અંદાઝે બયાં:બે ફેમિલી આલબમ ને જિંદગી જીવાઇ ગઇ!

સંજય છેલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ ઘર ને મકાનમાં વેફર જેટલો તફાવત હોય છે! (છેલવાણી) ‘પરિવાર’ કે ‘ફેમિલી’ આમ તો કેવળ એક શબ્દ છે, પણ તોયે નાનકડા બ્રહ્માંડને ચાર દીવાલોમાં સમાવી લેતી વાત છે! ઘણીવાર પરિવાર વિશેની દિલ હલાવતી વાત અચાનક જ ઘરની બહાર જોવા મળે છે! જેમ કે- એક ગરીબ પરિવારે ફૂટપાથ પર ફાસ્ટ-ફૂડની નાની રેસ્ટોરાં ખોલી. પત્ની રસોઇ કરે. પતિ ઓર્ડર લે. બાળકો મદદ કરે. એમાં માંડ કોઇ ઘરાક આવે. એકવાર તો આખા દિવસમાં કોઇ આવ્યું નહીં! રાત પડવા આવી ત્યારે હાશ, એક કપલ આવ્યું. કપલે મેન્યુમાંથી કોઇ આઇટમ ઓર્ડર કરી. પતિ રસોડામાં ગયો તો ખબર પડી કે કિચનમાં વાનગી માટે પૂરતો મસાલો નહોતો. એ તરત જ બજારમાં ખરીદવા ગયો. આ બાજુ પેલા કપલ વચ્ચે ગંભીર ચર્ચા ચાલતી હતી– ‘કદાચ લગ્ન કરવા કે નહીં’ એવું કંઇક! અંદર રસોડામાં પત્ની, અડધી વાનગી બનાવીને પળેપળ વર માટે રાહ જુએ છે. બહાર કપલના ઝઘડા ચાલે છે. બાળકો પણ અકળાયાં છે કે બાપને આટલો સમય કેમ લાગ્યો? જો આ કપલનો ઓર્ડર નહીં મળે તો આજે આખો દિવસ આવક વિના ખાલી જશે- એવી ચિંતા બાળકોના ચહેરા પર હતી. આ બાજુ એ બધાં ટેન્શનથી સાવ અજાણ. પેલું કપલ પોતાની લાઇફની ગંભીર ચર્ચામાં મશગુલ! કદાચ બેઉની આ છેલ્લી મુલાકાત હતી! સમય વીતતો ગયો, બાપ હજુ ના આવ્યો. પેલી બાજુ કપલ વચ્ચે અચાનક સમાધાન થઇ ગયું ને નક્કી કર્યું કે- ‘ભાગીને પણ લગ્ન કરીશું…પણ બાળકને જન્મ આપશું, આપણો પોતાનો પરિવાર બનાવશું!’ બેઉ એકમેકને ભેટી પડ્યાં, મામલો સૂલઝી ગયો ને હવે પેલા ઓર્ડરની પરવા કર્યા વિના ત્યાંથી જતાં રહ્યાં. આ બધું, પેલી પત્ની રસોડાની આડથી ચૂપચાપ જોતી રહી! પેલું કપલ જેવું ગયું કે પતિ સામાન લઇને આવ્યો. કપલને ગાયબ જોઇને ફેમિલી પર ભડકી ઊઠ્યો: ‘તમે લોકોએ બે મિનિટ રોક્યાં કેમ નહીં, એ લોકોને?’ પત્નીએ કહ્યું, ‘જવા દો, એમની લવ-સ્ટોરી આગળ વધી ગઇ, બેઉ પરણશે, ઘર માંડશે, પણ એ માટે આખી જિંદગી, આપણી આ જગ્યા તો યાદ રાખશે!’ હતાશ પતિ પાસે લાચાર સ્મિત આપવા સિવાય કોઇ જવાબ નહોતો! ઈન્ટરવલ મેરે ઘર કા સીધા-સા ઇતના પતા હૈ: મેરે ઘર કે આગે મહોબ્બત લિખા હૈ! (સુદર્શન ફાકીર) આવી જ બીજી ખટ-મીઠી ઘટના: એકવાર હું 5-સ્ટાર હોટલમાં ડિનર લેવા ગયેલો. બાજુના ટેબલ પર એક ફેમિલી આવ્યું. પહેલાં તો સહુ સાથે બેઠાં, પણ વેઇટર આવ્યો કે બેઉ દીકરીઓ ઊભી થઇને પાસેના ટેબલ પર બેસી ગઇ. બેઉ ટેબલ પરથી અલગ અલગ ઓર્ડર અપાયા, પણ ખાવાનું પીરસાયું ત્યારે વાનગીઓની આપ-લે થવા માંડી. ફાઇવસ્ટારના શાંત સભ્ય વાતાવરણમાં- ‘સૂપ આપ ને, બેબલી!’ કે ‘પપ્પા, આ ડિશ ટ્રાય કરો.’ જેવા અવાજો ગૂંજવા માંડ્યા. પછી તો ડિશોની આપ-લે કરવામાં જે ચપળતા હતી એ વધવા માંડી. મા-બાપે, પોતાના ટેબલ પર જે બે આઇટમો મંગાવેલી એમાંથી થોડુંક જ પોતાની ડિશમાં લઇને બાકીનું બધું તરત જ દીકરીઓના ટેબલ પર પાસ કરી દેતાં હતાં. વારે વારે મા-બાપ, દીકરીઓ તરફ આંખના ખૂણેથી જોઇને ચેક કરતાં હતાં કે છોકરીઓને મજા આવે છે કે નહીં? ડિનર પૂરું થતાં વેઇટર, ચારેય લોકોની આઇટેમોનું એકસાથે જ બિલ લાવ્યો. આ જોઇને બાપ ભડકી ગયો ને વેઇટરને કહ્યું, ‘બે અલગ ટેબલ છે તો બિલ પણ બે અલગ જોઇએ.’ વેઇટરે પૂછ્યું, ‘પણ તમે ચારેય સાથે જ છો ને?’ તો બાપે ઉશ્કેરાઇને કહ્યું, ‘મારી પાસે હોટેલનું ગિફ્ટ-કાર્ડ છે ને એમાં લખ્યું છે કે જો 2 જણા જમવા આવશે તો 50% ડિસ્કાઉન્ટ મળશે ને 4 જણાને 30% મળશે. અમે ચારેય લોકોએ બે અલગ અલગ ટેબલ પરથી અલગ અલગ ઓર્ડર આપ્યા છે, તો બે બિલ પર 50%-50% ડિસ્કાઉન્ટ આપવું જ પડશે!’ બાપ-વેઇટર વચ્ચે ખૂબ દલીલો થઇ! છેવટે મેનેજરે વચ્ચે પડીને 2 બિલ પર 50% ડિસ્કાઉન્ટ આપ્યું. જાણે કુબેરનો ખજાનો મળ્યો હોય એમ સૌ ખુશ થયાં ને ફરી 2 આઇસક્રીમ મંગાવી, પણ એય 2 અલગ-અલગ ટેબલ પરથી જ! પછી બાપે, બિલ ચૂકવીને હોટેલ મેમ્બરશિપનું ‘ફૂડ ડિસ્કાઉન્ટ કાર્ડ’ સાચવીને પર્સમાં એ રીતે મૂક્યું જાણે નવજાત બાળકને કોઇ નર્સ ટુવાલમાં લપેટીને ના મૂકતી હોય! આખો પરિવાર કોઇ જંગ જીત્યાં હોય એમ ખુશખુશાલ ત્યાંથી નીકળ્યા. બંને દીકરીઓએ, મમ્મી-પપ્પાનો હાથ હળવેકથી ઝાલી લીધો. એ ફાઇવસ્ટાર હોટેલની ઝળાંહળાં ચમકતી લોબીના અજવાસમાં એક સાદો-સીધો પરિવાર જાણે બે કદમ ચાલતાં ચાલતાં સાવ ઓગળીને અદૃશ્ય થઇ ગયો! કદાચ રોજ એ માણસ, એક મજબૂર બાપ, આ જ 5-સ્ટાર પાસેથી પસાર થતો હશે ને વિચારતો હશે કે ક્યારેક મારી ફેમિલીને અહીં લઇ આવીશ! જાલિમ જિંદગીનાં અનેક અગણિત દુ:ખડાઓની વચ્ચે એક માત્ર એક નાનું અમથું સુખડું, એ પોતાના પરિવાર માટે ગમે તેમ તોયે હાંસિલ કરવા માગતો હતો! -અને બસ…એ સાંજે એક જિંદગી જીવાઇ ગઇ! એન્ડ ટાઈટલ્સ આદમ: ફેમિલી હોવી જોઇએ ને? ઈવ: ડીપેન્ડ્ઝ! એમાં કોણ કોણ છે! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...