ડૉક્ટરની ડાયરી:જડે બે-ચાર જણ નકર, ટકોરા લઈ ચકાસી લે, બધાંયે માણસો કૈં સાવ પરપોટા નથી હોતા!

ડૉ. શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનાં એવાં ગામ માટે આવી ઘટના ખૂબ મોટી ગણાય. આખા ગામમાં હાહાકાર મચી જાય. ડોક્ટરને શારીરિક, માનસિક અને સામાજિક રીતે ભારે સહન કરવું પડે. કદાચ પ્રેક્ટિસ બંધ કરીને ગામ છોડી દેવું પડે

બપોરનો સમય હતો. દર્દીઓની ભીડ જામી હતી. ભાણવડ ગામમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડો. ત્રાંબડિયા એકસાથે ચાર-પાંચ જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. ઉતાવળ કરતા દર્દીઓને સંભાળવાનું કામ, હાથ પરના દર્દીને તપાસવાનું કામ, કમ્પાઉન્ડરને જરૂરી સૂચના આપવાનું કામ અને ફી લેતી વખતે જ તે દર્દીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવાનું કામ. ડો. ત્રાંબડિયાનું દવાખાનું દર્દીઓથી ઊભરાતું રહેતું હતું. આ માટેનાં એક કરતાં વધારે કારણો હતાં. પહેલું કારણ એ કે તેઓ ડોક્ટર તરીકે હોશિયાર હતા. બીજું કારણ એમનો સ્વભાવ મિલનસાર હતો. ભાણવડના મોટા ભાગના લોકો સાથે એમને પારિવારિક સંબંધ હતો. સૌથી મહત્ત્વનું કારણ તેમની વાજબી ફીનું ધોરણ હતું. સસ્તુ ભાડું અને સિદ્ધપુરની જાત્રા. જે દિવસની આ ઘટના છે એ દિવસે પણ આવા જ હાલ હતા. પણ એ દિવસે એક દુર્ઘટના બની ગઇ. એક ગરીબ ખેડૂત એના વીસ વર્ષના જુવાનજોધ દીકરાને લઇને ડો. ત્રાંબડિયા પાસે આવ્યો હતો. છોકરાનું નામ રમેશ. ડો. ત્રાંબડિયાએ રમેશને તપાસ્યો. શરીર તાવથી ધીખતું હતું. એમણે કેસપેપરમાં દવાઓ લખી આપી. પછી કમ્પાઉન્ડરને સૂચના આપી, ‘પંકજ, આ છોકરાને ત્રણ નંબરના ડબામાંથી પાંચ દિવસની એન્ટિબાયોટિક ગોળીઓ કાઢી આપ. પાંચ અલગ અલગ પડીકાં કરજે. તાવ માટે પેરાસિટામોલ ટેબ્લેટ આપજે. અત્યારે એક જેન્ટા ઇન્જેક્શન આઇ. વી. આપી દે.’ આટલું બોલીને ડો. ત્રાંબડિયા બીજા દર્દીને તપાસવામાં ખોવાઇ ગયા. નાનાં ટાઉન્સમાં મોટા ભાગના જનરલ પ્રેક્ટિસનર ક્વોલિફાઇડ કમ્પાઉન્ડર રાખતા નથી. દસ કે બાર ધોરણ પાસ છોકરાને નોકરીમાં રાખી લે છે અને એકાદ મહિનામાં ખપ પૂરતું કામ શીખડાવી દે છે. પાંચેક વર્ષ પછી તો એ કમ્પાઉન્ડર અડધોપડધો ડોક્ટર બની જાય છે. પંકજ પણ એવો જ કમ્પાઉન્ડર હતો. બાર ધોરણ પાસ હતો. દવાઓનાં અંગ્રેજી નામ પૂરેપૂરા વાંચી શકતો હતો અને થોડાં ઘણાં સમજી શકતો હતો. પંકજ રમેશને બાજુના રૂમમાં લઇ ગયો. ટેબલ પર ચત્તો સૂવડાવ્યો. પછી એણે સિરિન્જમાં ઇન્જેક્શનનું પ્રવાહી ભર્યું. રમેશના જમણા હાથનાં કાંડાથી ઉપરના ભાગમાં લોહીની નસ પકડી અને સિરિન્જમાં રહેલું પ્રવાહી નસમાં ઠાલવી દીધું. એ સાથે જ રમેશે મોટી ચીસ પાડી. એટલી મોટી ચીસ જે દવાખાનામાંથી ઓવરફ્લો થઇને બજારમાં અવરજવર કરતા લોકોના કાન સુધી પહોંચી. ડો. ત્રાંબડિયા સમજી ગયા કે કોઇક ઇમરજન્સી સમસ્યા ઊભી થઇ છે. દર્દીને તપાસવાનું પડતું મૂકીને એ દોડી ગયા. એમની ચકોર નજરે પરિસ્થિતિનો અંદાજ મેળવી લીધો. રમેશના શરીર પર ઝડપથી સોજા આવી રહ્યા હતા. ડોક્ટરે પંકજને પૂછ્યું, ‘તેં કયું ઇન્જેક્શન આપ્યું છે?’ પંકજે હમણાં જ એણે તોડેલી કાચની એમ્પ્યુલ ડોક્ટરના હાથમાં મૂકી દીધી. ડોક્ટર ચોંકી ગયા. એ ઇન્જેક્શન તો ડાયક્લોફેનેકનું હતું. આ ઇન્જેક્શન સીધું નસમાં અપાય નહીં. એમણે તો જેન્ટામાઇસિન કહ્યું હતું. વધુ ખરાબ વાત તો એ બની હતી કે પંકજે દર્દીની વેઇન (શિરા)ને બદલે આર્ટરી (ધમની)માં આપી દીધું હતું. આ બંને ભૂલો ગંભીર હતી પણ અત્યારે સમય કમ્પાઉન્ડરને ઠપકો આપવાનો ન હતો. ઇન્જેક્શનનું પ્રવાહી લોહીના પ્રવાહ સાથે આખા શરીરમાં પ્રસરી રહ્યું હતું. આ જલદ પ્રવાહી જે-જે નસમાંથી પસાર થાય તે-તે નસની દીવાલને ગંભીર નુકસાન કરી શકે તેમ હતું. તેને રોકવાનો કોઇ રસ્તો ન હતો. પરિણામ ગમે તેવું આવી શકે તેવી શક્યતા હતી. નાનાં એવાં ગામ માટે આવી ઘટના ખૂબ મોટી ગણાય. આખા ગામમાં હાહાકાર મચી જાય. ડોક્ટરને શારીરિક, માનસિક અને સામાજિક રીતે ભારે સહન કરવું પડે. કદાચ પ્રેક્ટિસ બંધ કરીને ગામ છોડી દેવું પડે. કોઇ પણ ડોક્ટર આવી પરિસ્થિતિમાં પોતાને બચાવી લેવા માટે અસત્યનો આશરો લઇને દર્દીના પરિવારજનોને ભળતુંસળતું સમજાવવાની કોશિશ કરે. ડો. ત્રાંબડિયાએ ઝડપથી નિર્ણય લઇ લીધો. દર્દીને ફટાફટ જરૂરી સારવાર આપીને તેઓ બહાર આવ્યા. રમેશના પિતાને કહ્યું, ‘પ્રેમજીભાઇ, હું જૂઠું નહીં બોલું. મારી ભૂલને કારણે તમારા રમેશની જિંદગી જોખમમાં મુકાઇ ગઇ છે. આમ જુઓ તો ભૂલ કમ્પાઉન્ડરની છે પણ તાલીમ વગરનો કમ્પાઉન્ડર રાખ્યો તે મારી જ ભૂલ કહેવાય. અત્યારે વધુ ચર્ચા કરવાનો સમય નથી. રમેશને તાબડતોબ રાજકોટ લઇ જવો પડશે. વાહનની વ્યવસ્થા હું કરું છું. રાજકોટના સારામાં સારા સર્જનને ફોન કરીને હું વાત કરું છું. તમે ઝડપથી રવાના થાવ.’ પ્રેમજીભાઇના મનમાં કમ્પાઉન્ડરની બેદરકારી માટે ભયંકર રોષ જન્મ્યો પણ દીકરાની હાલત જોઇને એમણે કડવાં વેણ બોલવાનું ટાળ્યું. ડોક્ટરની સૂચના પ્રમાણે રાજકોટ જવા માટે નીકળી પડ્યા. એ લોકો રાજકોટ પહોંચે તે પહેલાં તો ડો. ત્રાંબડિયાએ રાજકોટના શ્રેષ્ઠ ગણાતા સર્જનને ફોન કરી દીધો હતો. સર્જનથી પણ એમણે હકીકત છુપાવી નહીં. કમ્પાઉન્ડરથી જે બે ભૂલ થઇ હતી તે કહી દીધી. સાથે ઉમેર્યું, ‘પેશન્ટના પિતા પાસેથી એક પૈસો પણ લેશો નહીં. તમારું બિલ હું ચૂકવી આપીશ. જુવાન દીકરાને બચાવી લેજો.’ સાંજે સર્જનનો ફોન આવી ગયો. ‘પેશન્ટની સર્ક્યુલેટરી સિસ્ટમને ભારે નુકસાન થયું છે. સારવાર ખૂબ લાંબી ચાલશે. છોકરો બચી તો જશે પણ એની બધી આર્ટરીઝમાં ફાઇબ્રોસિસ થઇ જશે તો સમાંતર વ્યવસ્થા ગોઠવાતાં વાર લાગશે. પેશન્ટે મહિનાઓ સુધી પથારીમાં પડી રહેવું પડશે. એ પછી પણ એ પૂર્વવત્ કામ કરતો થશે કે નહીં એ વિશે કહી ન શકાય.’ રમેશની સારવાર શરૂ કરી દેવામાં આવી. આ કોઈ ઓપરેશનનો કેસ ન હતો જે સાતથી દસ દિવસમાં ‘ક્યોર’ થઈ જાય, આ તો આખા શરીરમાં ફેલાયેલી ધમનીઓને થયેલું નુકસાન હતું. જેવી રીતે મુખ્ય રોડમાં ભૂવો પડે ત્યારે ‘ડાયવર્ઝન’ બનાવવામાં આવે છે એ જ રીતે મુખ્ય રક્તવાહિનીઓ બ્લોક થઈ જાય ત્યારે કો-લેટરલ સર્ક્યુલેશન ખૂલવા લાગે છે. આ કામ કુદરત દ્વારા જ સંપન્ન થાય છે. રમેશની સારવારનો ખર્ચ વધતો જતો હતો. પ્રેમજીભાઈ એક નાના ખેડૂત હતા. એમણે ભાણવડ પહોંચીને ડો. ત્રાંબડિયા સમક્ષ પોતાની આર્થિક વિટંબણા વિશે રજૂઆત કરી. ડો. ત્રાંબડિયાએ કહ્યું, ‘ભાઈ, મારી પાસે એક રસ્તો છે. હું તમને કહી ચૂક્યો છું કે તમારા દીકરાની આવી હાલત મારા કમ્પાઉન્ડરની ભૂલને કારણે થઈ છે. મારા કમ્પાઉન્ડરથી થયેલી ભૂલ માટે ખરી જવાબદારી મારી જ ગણાય. તમે એક કામ કરો.’ ‘શું કરવાનું છે મારે?’ પ્રેમજીભાઈએ પૂછ્યું. ‘તમે કોર્ટમાં મારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દો. મોટી રકમનું વળતર માગો. હું અદાલતમાં મારી ગફલતનો સ્વીકાર કરી લઈશ. તમને રૂપિયા મળી જશે. મારી ચિંતા ન કરશો. બધાં ડોક્ટરો આવી કોમ્પ્લીકેશન સામે બચાવ માટે વીમો લેતા હોય છે. મેં પણ લીધેલો છે. કોર્ટ જે દંડ ઠરાવશે તે વીમા કંપની...’ પ્રેમજીભાઈ આખી વાત સમજી ગયા. એમનું દિમાગ આ કામ માટે તૈયાર થઈ ગયું પણ એમનું દિલ ન માન્યું, ‘ના, સાહેબ! રૂપિયા માટે મારે તમારી ઉપર કોર્ટ કેસ કરવો પડે ને? મારે એવું પાપ નથી કરવું. તમને તો આખું ગામ ભગવાન માને છે. તમારાથી ભૂલ થઈ એમાં મારા દીકરાના નસીબનો જ વાંક! હું મારું ખેતર વેચી નાખીશ…’ ખેતર વેચવાની જરૂર ન પડી. રાજકોટની સારવારનું પૂરું બિલ ડો. ત્રાંબડિયાએ ભરી આપ્યું. આજે આ ઘટનાને વીસ વર્ષ થઈ ગયાં છે. ડો. ત્રાંબડિયાએ રમેશને એક ઓટો રિક્ષા અપાવી દીધી છે. રમેશ એના વડે પોતાનું ગુજરાન ચલાવી શકે છે. જે પરિણામ કાયદાનો આશ્રય લેવાથી ન મળી શકે, એ પરિણામ સમજણ અને પ્રેમભર્યા સંબંધથી મેળવી શકાય છે. ⬛ શીર્ષક પંક્તિ : પ્રશાંત સોમાણી drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...