રિસેપ્શન હોલમાં પ્રવેશતાની સાથે મારી નજર લાંબી લાઇન ઉપર પડી. નવદંપતીને અભિનંદન, આશીર્વાદ અને ગિફ્ટ આપવા માટે ઘણાંબધાં લોકો કતારમાં ઊભાં હતાં. મને ક્યાંય પણ, કોઇ પણ કતારમાં ઊભા રહેવું ગમતું નથી. ભીડ ઓછી થાય એ પછી સ્ટેજ પર જવાનું નક્કી કરીને હું એક ખાલી સોફામાં ગોઠવાઇ ગયો.
સેલિબ્રેશનનો માહોલ પૂરબહારમાં જામ્યો હતો. અમદાવાદનો વરરાજા હતો અને મુંબઇની કન્યા હતી. બંનેનું મિલન ઓસ્ટ્રેલિયામાં થયું હતું. એમના પરિણય ઉપર બંને પરિવારોએ મંજૂરીની મહોર મારી દીધી હતી.
સામાન્ય રીતે હું સામાજિક પ્રસંગોમાં હાજરી આપતો નથી; સમયનો અભાવ અને બહારનું ખાવાની અનિચ્છા, આ બે આવા સમારંભોમાં ન જવા માટેનાં મુખ્ય કારણો છે પણ અહીં આવવું જ પડે તેમ હતું. વરરાજાનાં મમ્મી-પપ્પા સાથે નિકટની આત્મીયતા બંધાઇ હતી.
જ્યારે તમે માત્ર મુખ્ય પરિવારને જ ઓળખતા હો ત્યારે વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. તમારો પરિચિત પરિવાર તો સ્ટેજ પર વ્યસ્ત હોય છે. મંચની નીચેના સેંકડો મહેમાનોમાંથી તમે કોઇને ઓળખતા નથી હોતા; એ લોકોમાંથી કોઇ તમને ઓળખતું નથી હોતું. એટલે આપણી પાસે ચૂપચાપ બેસીને બધું જોયા કરવા સિવાય બીજું કંઇ કામ રહેતું નથી. હું ડબલ સોફામાં એકલો બેસીને કંઇ જ ન કરવાનું કામ કરી રહ્યો હતો. ચારે બાજુ શોરબકોર હતો. મોંઘી સાડીઓમાં ઘૂમતી સ્ત્રીઓ હતી અને સ્લીવલેસ ગાઉનમાં ઊછળતી કૂદતી યૌવનાઓ હતી. સોનાનાં આભૂષણોનો પીળો ચળકાટ, કેમેરાની ફ્લેશલાઇટનો સફેદ ઝબકાર અને વાતાવરણમાં ફોરાતો પર્ફ્યૂમનો પમરાટ વાતાવરણને ઉલ્લાસથી ભરી દેતો હતો.
અચાનક એક યુવાન મારી સામે આવીને ઊભો રહ્યો અને પૂછવા લાગ્યો, ‘આપ ડો. ઠાકરસાહેબ છો ને?’ એને ખાતરી જ હશે એટલે મારા જવાબની રાહ જોયા વગર બીજો પ્રશ્ન પૂછ્યો, ‘હું સોફા પર બેસી શકું?’ આ વખતે પણ એને મારા જવાબની ખબર હશે જ એટલે મારી સંમતિની રાહ જોયા વગર સોફા પર બેસી ગયો હશે.
આ તમામ ગતિવિધિ દરમિયાન મારું મગજ બૂલેટ ટ્રેનની ઝડપે દોડવા લાગ્યું હતું. હું વિચારી રહ્યો હતો આ કોઇ વાચક હશે? મારો ફોટો કે વિડીયો જોવાના કારણે ઓળખી ગયો હશે? મારો જ્ઞાતિબંધુ હશે? ચહેરા અને નામની બાબતમાં હું તદ્દન ભુલકણો છું. લાખ કોશિશો કરવા છતાં મારી સામે દેખાતા ચહેરાની કોઇ ઓળખ ઊપસી આવી નહીં. મેં પ્રામાણિકતાથી જણાવી દીધું, ‘કંઇ યાદ નથી આવતું. ભાઇ, ખરાબ ન લગાડશો. જો કશીક ક્લ્યૂ આપો તો યાદ આવી જશે.’
‘મારું નામ આનંદ. મારી પત્ની હર્ષાની ડિલિવરી તમારા મેટરનિટી હોમમાં થઇ હતી. તમે સીઝેરિયન ઓપરેશન કરીને અમને એક મજાની ઢીંગલી ગિફ્ટમાં આપી હતી. હવે યાદ આવ્યું, સાહેબ.’
આનંદે એવું માની લીધું હશે કે એણે મને પૂરતી ક્લ્યૂઝ આપી દીધી છે, પણ મારી વિસ્મૃતિ એની ધારણાની બહાર હતી. મારા ચહેરા પરનો ભાવ વાંચીને એણે વધારે માહિતી આપી, ‘સાહેબ, અમારી વિનંતીને માન આપીને તમે સીઝેરિયનનો દિવસ અમારી મેરેજ એનિવર્સરીના દિવસે જ ગોઠવી આપ્યો હતો. હવે યાદ આવ્યું?’
‘ના. હજી યાદ નથી આવતું. પતિ-પત્નીની જન્મતારીખ અથવા લગ્નની વર્ષગાંઠ ઉપર સંતાન જન્મે એવી ફરમાઇશ ઘણાં કપલ્સ કરતા હોય છે. મને કંઇ એવું જણાવો, જે યુનિક હોય.’
આનંદને યાદ આવ્યું, ‘મારી વાઇફ હર્ષાને કાર્ડિયાક પ્રોબ્લેમ હતો. ડોક્ટરે એને પ્રેગ્નન્સીની મનાઇ કરી હતી. લગ્નજીવનનાં પાંચ વર્ષ સુધી અમે સંતાનપ્રાપ્તિની ઇચ્છા રાખ્યા વગર અમારી રીતે અમારી જિંદગી માણતાં રહ્યાં. એ પછી એક રાત્રે હર્ષા રડી પડી. એણે જીદ પકડી કે મારે મા બનવું જ છે. મારું જે થવાનું હોય તે ભલે થાય. એ પછી અમે તમારી પાસે આવ્યાં હતાં.’
મારા મુખ પરના હાવભાવમાં જાણકારીનો આખો પટારો ઊઘડી ગયો. મેં કહ્યું, ‘હા, તમે પહેલી વાર આવ્યા ત્યારે હર્ષાને પાંચમો મહિનો જતો હતો. કાર્ડિયોલોજિસ્ટની ફાઇલ વાંચીને મેં તમને ઠપકો પણ આપ્યો હતો. પછી નાછૂટકે મેં તમારો કેસ સ્વીકાર્યો હતો.’
આ એક ક્લ્યૂને કારણે મને આખો કિસ્સો યાદ આવી ગયો. એ પણ યાદ આવી ગયું કે હર્ષા અમદાવાદની નજીકના એક ટાઉન પ્લેસમાં આવેલી હાઇસ્કૂલમાં ટીચરની જોબ કરતી હતી. એના વિધવા મમ્મી એ જ ટાઉનમાં રહેતાં હતાં. લગ્ન કરીને અમદાવાદમાં આવ્યાં પછી પણ હર્ષાએ નોકરી ચાલુ રાખી હતી. મેં સૌથી પહેલી સલાહ હર્ષાને આ આપી, ‘કાં નોકરી છોડી દો, કાં રજા મૂકી દો.’
‘નોકરી તો હું નહીં છોડું. આટલી બધી લાંબી મુદતની રજા પણ મારે લેવી નથી. ત્રીજો કોઇ ઉપાય હોય તો મને બતાવો.’
હર્ષાની વાત સાંભળ્યાં પછી મેં એને સમજાવ્યું કે હાર્ટ પ્રોબ્લેમની સાથે પ્રેગ્નન્સી હોવાથી રોજ ટ્રેનમાં અપડાઉન કરવું એ હિતાવહ નથી. એણે જવાબ આપ્યો, ‘જો એવું હોય તો હું મમ્મીના ઘરે રહીને જોબ ચાલુ રાખીશ. આઠમા મહિના પછી અમદાવાદ આવી જઇશ. પછી તમે મારો કેસ હાથમાં લેશો તો ખરા ને?’
મેં હા પાડી. સિનિયર પ્રેક્ટિશનર બન્યા પછી આમ પણ સીધા સરળ દર્દીઓ મારી પાસે ઓછા આવે છે; જેટલા આવે છે એ બધા કોમ્પ્લિકેટેડ જ હોય છે. મેં પ્રસૂતિની તારીખ કાઢી આપી હતી એના દસેક દિવસ પહેલાં એ બંને મારી પાસે આવ્યાં. મને વિનંતી કરી, ‘ત્રીજી તારીખે સીઝેરિયન કરી આપશો? અમારે નોર્મલ ડિલિવરી માટે રાહ જોવી નથી. એ દિવસે અમારી મેરેજ એનિવર્સરી આવે છે.’ મેં હા પાડી અને મજાક પણ કરી લીધી, ‘એમ કહોને કે એકસાથે બબ્બે પ્રસંગો એક જ પાર્ટીમાં સમાવી
લેવા છે.’
ત્રીજી તારીખે ઓપરેશનમાંથી પરવારીને એક કલાક બાદ જ્યારે હું સ્પેશિયલ રૂમમાં હર્ષાને જોવા માટે ગયો ત્યારે મેં ત્યાં એક સુંદર દૃશ્ય જોયું. પીડા વેઠીને પણ માતૃત્વનું સ્મિત છલકાવતી હર્ષા પડખામાં સૂતેલી નિર્દોષ પરીને જોઇ રહી હતી. પલંગની બાજુમાં ઊભેલો આનંદ વાદળની જેમ ઝૂકીને વહાલી પત્ની અને નવજાત દીકરીની ઉપર પ્રેમવર્ષા વહાવી રહ્યો હતો. કવિ રામનારાયણ પાઠકના સુંદર કાવ્ય ‘મંગલ ત્રિકોણ’ને મેં ત્યાં મૂર્તિમંત થતા જોયો.
એ સમય કપૂરની જેમ ઊડી ગયો, એની સ્મૃતિ યાદ ન રહી, પણ સુગંધ યાદ રહી ગઇ, જે અત્યારે અચાનક હોટલમાં યોજાયેલા મેરેજ રિસેપ્શનમાં ફરીથી તાજી ગઇ.
‘મને બધું યાદ આવી ગયું. કેમ છે હર્ષા અને તારી દીકરી? શું નામ રાખ્યું એનું?’ મેં લાગણીની નિસ્બત સાથે પૂછ્યું. આનંદના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ, ‘મારી પત્ની મારી સાથે ઝઘડીને કાયમ માટે એની મા સાથે રહેવા ચાલી ગઇ છે. કોઇ ખાસ મોટો પ્રશ્ન ન હતો. મારો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી ક્યારેક અમારી વચ્ચે ચણભણ થઇ જતી હતી. પછીથી હું માફી પણ માગી લેતો હતો, પણ મારા સ્નેહ કરતાં એને પોતાનું સ્વમાન વધારે વહાલું લાગ્યું. મેં એને મનાવવા માટે અસંખ્ય વાર ફોન કર્યા, પણ એ મારી સાથે વાત કરવા તૈયાર નથી. હું હર્ષાને પણ મિસ કરું છું અને મારી દીકરીને પણ.’
આવા કિસ્સાઓ જોઉં છું ત્યારે મને ભારે દુઃખ થાય છે. મા-બાપના ઝઘડા વચ્ચે એક નિર્દોષ બાળકીનું શૈશવ કચડાઇ રહ્યું છે. મેં મદદ ઓફર કરી, ‘હું હર્ષાને સમજાવવાનો પ્રયત્ન કરું? ચાર દિવસ પછી એક કાર્યક્રમ અંગે એના શહેરમાં જવાનું છે. તું જો નંબર આપે તો હું એને ફોન કરીને, એના ઘરે જઇને મા-દીકરીને સમજાવવાની કોશિશ કરું. એના પેટ ઉપર મારી સિગ્નેચર મોજૂદ છે. મેં આપેલા સ્કારની એ ઇજ્જત જાળવશે એવો મને વિશ્વાસ છે.’
આનંદ હર્ષાનો મોબાઇલ નંબર આપવા ગયો તો ખરો પણ પછી અટકી ગયો, ‘રહેવા દો, સાહેબ. જે સ્ત્રીએ પડખાંના સંબંધનું માન નથી જાળવ્યું, એ પેટ પરના સ્કારનો સંબંધ શું જાળવશે? મારે તમને અપમાનિત નથી થવા દેવા.’
સ્ટેજ પરની ભીડ ઓસરી ગઇ હતી. હું નવદંપતી પાસે ગયો. માથાં પર હાથ અને દંપતીના હાથમાં ગિફ્ટ મૂકીને મનોમન બોલી ગયો, ‘ગમે તે થાય પણ અલગ ન થશો. જોડે રહેજો હો રાજ!’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.