તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહજ સંવાદ:ક્ષય પરાજિત થયો, અક્ષરદેહ જીતી ગયો!

5 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
 • કૉપી લિંક
 • ડાકોરમાં સ્મારકની સાથે રાવજી પટેલના અક્ષર સંસારને જોડવાનો પ્રયત્ન થયો. સ્મારક હોવું એ સ્થૂળ ઘટના નથી અને શબ્દદેહ તેનો સહોદર છે. તેનંુ સ્મરણ સાહિત્યની ચેતનાનો અણસાર આપશે

સ્મા રક? અને તે ય સાહિત્યકારનું? મન મનાવવા આપણે એવું કહીએ છીએ કે એનો શબ્દ જ સાચું સ્મારક કહેવાય. પણ સંસ્કૃતિબોધની દૃષ્ટિએ આ વાત અધૂરી છે. ઇંગ્લેન્ડ શેક્સપિયર અને વર્ડ્ઝવર્થનાં ઘરોની સુંદર જાળવણી કરે છે એવું નર્મદ, મેઘાણી કે ગોવર્ધનરાય ત્રિપાઠીનું કેમ ના બને? બની તો શકે પણ તેને માટે સામાજિક ચેતના જોઇએ. હમણાં એક નાનકડું કવિ-સ્મારક જોઇને મન હરખાયું. તીર્થધામ ડાકોરના પશ્ચિમ છેવાડે ચોકમાં રાવજી પટેલની અડધા કદની પ્રતિમા અને તેની આસપાસ વૃક્ષો અને છોડવાઓ લહેરાય છે. ડાકોરથી સાતેક કિલોમીટર પર વલ્લભપુરા ગામ છે, ત્યાં જન્મ્યો હતો આપણો કવિ. માંડ અઠ્ઠાવીસ વર્ષ જીવ્યો; ગામડેથી મહાનગર આવ્યો. કોલેજનો પૂરો અભ્યાસ કરી શક્યો નહોતો, એટલે અનેક ઠેકાણે નોકરી કરી. પુસ્તકાલયથી અખબાર સુધી. ત્યાં તેને ક્ષય રોગ વળગ્યો. (આપણા એક વરિષ્ઠ પત્રકાર વાસુદેવ મહેતાને ય ક્ષય (ટી. બી.) થયો હતો પણ જાતે સારવાર કરીને જીતી ગયા.) રાવજી તેવું નસીબ લઇને નહોતો આવ્યો. જીથરી અમરગઢની ટી. બી. હોસ્પિટલમાં દાખલ કર્યો અને છેવટે આંખો મીંચી લીધી. 15મી નવેમ્બરે, 1939માં તે ખેડૂ પરિવારમાં જન્મ્યો હતો. 10 ઓગસ્ટ,1968ના રોજ મૃત્યુ પામ્યો પણ ક્ષય હાર્યો, અક્ષર જીત્યો! તેની અલ્પપ્રમાણમાં પણ અતિસમૃદ્ધ લેખનયાત્રા રહી. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...’ તો ઘણાના હોઠ પર, આટલાં વર્ષો પછી પણ અસ્તિત્વ ધરાવે છે.

તેણે ‘અશ્રુઘર’ નવલકથા આપી. ‘ઝંઝા’ અને ‘વૃત્તિ’ પણ નવલકથાઓ; તેમાં ‘વૃત્તિ’ અધૂરી રહી ગઇ. આ નવલકથાનું એક પાત્ર હરિ ઑમ તો વૈદ્યરાજ છે! તેને સમગ્ર લોકોને ‘પ્રસન્નચિત્ત’ કરવા છે. તેને માટે ગ્રામભૂમિ એ ઔષધિઓનો અપરંપાર છે. ‘કોરોના’ના ભયાવહ સમયમાં પશ્ચિમનો એક મોટો વર્ગ ધુમાડો ઓકતાં મહાનગરોથી દૂર (અતિ પ્રચલિત શબ્દ છે ‘કન્ટ્રી સાઇડ’) જવાની સ્થિતિ સર્જી રહ્યો છે. રાવજીની નવલકથા ‘વૃત્તિ’નો આ નાયક ગામ વિશે કહે છેઃ ‘ગમે તેમ પણ મનુષ્યનું ખોળિયું જાણે-અજાણે આપત્તિને ઝંખે છે, એ નિઃશંક છે .’ પોતે ઘણી વાર ઝંખ્યું છે કે આ ગ્રામ્યપ્રદેશને સ્વસ્થવૃત્ત કરવો. સૌને પ્રસન્નચિત્ત જોવાનું સ્વપ્ન ક્યારે ફળીભૂત થશે? આ તો ઔષધભૂમિ છે. અહીં શું નથી? માણસોની વસ્તી કરતાં વનસ્પતિ અપાર છે. ઔષધ ખોળવાં મેડિકલ સ્ટોરનાં પગથિયાં ચડવાં પડે તેમ નથી. જરૂર પડે કે તરત ખેડૂતોને કહી દીધું કે ઔષધ સામે પણ અંધની સામે રાજકુંવરી બેઠી હોય એવી સ્થિતિ છે. અહીં તો કોઇને આ મૂંગી અમૃતાસૃષ્ટિની તમા નથી... આ ઝાડી એને સાઇકલ પર બેસવા દે એવી મોકળી નથી. બાવળ અને રતબાવળનું કુળ મુખ્ય માર્ગથી વીસેક ડગલાં દૂર ઊભેલાં મહાદેવના મંદરિથી માંડીને સામા ગામની પંચાયત ઓફિસથી પછીતે વિસ્તરીને વસ્યું છે. વાયુ-ભ્રમણ કેડીઓ જેવી ગૂંચળા ખાતી અસંખ્ય પગદંડીઓ પર સાદાસીધા માણસથી તો પગ જ ન મુકાય અને ભૂલેચૂકેય ય મૂકે તો તે જાય પણ ક્યાં? આ બાવળ તે બાવાળ, આ તરફ પેલી તરફ અને પાછો ઘાંચીના બળદની જેમ ઠેરનો ઠેર આવીને મૂંઝવાઇ જાય. આ પગદંડીઓને ઝાડીની માયા લાગી છે. એનો અસ્ત પણ ઝાડીમાં અને ઉદય પણ ઝાડીમાં. હરિ ઑમ ઘણી વાર આ પગદંડીઓની પ્રપંચભૂમિ પર ચડી ગયો છે. જોગીની જટા જેવી ખીચોખચ રતબાવળી માનવીના ચિકિત્સકને પડકાર કરતી હોય એમ માથાં ધુણાવતી હતી. તું અમને કઇ ઓષધિથી સ્નિગ્ધ કરીશ? પગ તો મૂકી જો અમારી સત્તામાં?’ આ ફકરામાં રાવજીની શબ્દસૃષ્ટિનો અહેસાસ થાય છે. ગ્રામજીવન, પણ ક્યાંય કૃત્રિમતા નહીં. નગર અને ગ્રામ- બંનેના લહેકાનો લિહાજ આપતું આવું વર્ણન નીવડેલો સર્જક જ કરી શકે. તેની વાર્તા, નવલકથા અને કવિતા પિંજરની ભીતર અને બહાર ઊડતાં પંખી જેવો વૈભવ પૂરો પાડે છે.

ડાકોરે, વલ્લભપુરાથી રાવજીને પોતાને ત્યાં સ્થાપિત કર્યો. આપણે ત્યાં સાહિત્યકારોનાં ઘર સચવાયાં છે, ક્યાંક. બધે નહીં. આમજીભાઇ-ભામજીભાઇઓનાં સ્મારકો ઘણાં પણ સર્જક વિશે એવું ખાસ કશું નહીં. થોડુંઘણું કામ થયું છે. નડિયાદની સાક્ષરભૂમિએ સર્જક સર્કિટનું આયોજન કર્યું તે સારું જ થયું છે. ઇન્દુલાલ યાજ્ઞિક તો સાર્વજનિક જીવનના મહા-રથી. દેશ પાસે ‘નેહરુચાચા’ હતા ત્યારે જ ગુજરાતની પ્રજાએ નૈનપુર આશ્રમના ઇન્દુલાલને ‘ઇન્દુચાચા’ તરીકે સમાંતર સ્થાપિત કર્યા હતા. તેમની આત્મકથાના દળદાર ગ્રંથો ગુજરાતને પરખવા માટે ઉત્તમ સંદર્ભો છે. નડિયાદમાં તેમનું મકાન તો છે પણ બહાર એક પટ્ટિકાથી તેવી ખબર પડે બીજું ખાસ કશું નથી. ચોટીલા પર્વતશિખરે બેઠેલાં ચામુંડાનાં દર્શન માટે ભીડ જામે છે પણ ગામના બીજા છેડે ‘પોલીસ બેડા’માં મેઘાણી જન્મ્યા હતા તેને પ્રવાસનસ્થળ તરીકે વિકસિત કેમ ન કરી શકાય? ચાવંડ વિશેની એક કથા પરંપરામાં ઘણીવાર સંભળાય છે કે ઉમાશંકર જોશી તે રસ્તેથી મોટરકારમાં નીકળ્યા ત્યારે ગાડી ઊભી રાખીને ‘ગુજરાતના મહાન કવિ’ કાંતની જન્મભૂમિની ધૂળ માથે ચઢાવી હતી. કોઇ સ્મારક હજુ નથી થયું. કલાપી વિશે થોડો પ્રયાસ થયો. પણ ધૂમકેતુ, ચુનીલાલ મડિયા, અમૃતલાલ શેઠ, હરિશ્ચંદ્ર ભટ્ટ, જયંતી દલાલ, ગુણવંતરાય આચાર્ય, નાનાલાલ, બળવંતરાય ઠાકોર, ખબરદાર, વિજયરાય વૈદ્ય, નરસિંહરાવ દિવેટિયા, આચાર્ય આનંદશંકર ધ્રુવ, ફિરોઝ દાવર, મનુભાઇ ત્રિવેદી, એસ. આર. ભટ્ટ, દેવશંકર મહેતા, ચં. ચી. મહેતા... હજુ કેટલાં બધાં નામો લઇ શકાય? ડાકોરમાં સ્મારકની સાથે રાવજીના અક્ષર સંસારને જોડવાનો પ્રયત્ન દીપોત્સવી પર્વ દરમિયાન જ થયો. મણિલાલ હ. પટેલે તેનું સમગ્ર સાહિત્ય ‘રાવજી પટેલનું સાહિત્યવિશ્વ’ નામે સંપાદિત કર્યું તેનું સાહિત્ય અકાદમીએ લોકાપર્ણ કર્યું. સ્મારક હોવું એ સ્થૂળ ઘટના નથી અને શબ્દદેહ તેનો સહોદર છે. પુસ્તકો અને પાઠ્યપુસ્તકો, ગ્રંથાલયોની બહાર પણ તેનું સ્મરણ સાહિત્યની ચેતનાનો અણસાર આપશે. vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો