તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીલે ગગન કે તલે:શૂન્ય વિશે બે બોલ

મધુ રાય10 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘જેપર્ડી’ નામના એક સવાલ–જવાબના ટીવી પ્રોગ્રામમાં એકદા ગગનવાલાએ સાંભળ્યું કે આપણે જીમેઇલમાં ને ફેસબુકમાં ને નેટફ્લિક્સમાં જે શબ્દ વારેવારે સંભળીએ છીએ, ‘એલગોરિધમ’ તે શબ્દ તેના મુસ્લિમ શોધનારાના નામ ‘મુહમ્મદ અલ–ખારિઝમી’ Muhammad al-Khwarizmi ઉપરથી બન્યો છે. અંગ્રેજીમાં જેમ અર્ટિકલ The ‘ધ’ છે, તેમ અરબી ભાષામાં ‘અલ’ છે, એમ કરતાં અલખારિઝમી યાને ખારિઝમી ગામના પંડિત મુહમ્મદ સાહેબના નામ ઉપરથી ગ્રીક ને રોમન ને એમ ગરબી લેતાં-લેતાં શબ્દ બન્યો ‘અલગોરિધમ’, જેનો ઉપયોગ રોજેરોજ ગૂગલ ને ફેસબુક ને નેટફ્લિક્સ ને એમેઝોન તમને જણાવે છે કે તમને શું ગમે પ્લસ ઓટો ઇન્ડસ્ટ્રી ને એરલાઇન્સ, ને શેરબજાર ને શી ખબર બીજું કોણ-કોણ લાખો વાર કરે છે ને આપણા જેવા નિર્દોષ જેઠાઓને કહે છે આ ખાઓ, અહીં જાઓ, આ ખરીદો ને આ વેચો! આ અલખારિઝમી સાહેબે જ ‘હિસાબ અલ જબ્ર’ શોધેલું એવું તમને ઇન્ટરનેટવાળા ભૂંડાઓ કહેશે, હિસાબ અલ જબ્ર મતલબ કે બે બાજુની તરાજુનો હિસાબ ગોઠવતું શાસ્ત્ર, એલજિબ્રા. બીજગણિતમાં સમીકરણો ગોઠવવાનાં હોય છે, તે અર્થમાં તરાજુની બે સમતોલ બાજુ મતલબ કે હિસાબ અલ જબ્ર! આ અલખારિઝમી મોટા ગાણિતી ગણાય છે, અબ્બાસિદના અમલ દરમિયાન સન 820માં બગદાદના દારુલ હિકમા નામે વિદ્યાધામના તે અધિપતિ નિમાયા હતા અને જગતને દશાંશ ગણિત પદ્ધતિનું શાસ્ત્ર આપનાર વિજ્ઞાની તરીકે પંકાયા હતા. પરંતુ ઠહરો! ગણિતશાસ્ત્રમાં પહેલા નંબરે તો આપણે હતા ને? શૂન્યની શોધ આપણે કરી એનું કાંઈ નહીં? ગણિતમાં દશાંશ પદ્ધતિની ધજા આપણે લહેરાવી, એકડાથી શૂન્ય એમ દસ આંકડા ઉપર આજે આખું આકાશ અધ્ધર કરેલું છે તે ટ્રિગોનોમેટ્રી, આજે જેને sine અને cosine કહેવાય છે તે, તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આલ્ગોરિધમ વગેરે ઓરિજિનલી ઇન્ડિયાના આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય એવમ વરાહમિહિર સરે બગદાદી સર કરતાં 400 વરસ પહેલાં યાને ઇ.સ. 400માં શોધ્યાં છે તેનું શું? ટ્વિટર સંસ્થાએ એક સરવે કરવા જાહેર જનતાને એક સવાલ પૂછેલો કે અમેરિકાની સ્કૂલોમાં અરેબિક આંકડા શીખવવા જરૂરી છે? તો 90 ટકા પ્રજાએ કહ્યું ‘નો!’ યાને 90 ટકા લોકોને ખબર નથી કે 0થી 9 સુધીના આંકડા તે અરબી આંકડા કહેવાય છે. એ શોધાયા તેની પહેલાં શૂન્ય રોમન લોકો આંકડાને બદલે સંખ્યાઓ અક્ષરોથી લખતા, જેમકે I, II, III, IV, વગેરે, ને X એટલે 10 ને C એટલે 100. એ અક્ષરો રોમન ન્યુમરલ કહેવાય છે ને 1, 2, 3, 4 આદિ અરબી ન્યુમરલ! પણ રે, રે, રે! કોઈ હરફ ઉચ્ચારતું નથી કે તે અરબી આંકડા નથ્થી, ઇન્ડિયન આંકડા છે, સંસ્કૃત આંકડા છે! તે સંસ્કૃતમાં શોધાયેલા દશાંશ પદ્ધતિના આંકડા ન હોત તો આજે જે STEM (Science, Technology, Engineering and Mathematics)ની બોલબાલા બોલાય છે તે ચારે શાસ્ત્રો જન્મ્યાં જ ન હોત. પણ હશે, રોમન હોય, અરબી, ગ્રીક કે સંસ્કૃત કે ભોજપુરી કે કચ્છી હોય, આપણે સૌ પૃથ્વીના પુત્રો છીએ એટલે કોણે શું શોધ્યું તેની હુંસાતુંસી ન કરીએ. અલબત્ત નવા જમાનાની કેટલીક અજાયબીઓ મુસ્લિમોએ શોધી છે, જેમકે કોફી! જેમકે ફાઉન્ટન પેન!, જેમકે કેમેરા! કેમેરા? જી, પહેલાં ગ્રીક લોકો માનતા કે આંખમાંથી તેજ કિરણ નીકળે છે પણ ઇબ્ન અલ હૈતામ નામે મુસ્લિમ વિજ્ઞાનીએ શોધેલું કે તેજ આંખમાંથી નીકળતું નથી, તેજ આંખમાં પ્રવેશે છે. અને તેણે એક અંધારા ઓરડામાં એક નાનું છિદ્ર પાડીને ‘કેમકેરા’ની પ્રથમ શોધ કરી. કેમેરા એટલે ‘કમરા’ જે અરબી ‘ઘમરા’ ઉપરથી બન્યો છે; જેનો અર્થ છે, અંધારો કમરો! અને ફાઉન્ટન પેનની શોધ કરેલી સન 953માં, ઇજિપ્તના સુલતાને! આજે દુનિયામાં એવો દેખાડો થઈ રહ્યો છે કે યુરોપીયનોએ જ જગતને જીવતાં શીખવ્યું ને યુરોપીયન વિજ્ઞાનીઓએ બધી શોધ કરી. ખરેખર તો પુરાણકાળથી સીરિયા, બેબિલોન, ટ્યુનિશિયા, ઇજિપ્ત, ભારત, ચીન વગેરે અનેક સ્થળે વિજ્ઞાનીઓ સતત દરેક પ્રકારની શોધ કરતા રહેલા, જેનો પ્રચાર ધીમેધીમે યુરોપ તરફ થયો અને ગ્રીકો ને રોમનોએ બંધબેસતી પગડીઓ પહેરી લીધી! જય વરાહમિહિર મહારાજ! ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...