સાયન્સ અફેર્સ:ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર?

સાયન્સ અફેર્સ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાળકોને આપણે આ ઈંગ્લિશ બાળગીત ભલે સંભળાવતાં, પણ સ્ટાર ક્યારેય ‘લિટલ’ નથી હોતા. આપણા સૂર્યનો વ્યાસ લગભગ 14 લાખ કિલોમીટર છે. સૂર્ય સરેરાશ કદનો તારો છે. એની ત્રિજ્યાને એકમ તરીકે (solar radius) વાપરીને અન્ય તારાઓનાં કદનો અંદાજ બાંધવામાં આવે છે. જે તારાની ત્રિજ્યા 1 સોલર રેડિયસ હોય, તે તારો કદમાં સૂર્ય જેવડો હોય. આપણી જાણમાં હોય તેવા સૌથી નાનાં કદના તારાની ત્રિજ્યા 0.12 સોલર રેડિયસ છે. એટલે કે એની ત્રિજ્યા આશરે 1.67 લાખ કિલોમીટર છે. આ કદ ગુરુ ગ્રહ કરતાં 20% મોટું કહેવાય. તેથી, ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’ વિચારવું પણ અઘરું છે. સૌથી મોટા કદનો જે તારો આપણે શોધી શક્યા છે તે આશરે 1500 સોલર રેડિયસ ત્રિજ્યા ધરાવે છે. એ તારાને સૂર્યની જગ્યાએ મૂક્યો હોય તો શનિ, યુરેનસ અને નેપ્ચુન સિવાયના બધા ગ્રહોનો એની સપાટીની અંદર સમાવેશ થઈ જાય. આશ્ચર્યજનક રીતે, મોટા કદના તારાઓનું જીવન ટૂંકું હોય છે. જ્યારે નાના કદના તારા લાંબું જીવે છે. તારો જેટલો મોટો હોય, તેની અંદર થર્મોન્યુક્લિયર પ્રક્રિયા એટલી ઝડપી થાય. તેથી વિશાળ કદના તારા પોતાનું બધું ઈંધણ ફટાફટ વાપરી નાખે છે, જ્યારે નાના તારામાં આ પ્રક્રિયા ધીમી હોવાથી તેનું આયુષ્ય લાંબું હોય છે. સૂર્ય મધ્યમ કદનો હોવાથી કુલ દસેક અબજ વર્ષનું આયુષ્ય ભોગવશે. મરી ગયેલા તારાનાં કેન્દ્રને ‘ન્યૂટ્રોન સ્ટાર’ કહે છે. તેની ત્રિજ્યા ફક્ત 10-15 કિલોમીટરની આસપાસ હોય છે, પણ તેનું દળ સૂર્ય કરતાં દોઢથી બે ગણું હોઈ શકે છે. ન્યૂટ્રોન સ્ટારને, બ્લેકહોલ પછી બીજા નંબરે, બ્રહ્માંડનો સૌથી વધુ ઘનતા ધરાવતો પદાર્થ કહી શકાય. તેની એક ચમચી જેટલી જગ્યાનું વજન કરોડો ટન હોય છે. બધા તારા બ્રહ્માંડની શરૂઆતથી હાજર નથી. સૂર્ય તો ફક્ત 4.6 અબજ વર્ષથી છે, જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ 13.8 અબજ વર્ષથી છે. સમયાંતરે અવકાશમાં વાયુઓ દ્વારા નવા તારા બનતા જ રહે છે, અને બળતણ ખલાસ થતા નાશ પામતા રહે છે. દરેક તારાને પોતાના ગ્રહો હોય એ જરૂરી નથી. ઘણા તારા એવા છે કે જે સૂર્ય કરતાં પણ મોટા છે છતાં તેમને એક પણ ગ્રહ નથી. ટ્વિન્કલનો ગુજરાતી અર્થ છે ઝબૂકવું. શું તારા ખરેખર ઝબૂકતા હશે? જવાબ છે- ના. તારાના પ્રકાશની ધાર પૃથ્વીથી નજીક પહોંચ્યા પછી આપણાં વાતાવરણનાં અનેક સ્તરમાં ઘણી બધી વખત વક્રીભવન (refraction) પામે છે. જેનાં કારણે આપણને એ ઝબકારા મારતા (twinkle) હોય તેવું દેખાય છે. તો પછી સૂર્ય ઝબૂકતો હોય તેવું કેમ નથી દેખાતું? એનો પ્રકાશ એકધારો આવે છે. કારણ કે, અન્ય તારાઓની સરખામણીમાં સૂર્ય આપણાંથી એકદમ નજીક છે. અન્ય તારા ફક્ત ટપકાં સ્વરૂપે દેખાય છે, જ્યારે સૂર્ય આપણને એક મોટી ડિસ્ક જેવો દેખાય છે. આટલા મોટા પ્રકાશપુંજનું વાતાવરણમાં વક્રીભવન આપણી દૃષ્ટિ પર કોઈ અસર નથી કરતું. ‘આકાશમાં દેખાતા કેટલાય તારા મૃત છે અને પ્રકાશને આપણાં સુધી પહોંચતા કરોડો વર્ષ થયાં હોવાથી આપણને ત્યાં તારો દેખાય છે.’ - આ ખગોળશાસ્ત્ર વિશેની સૌથી મોટી ગેરમાન્યતા છે. આપણને દેખાતા મોટાભાગના તારા હાલ જીવિત છે.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...