તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગોચર પડછાયા:બાર વાગ્યા કે બારી-બારણાં આપોઆપ બંધ થઈ ગયાં

જગદીશ મેકવાન5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડી જ વારમાં એ ઘર કારમી ચીસોથી ગુંજી ઊઠ્યું, પણ એમાંની એક પણ ચીસનો અવાજ ઘરની બહાર ના ગયો

સોળ વર્ષનો થયો, પણ માર્કમાં હજી એટલી હિંમત નહોતી આવી કે એ ઘરની બારી તરફ જુએ. એ રસ્તેથી પસાર થતા જ તેનું દિલ ધડકવા લાગતું. એની મૂંડી આપોઆપ નીચી થઈ જતી. જેવું એ ઘર પસાર થઈ જતું કે માર્ક હળવો થઈ જતો. એ એકલો નહોતો કે જેને આ રસ્તેથી પસાર થતા બીક લાગતી હોય. ત્યાંથી પસાર થતાં નાના-મોટા દરેકને એ ઘર તરફ જોવાની બીક લાગતી હતી. વર્ષોથી એ ટાઉનમાં એવી વાત ફેલાયેલી હતી કે એ ઘરમાં એક ડાકણનો વસવાટ છે. તે બારી પાસે જ ઊભી હોય છે અને આવતાં-જતાં લોકોને જોયાં કરે છે. જો કોઈની નજર એ ડાકણ પર પડી જાય, તો ડાકણ એને સંમોહિત કરીને એ ઘરમાં ખેંચી લે છે અને ખાઈ જાય છે. અમુક વૃદ્ધો એવું કહેતા કે એ ઘરમાં એક સુખી પરિવાર રહેતો હતો, પણ એ સમયે ગામમાં ઊપરા-છાપરી લોકો ગાયબ થવા લાગ્યાં. એમાંથી એક જણની લાશ એ ઘર પાછળ આવેલા કૂવામાંથી મળી. ગામનાં લોકોને એવું લાગ્યું કે એ પરિવારનાં લોકો કાળો જાદુ કરે છે. એટલે ગામલોકોએ એમનો બહિષ્કાર કર્યો. એ પરિવારને એ હદે અપમાનિત કરવામાં આવ્યું કે પતિ-પત્નીએ ત્રાસીને આત્મહત્યા કરી લીધી. એમની પુત્રીને અનાથાશ્રમમાં દાખલ કરવામાં આવી. બધાં એ રસ્તેથી પસાર થતાં બીતાં, પણ મુશ્કેલી એ હતી કે એ જ મુખ્ય રસ્તો હતો અને એટલે બધાંએ ત્યાંથી જ પસાર થવું પડતું. અને એ જ રીતે રોજની જેમ આજે પણ માર્ક એ રસ્તેથી નીચી મૂંડીએ પસાર થયો. એ જ પળે એને એક મચ્છર કરડ્યું અને બોચી ખંજવાળવાના ચક્કરમાં એનાથી એ ઘરની બારી તરફ જોવાઈ ગયું. ખરેખર એ બારીમાં ડાકણ ઊભી હતી. એણે માર્કને એક સ્મિત આપ્યું. એ જોઈને માર્કના શરીરમાંથી ભયનું એક લખલખંુ પસાર થઈ ગયું. એ નીચી મૂંડી કરીને રીતસરનો ઊભી પૂંછડીએ નાઠો. રસ્તામાં ચર્ચ આવ્યું, ત્યારે ઊભો રહ્યો. તેનું શરીર હજી પણ બીકથી ધ્રૂજી રહ્યું હતું. એ એક બાંકડા ઉપર બેસી ગયો. પાંચ-દસ મિનિટ પછી એનું મન થોડું હળવું થયું. એને એ ડાકણનો વિચાર આવ્યો. એને આશ્ચર્ય થયું કે ડાકણ આવી હોય? કેમ કે, એટલી ખૂબસૂરત ડાકણ તો એણે સ્વપ્નમાં પણ નહોતી જોઈ. ધીમે-ધીમે એ ખૂબસૂરત ડાકણના વિચારોએ એના મન પર કબજો જમાવ્યો. એ જ્યારે પાછો ફર્યો ત્યારે એણે હિંમત કરીને એ બારી સામે જોયું, પણ હવે ત્યાં કોઈ ન હતું. એ રાત્રે એને એ ખૂબસૂરત ડાકણના વિચારોએ ઊંઘવા ન દીધો. બીજે દિવસે એને કંઈ કામ નહોતું. છતાંય એ ત્યાંથી પસાર થયો અને ડરતાં-ડરતાં બારી તરફ નજર નાખી, પણ ત્યાં કોઈ ન હતું. એટલે નિરાશ થઈને આગળ વધવા માટે જેવો એણે પગ ઉપાડ્યો કે પાછળથી અવાજ આવ્યો, ‘મને શોધો છો?’ એ અવાજ સાંભળીને માર્ક બીકથી ફિક્કો પડી ગયો અને ફફડતા હૈયે પલટ્યો. પાછળ એ જ ખૂબસૂરત છોકરી ઊભી હતી, જેને ગઈ કાલે એણે બારીમાં ઊભેલી જોઈ હતી. એના ચહેરા પર મધુર સ્મિત હતું. એણે ફરી પૂછ્યું, ‘મને શોધો છો?’ ‘તમે...’ માર્કનું ગળું સુકાઈ રહ્યું હોય એમ એ આગળ બોલી ના શક્યો. ‘ના, હું ડાકણ નથી. હું તમારી જેમ જ એક માણસ છું. જુઓ, મને અડકી જુઓ.’ બોલીને એ છોકરીએ માર્ક સામે હાથ લંબાવ્યો. માર્કે મહામહેનતે હિંમત એકઠી કરીને એના કોમળ હાથને સ્પર્શ કર્યો. માર્કને આશ્ચર્ય થયું. એ બોલ્યો, ‘લોકો કહે છે કે આ ઘરમાં...’ ‘ખબર નહીં કોણે એવી અફવા ફેલાવી છે? સારંુ ત્યારે હું જાઉં.’ બોલીને એ છોકરી એ ઘરમાં જતી રહી. પણ જતાં-જતાં એક વાર પલટીને એણે માર્કને એક મધુર સ્મિત આપ્યું. પછી સતત બે-ત્રણ દિવસ માર્ક ત્યાંથી પસાર થયો અને દર વખતે એણે એ ઘરની બારી તરફ જોયું, પણ એને એ છોકરી જોવા ન મળી. છેવટે હિંમત કરીને માર્ક એ ઘર પાસે ગયો. ધ્રૂજતા હાથે ડોરબેલ વગાડ્યો. દરવાજો ખૂલ્યો. પેલી ખૂબસૂરત છોકરી ડોકાઈ. માર્કને જોતાં જ એના ચહેરા ઉપર મધુર સ્મિત પ્રગટ્યું. એ મીઠા અવાજે બોલી, ‘આવો.’ માર્ક ડરતાં-ડરતાં અંદર પ્રવેશ્યો. એ છોકરીએ માર્કને એક અફલાતૂન કોફી પીવડાવી. બંને જણે અલકમલકની વાતો કરી. એ છોકરીએ માર્કને જણાવ્યું કે એ ઘર એનું જ છે. અનાથાશ્રમમાંથી નીકળ્યાં પછી એની પાસે મકાન ન હોવાથી એ પોતાનાં મા-બાપનાં આ ખાલી પડેલા મકાનમાં રહેવા આવી ગઈ છે. લોકોએ એવી અફવા ફેલાવી છે કે આ ઘરમાં ડાકણ છે. એનાં મા-બાપ બિચારા નિર્દોષ હતાં. ગામલોકોએ હેરાન કરીને એમને આત્મહત્યા કરવા મજબૂર કર્યાં, પણ એ એનાં મા-બાપ પર મૂકાયેલું એ કલંક દૂર કરવા માગે છે. એ ઈચ્છે છે કે આ ગામનાં લોકો એને સ્વીકારે. હવે બંનેની મુલાકાતો રોજ થવા લાગી. માર્કની બીક પણ ગાયબ થઈ ગઈ. માર્કે પોતાના બધા જ દોસ્તોની મુલાકાત પણ એ છોકરી સાથે કરાવી. બધાં રોજ હળવા-મળવા લાગ્યાં. બધાંનાં મનમાં રહેલી એ ઘર પ્રત્યેની બીક પણ દૂર થઈ ગઈ. ગામમાં એ વાતની ચર્ચા ચાલી. લાગતાં-વળગતાં વડીલોએ એ ઘરથી અને એ છોકરીથી દૂર રહેવાની સલાહ પણ આપી, પણ વડીલોની વાત માને તો જુવાનિયા શાના? પછી એક રાત્રે એ છોકરીએ ગામના તમામ જુવાનિયાઓ માટે પાર્ટી રાખી. આખું ટોળુ એ ઘરમાં પાર્ટી માટે ભેગંુ થયું. મજા કરતાં-કરતાં રાતના બાર વાગી ગયા. જેવા બાર વાગ્યા કે તરત જ ઘરનાં બધાં જ બારી-બારણાં આપોઆપ બંધ થઈ ગયાં. વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ અને ભયંકર દેખાવવાળાં બે પ્રેત પ્રગટ થયાં. એમને જોતાંની સાથે જ બધા જુવાનિયાઓ ગભરાઈને ચીસો પાડીને, જીવ બચાવવા, ગાંડાની જેમ આમતેમ ભાગવા લાગ્યા. એ જોઈને એ છોકરીએ ગુસ્સામાં ત્રાડ પાડી, ‘આ ગામનાં લોકોને લીધે મારો નિર્દોષ પરિવાર ખતમ થઈ ગયો. મારાં મા-બાપને મુક્તિ ન મળી. કમોતે મરવાના લીધે એમનો આત્મા ભટકી રહ્યો છે. પ્રેતયોનિમાં રહેવાની સજા ભોગવી રહ્યો છે. હવે આ ગામે એના પાપની કિંમત ચૂકવવી પડશે. પ્રેત બનવાની પીડા કેવી હોય, એ હવે આખા ગામને ખબર પડશે.’ થોડી જ વારમાં એ ઘર કારમી ચીસોથી ગુંજી ઊઠ્યું, પણ એમાંની એક પણ ચીસનો અવાજ ઘરની બહાર ના ગયો. ⬛ ⬛ ⬛ બીજે દિવસે એ જુવાનિયાઓ આખો દિવસ પોતપોતાનાં ઘરમાં શાંતિથી ઊંઘ્યા. બધાંનાં મા-બાપને લાગ્યું કે હેંગઓવરના લીધે બધાં ઊંઘે છ, પણ જેવા રાતના બાર વાગ્યા કે એ ગામનું દરેકે દરેક ઘર બિહામણી કારમી ચીસોથી ગુંજી ઊઠ્યું. ⬛ ⬛ ⬛ પહેલાં માત્ર એ ઘર હોન્ટેડ હતું. હવે આખું ગામ છે, એ છોકરીને બાદ કરતાં. ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...