અજવાળાનો ઓટોગ્રાફ:જાતને સમજવી છે? તો સર્જન કરો

ડૉ. નિમિત્ત ઓઝા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે, ત્યારે એ સર્જન તરફ વળે છે. સર્જન-પ્રક્રિયા એ બીજું કશું જ નથી, પણ જાત સાથેની એક રોમેન્ટિક ડેટ છે

પ્રિય ફિલોસોફર જે. કૃષ્ણમૂર્તિએ લખેલા એક અદ્્ભુત અને ચિંતનાત્મક માસ્ટર-પીસથી વાતની શરૂઆત કરીએ. ‘ધારો કે તમે કોઈ પુસ્તકો વાંચેલાં નથી. ન તો ધર્મનાં, ન તો મનોવિજ્ઞાનનાં. અને છતાં તમારે જીવનનો અર્થ શોધવો છે. તમારા અસ્તિત્વનું મહત્ત્વ જાણવું છે. તો શું કરશો? ધારો કે તમારી આસપાસ કોઈ ગુરુ, ધાર્મિક સંસ્થા કે સંપ્રદાય નથી. કોઈ બુદ્ધ, કૃષ્ણ કે ક્રાઈસ્ટ નથી. તમારે એકડે એકથી શરૂઆત કરવાની છે. કઈ રીતે કરશો? સૌથી પહેલાં તમારે પોતાની જાતને સમજવી પડશે. તમારા પોતાના વિચારો અને વિચારવાની પદ્ધતિને સમજવી પડશે. સ્વની ખોજમાં નીકળેલા આપણાં સૌ માટે, એ જ એકમાત્ર રસ્તો છે.’ સાવ સહજતાથી કહેવાઈ ગયેલી આ ગહન ફિલોસોફી, આપણાં દરેકનાં બંધ અંતર-દ્વાર પર ટકોરા મારે છે. આ એક એવી ‘ડૉર-બેલ’ છે, જે અંત:કરણના દરવાજા ખોલવા માટે ક્યારેક જ વાગે છે. જગત વિશે જાણતા પહેલાં, જાતને સમજવી જરૂરી છે. તો પ્રશ્ન એ છે કે આ અસ્તિત્વના ઊંડાણમાં કઈ રીતે ઊતરવું? હકીકત એ છે કે આપણે સૌ બ્રહ્માંડે કરેલું સર્જન છીએ. આ જગતનો સર્જનહાર, આપણાં દ્વારા આ જગતને વિવિધ રીતે અનુભવી રહ્યો છે. અલ્ટિમેટલી, આપણે કોણ છીએ? એવો સવાલ જો કોઈ પૂછે, તો એનો સરળ અને ટૂંકો જવાબ છે ‘સર્જન’. આપણે કોઈ અદૃશ્ય અને રહસ્યમય ઊર્જા દ્વારા થયેલું સર્જન છીએ. આપણાં અસ્તિત્વ અને અનુભવો થકી, સર્જનહાર પોતાના વિશે તાગ મેળવવાનો પ્રયત્ન કરે છે. એના દ્વારા થયેલું સર્જન, એ સર્જકના મન સુધી પહોંચવાનો સિક્રેટ રસ્તો છે. આ સૃષ્ટિનો સર્જનહાર એટલું તો જાણે છે કે આ જગતને ભિન્ન ભિન્ન રીતે પરખવા માટે, ભિન્ન ભિન્ન સજીવોનું સર્જન જરૂરી છે. ટૂંકમાં, એના સર્જન કહેવાતાં આપણે સૌ એની ઇન્દ્રિયો છીએ. આપણાં દ્વારા, આ સૃષ્ટિનો સર્જક પોતાની જાત અને જગતને અનુભવી રહ્યો છે. જો આ જગતના ક્રિએટરને જાત વિશે જાણવાની ઈચ્છા જ ન થઈ હોત, તો કદાચ આ જીવ-સૃષ્ટિનું સર્જન જ ન થયું હોત. સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે, ત્યારે એ સર્જન તરફ વળે છે. આ નિયમ આપણને પણ એટલો જ લાગુ પડે છે. સર્જનાત્મકતા આપણને ‘સેન્સ ઓફ સેલ્ફ’ બક્ષે છે. શુષ્ક, બોરિંગ અને નીરસ લાગતી માટીમાંથી બનેલાં આપણી અંદર કેટલી બધી અનુભૂતિ અને અભિવ્યક્તિ રહેલી છે, એનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણી અંદરથી કશુંક અવતરે છે. એ પુસ્તક હોય કે જીવ, વિચાર હોય કે કથા, સાહિત્ય હોય કે કલા, આપણી અંદર કશુંક પાંગરી રહ્યું છે એ પ્રતીતિ જ આપણને સ્વમાન બક્ષે છે. સ્વની નજીક લઈ જાય છે. આપણે કરેલાં પ્રત્યેક સર્જન પછી, આપણે પોતાની જાતને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. સર્જન-પ્રક્રિયા એ બીજું કશું જ નથી, પણ જાત સાથેની એક રોમેન્ટિક ડેટ છે. અહીં સર્જનનો અર્થ, ફક્ત કોઈ પરંપરાગત કલામાં થયેલું સર્જન જ નથી. એ સર્જન કોઈ પણ હોઈ શકે. જરૂરી નથી કે એ સર્જન કોઈ ચિત્ર, નૃત્ય કે પુસ્તકના સ્વરૂપમાં જ હોય. કોઈ મનગમતી કે નવી વાનગી બનાવવી, એ પણ એક પ્રકારનું સર્જન જ છે. ખેતી કરવી, કોઈ છોડ ઉછેરવો, કોઈ ધૂન કમ્પોઝ કરવી કે પછી ફળિયામાં એક નાનકડી રંગોળી કરવી. સાવ સામાન્ય લાગતા કાપડના ટુકડાને સિલાઈ મશીન દ્વારા કોઈ આકર્ષક પોશાકમાં બદલી નાખવું, એ પણ એક સર્જન જ છે. કોઈ બિઝનેસ પ્રોડક્ટના નિર્માણ દ્વારા લોકોની જિંદગી બદલવાનું કામ આદરવું, એ પણ સર્જન જ છે. ટૂંકમાં, આજ સુધી જે નહોતું, એને અસ્તિત્વમાં લાવવાનું કામ જે કરે છે એ સર્જક છે. અને સર્જક જ્યારે કશુંક નવું અસ્તિત્વમાં લાવે છે, ત્યારે હંમેશાં એ પોતાના અસ્તિત્વની વધુ નજીક પહોંચે છે. એની જાત અને જીવન વિશેની સમજણ વધુ સ્પષ્ટ, અર્થસભર અને ગહન થતી જાય છે. કોઈ પણ સ્વરૂપમાં થયેલું સર્જન, એ સર્જકની આગવી અને અનન્ય અભિવ્યક્તિ છે અને અભિવ્યક્તિ જ સર્જકને સ્વની ઓળખ કરાવે છે. આપણી અંદર સંતાઈને બેઠેલી જાતને બહાર લાવવાનો એકમાત્ર રસ્તો સર્જન છે. સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા જ આપણી જાત અનાવૃત થતી હોય છે. આપણી અંદર રહેલો એક એવો જણ બહાર આવે છે, જેને આપણે પહેલાં ક્યારેય મળ્યા જ નથી હોતા. આપણી થોટ-પ્રોસેસ કે સબ-કોન્શિયસ માઈન્ડ સુધી પહોંચવાનો એક ખાનગી રસ્તો એટલે આપણાં દ્વારા થયેલું સર્જન. કશુંક નિર્માણ કરવા માટે થતાં દરેક પ્રયત્નો અને પ્રક્રિયા આપણી જાણ બહાર આપણું શુદ્ધિકરણ કરતા હોય છે. એ સૂક્ષ્મ હોય કે વિરાટ, મહત્ત્વનું હોય કે ગૌણ, આપણાં દ્વારા થતાં દરેક સર્જન સાથે આપણી જાત વધુ પરિપક્વ અને આત્મવાન બનતી જાય છે. કોઈ પણ સ્વરૂપમાં થયેલું સર્જન, એ આપણી અંદર રહેલી અદૃશ્ય ઊર્જાની દૃશ્યમાન અભિવ્યક્તિ છે. એને આપણે વૈશ્વિક ચેતના કહીએ કે કુદરત, પણ હકીકત એ છે કે ઈશ્વરીય ઊર્જા જ્યારે પોતાની હાજરી પુરાવે છે ત્યારે સર્જન થતું હોય છે. આપણાં દ્વારા થતું સર્જન, આપણને આપણા સર્જક સુધી પહોંચવાની તક આપે છે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...