મેંદી રંગ લાગ્યો:ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે

નીલેશ પંડ્યા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે, ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે. શીદને રૂવો છો દાદા, શું છે અમને કો’ને રે! દળ કટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે? સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણો રે! હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે! માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રે’શે રે? માથાનો અંબોડો દાદા, મોળીડામાં રે’શે રે! હાથનાં ત્રાજવાં તેજમલ અછતાં કેમ રે’શે રે? હાથનાં ત્રાજવાં દાદા, બાંયલડીમાં રે’શે રે! ચાલો મારા સાથી આપણ સોનીહાટે જઈએ રે, સોનીહાટે જઈને અસત્રી પારખીએ રે, પુરૂષ હશે તો એનાં બેરખડે મન મો’શે રે, અસત્રી હશે તો એનાં ઝૂમણલે મન મો’શે રે. સંધા સાથીડાએ ઝૂમણાં મૂલવિયાં રે, તેજમલ ઠાકોરિયાએ બેરખાં મૂલવિયાં રે. ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે, વાણી હાટે જઈને અસત્રી પારખીએ રે, પુરૂષ હશે તો એનાં પાઘડીએ મન મો’શે રે, અસત્રી હશે તો એનાં ચૂંદડીએ મન મો’શે રે. સંધા સાથીડાએ ચૂંદડી મૂલવિયું રે, તેજમલ ઠાકોરિયાએ પાઘડિયું મૂલવિયું રે. ચાલો મારા સાથી આપણ લશ્કરમાં જઈએ રે, લશ્કરમાં જઈને અસત્રી પારખીએ રે, પુરૂષ હશે તો એ સામે પગલે ધાશે રે, અસત્રી હશે તો એ પાછે પગલે ખસશે રે. તેજમલ ઠાકોરિયો સામે પગલે ધાયો રે, દળકટક વાળી તેજમલ ઘેરે પધાર્યા રે દાદે ને કાકે એને મોતીડે વધાવ્યા રે. ગુજરાતી લોકગીતોમાં દુઃખિયારી દારાઓ, વ્યથિત વહુવારુઓની સાથોસાથ મજબૂત મનની માનુનીઓ, રણમેદાને પુરુષોને પરાસ્ત કરતી રમણીઓનાં કથાગીતો પણ મળે છે. લોકસમાજનો ચકચકિત આયનો છે લોકગીત. સમાજમાં જેવું બને એવું લોકગીતમાં ગવાય. બહુધા સ્ત્રીઓ સંતાપ સહન કરતી હતી એટલે એનું બયાન કરતાં ગીતોની માત્રા વધુ છે, પણ ડણક દેતી સિંહણોની લોકકવિએ અવગણના કરી નથી, એનેય લોકગીતોમાં ત્રાડુકાવી છે. ‘ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે...’ એક વીરાંગનાની શૌર્યગાથા ગાતું લોકગીત છે. વૃદ્ધ ઠાકોરને સાત દીકરીઓ છે પણ દીકરો ન હોવાના ડંખે તેમને ત્યારે અસ્વસ્થ કરી મૂક્યા જ્યારે દુશ્મનોએ ચડાઈ કરી. પોતે હવે સામનો કરી શકવાને સમર્થ નથી. હવે પ્રજાની રક્ષા કોણ કરશે? એવો નિસાસો નાખતાં જ તેજલ નામની દીકરી વૃદ્ધ પિતાનો શૌર્યવાન પુત્ર તેજમલ ઠાકોર બનીને રણે ચડવા તૈયાર થઈ ગઈ. પિતા પૂછે છે કે બેટા! તારો અંબોડો કેમ અછતો રહેશે? તો તેજલ પાસે એનો જવાબ છે કે એ તો પાઘડીમાં ઢંકાઈ જશે, હાથે ત્રોફાવેલાં ત્રાજવાં ઉપર પહેરણની બાંય આવી જશે એટલે એ પણ છુપાવી શકાશે! દુશ્મનને સહેજ પણ ભનક નહીં આવે કે સામે જે લડે છે તે શૂરવીર છે કે શૂરવીરાંગના...! પિતાજીને આશંકા પડી કે સ્ત્રી દેખાવે ભલે ને પુરુષ બની જાય પણ સ્વભાવનું શું? સોનીની દુકાને જાય તો સ્ત્રી ઝૂમણાં પસંદ કરે પણ પુરુષ હોય તો એને બેરખાં ગમે. અહીં તેજમલે પોતાનું સ્ત્રીત્વ કોરાણે મૂકીને, મનથી પણ પુરુષ બનીને બેરખાં પર નજર ઠેરવી, વેપારીને ત્યાંથી ચૂંદડીને બદલે પાઘડી મૂલવી ને અંતે વિરોધી લશ્કર હુમલો કરવા આવ્યું ત્યારે રાજકુંવરને છાજે એવું અદમ્ય સાહસ બતાવીને વિજયશ્રી પ્રાપ્ત કરી! લોકગીતોમાં ગવાયેલાં આવાં કેટલાંક સ્ત્રી પાત્રો અબળા નહીં, સબળા હોવાની ગવાહી આપે છે. નારી જો નિર્ભય બની જાય તો એ જ જગદંબા કે ચંડી છે એવું તેજમલના કથાનકથી સમજાય છે. આજની ભામાઓએ પણ ભયભીત થવાને બદલે પોતાની અંદર રાણી લક્ષ્મીબાઈ કે ‘તેજમલ’ને સજીવન કરવાં રહ્યાં… પછી કોની મજાલ છે કે એની સામે આંગળી ચીંધી શકે.⬛ nilesh_pandya23@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...