખ્યમંત્રી તો બન્યા, પણ સંજય ગાંધીના વર્ચસ્વથી નારાજ થઈને 1975માં રાજીનામું આપી દીધું. 1977થી 1980 સુધી જનતા પક્ષનું શાસન રહ્યું. 1980થી 1989 દરમિયાન કોંગ્રેસના વિશ્વનાથ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા, રાજ્યમાં થયેલા હત્યાકાંડ વિશે અદાલતની આલોચનાથી રાજીનામું આપ્યું અને શ્રીપતિ મિશ્રા મુખ્યમંત્રી બન્યા. નારાયણ દત્ત તિવારી પણ આવ્યા. 1989માં મુલાયમ સિંહનો સિતારો ઝબકયો, ભાજપે બહારથી ટેકો આપ્યો. 1991માં રામ મંદિર પરિબળ ધસમસતું આવ્યું, 1991માં 221 સાથે ભાજપ જીત્યો, કલ્યાણ સિંઘ મુખ્યમંત્રી બન્યા. બાબરી ઢાંચો રામ-સમર્થકોએ ધરાશાયી કર્યો, 1997માં વળી પાછા તે મુખ્યમંત્રી બન્યા. 1993માં માયાવતીનો રાજકીય ઉદય થયો. 1993માં મુલાયમ-માયાવતી સમજૂતી થઈ, પણ ચાલી નહીં. ભાજપના ટેકથી માયાવતી મુખ્યમંત્રી બન્યાં. ઉઠાપટકના ખેલ જેટલા ઉત્તર પ્રદેશે જોયા છે એટલા બીજે ભાગ્યે જ થયા હશે. રાજ્યપાલ રોમેશ ભંડારીએ પણ ખતરનાક નિર્ણયો લીધા. નવાં બે જૂથ જનતાંત્રિક બીએસપી, લોકતાંત્રિક કોંગ્રેસ ઊભાં થયાં. ભાજપને સત્તા મળી શકે તેમ હતી, પણ રાજ્યપાલ આડા આવ્યા. 1999માં કલ્યાણ સિંઘ પછી રાજનાથ સિંઘ આવ્યા. મુલાયમનો ફરી રાજકીય પ્રભાવ વધ્યો. માયાવતી તો 1991માં એકલાં શાસન કરે તે રીતે સ્થાપિત થયાં. 2007થી 2012માં તેનો દબદબો રહ્યો. અખિલેશને પિતા રાજકારણમાં લાવ્યા અને અખિલેશે પિતાને જ લગભગ નિવૃત્ત કરી દીધા. આજે બે પૂર્વ મુખ્યમંત્રીઓની રાજકીય હાલત દયાજનક છે, જેલવાસી લાલુપ્રસાદ અને મુલાયમસિંઘ. 2017માં ભાજપ 312 બેઠકો સાથે ભારે વિજય પ્રાપ્ત કરે છે અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને છે. 1951થી કોઈ રાજ્યમાં યોગી સાધુ મુખ્યમંત્રી બને તેવી આ પ્રથમ ઘટના છે. ગોરખપુરની ગોરક્ષ પીઠના તે ગાદીપતિ છે. લોકસભામાં ચૂંટાયા ત્યારે ભાજપે તેમને વિધાનસભામાં ભાવિ મુખ્યમંત્રી તરીકે નક્કી કર્યા અને તેમણે તેમાં સફળતા મેળવી. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા રામ જન્મભૂમિનું નિર્માણ, કાશી વિશ્વનાથ મંદિર પરિસરનું ભવ્ય નિર્માણ, કેદારનાથ પ્રકલ્પ, માફિયા ગીરોહ પર સખત પગલાં...અને હવે મથુરામાં શ્રીકૃષ્ણ પરિસર માટેની તૈયારી.. આ તમામ ઘટનાઓ તેમની તરફેણમાં છે. વડાપ્રધાન મોદીના સૌથી વધુ પ્રવાસો આ રાજ્યમાં થયા છે. કોંગ્રેસે પોતાના પુનરુત્થાન માટે પ્રયત્નો શરૂ કરીને તે કામ પ્રિયંકા ગાંધીને સોંપ્યું છે. અખિલેશ નાના પક્ષોને એકજૂટ કરીને શક્તિ બતાવવા માગે છે. બધાનો મદાર એન્ટિ ઇન્કમબન્સી પર છે, પણ પ્રજાકીય ભાવનાઓનું વાવાઝોડું બીજા સવાલોને ગૌણ કરી મૂકતું હોય છે. ‘કિસાન આંદોલન’ અહીં કોઈ મોટો પ્રભાવ બતાવી શક્યું નથી. ઓવૈસીને લાગે છે કે મુસ્લિમ મત અંકે કરવાનો આ મોકો છે. અખિલેશે પણ જાતિવાદના ગણિતમાં મુસ્લિમ પક્ષનો સમાવેશ કર્યો નથી. માયાવતીનું સોશિયલ એન્જિનિયરિંગ બ્રાહ્મણ મત માટે સક્રિય થયું છે. હવે તેનો નારો તિલક સામેનો નહીં હોય! યુપીએ દેશને માતબર વડાપ્રધાનો આપ્યા છે, નેહરુથી નરેન્દ્ર મોદી. 2022ની વિધાનસભા ચૂંટણી એ રીતે પણ ભારે રસપ્રદ અને નિર્ણાયક બનવાની છે.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...