તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફબીટ:અનગાંઠેબલ ગુજરાતી...

અંકિત ત્રિવેદી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બધું ભેગું કરીને બોલવામાં વટ વધારે પડે છે એવું માની લેવાની ફેશન નથી, પણ ટ્રેન્ડ છે

એકચ્યુલી મારે ટ્રાય કરવું હતું એટલે મેં બીન્સનું શાક બનાવ્યું. તું ઈટ કરી લે. તારે બધાં સાથે ટોક કરવાની, મિસ્ટેક ભલે થાય એમાંથી જ લર્ન કરવા મળે, તારો પિલો જુદો જ રાખવાનો, ટીથ ક્લીન નથી કર્યા? બહારથી આવીને પહેલાં હેન્ડ વોશ કરવાનાં જ, શાવર સરખો લેજે, સાંજે બધાં કિડ્ઝને ગાર્ડનમાં લઈ જઈશ, ગરબાના ડાન્સમાં વાંધો નહી આવે ને!, પપ્પા ઓફિસેથી બેક થાય એમને પૂછીશું, બહુ રન કરતો નહીં, વચ્ચે વચ્ચે વોટર ડ્રિંક કરજે. પ્રોપર ચોખ્ખું બોલવાનું, મોટી થઈશ પછી સાડી વેર કરતાં શીખવાડીશ. ટાઈમની કદર કરો, બધાંમાં ગૂગલ સર્ચ નહીં કરવાનું થોડું દિમાગથી સોચવાનું. ધોબીને કપડાં સબમિટ કર્યાં? આજની કિટીમાં ગુજરાતી લેંગ્વેજ પર બોલવાનું છે. બધી લેડિઝ કોઈ પણ લેંગ્વેજમાં ટોક કરે પણ હું ગુજરાતી લેંગ્વેજમાં જ સ્પીક કરીશ. યુ નો? એનાથી મધરહૂડ બર્થ થાય. મમ્મીઓ ગુજરાતી ભાષામાં બહુ મીઠ્ઠું મીઠ્ઠું મીઠું ઊમેરે છે. સ્વાદમાં ખારાશ અને મીઠાશ સરખી રાખે છે. છોકરાઓ પણ પ્રતિઘોષ આપે છે. પ્લે કરતો હતો, ત્યારે વાગેલું, મોડા દસ બજે ઊઠા, આન્સર તો આપવો જ પડશે. સાંકડા રસ્તા પર આમ લેગ ઉપાડીને ચાલવાનું, મમ્મી બધું જ યમ્મી બનાવે છે. તને ડાઉનલોડ નથી આવડતું, અલા! રડને કા નહીં, એક જગ્યાએ સીટ કરીને શાંતિથી ખાના ખા લે, તમે દરેક વાતમાં બહુ અજનબી બોલો છો, આજે ઘુમવા લઈ જશો?, સચ્ચીને કહું છું આજે ખૂબ ભણ્યો, ઘરમાં બોર થઈ જવાય છે. ટેન્શન કો ગોલી મારો યાર, આજે આપણા ઘરે મારા ફેન્ડ્સ સાથે નાઈટ આઉટ છે. તમે ચેનલનો વોઈસ લો રાખજો. બાળકો અને માતાઓનો સંવાદ સાવ અનોખો છે. એક જેને ગુજરાતી મીડિયમમાં ભણ્યાનું સ્વાભિમાન છે, પણ સંતાનો ઈંગ્લિશ મીડિયમમાં છે એટલે ઘરમાં પણ અંગ્રેજી-ગુજરાતી સંમિશ્રિત ભાષા બોલે છે. બીજા, જેમનાં સંતાનોને ગુજરાતી શીખવાની તાલાવેલી છે, પણ માતા-પિતા શાઉટ કરે છે. છોકરાની આંખોમાં વિસ્મય છે, ત્યારે માતા-પિતાના ડોળામાં ઈગરનેસ ઘૂસેલી છે. ગુજરાતી સોંગ‘ઈંધણા વીણવા ગઈ’તી’નું ગુજરાતી બાળકો પૂછે છે અને ઈંધણાનો અર્થ ક્યાંય મળતો નથી. ઈંધણા અને ઈદડામાં ફેર છે. ઈદડા ખાવાની વાનગી છે – એવું ઘણી મમ્મીઓને માલૂમ નથી. ઘરમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજીનું ગેટ ટુ-ગેધર છે. બધું ભેગું કરીને બોલવામાં વટ વધારે પડે છે એવું માની લેવાની ફેશન નથી, પણ ટ્રેન્ડ છે. વેઈટ, એટલીસ્ટ, રેગ્યુલર, રુટિન, રીલેક્સ બધાં શબ્દો ગુજરાતી બની ગયા છે. મમ્મી-પપ્પા ક્યારેક દંતકથા કહે તો દંતકથા શબ્દમાં લોચો પડે છે. દરેકના ઘરમાં આવું ગેટ ટુ-ગેધર છે અને બધાંને ત્યાં હોય એટલે આપણે ત્યાં હોવું જ જોઈએ! ઓનલાઈન ભણતાં બાળકોને આપણે જોયાં છે, પણ ઓનલાઈન ભણાવતા શિક્ષકોની વ્યથા કોને કહેવી? ભાષા શબ્દકોશમાં ઓક્સિજન ઝંખે છે. જવાબદારી કોઈની નથી અને રીસ્પોન્સિબિલિટી ટીચર્સની જ છે! કેમ સમજાવવું કે સ્કૂલમાં તો બાળક પાંચ કલાક હોય છે બાકી એ ઘરમાં રહે છે. સમજાવવું શબ્દ જ અનગાંઠેબલ છે. ⬛ ઓન ધ બીટ્સ થાય, આવું પણ થાય, કોયલ જ્યારે ચૂપ રહે ત્યારે, કાગડાઓ પણ ગાય. -સુરેશ દલાલ

અન્ય સમાચારો પણ છે...