દેશી ઓઠાં:ભરોહો

અરવિંદ બારોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાનું એવું ઝરડકા ગામ. આથમણે ઝાંપે કડવી ડોશીનું ઘર. નામ એવા જ ગુણ. મોઢેથી કોઈ દી મીઠું વેણ નો નીકળે. દીકરો, વહુ ને છોકરાંય છેટાં ભાગે. આખો દી વાડીએ જ રહે, દી આથમ્યે ઘરે આવે. ગામનુંય કોઈ એને બોલાવે નહીં. ડોશી ઘરમાં એકલાં જ હોય. એંસીની અવસ્થા, પણ નરવાઈ ઘણી. નવરાશ નો ગમે. વીઘા એકનું ફળિયું, ઊંચી પડથારનાં ઘર, ફરજો ને વાડો. ડોશીનો સાવરણો ફરતો હોય. છીંક આવે એવું બધું ચોખ્ખું ચણાક રાખે. એક દી બપોરે કામકાજથી પરવારીને કડવીમા ઓસરીની કોરે આડે પડખે થ્યાં છે. ફળિયામાં ખાટલા માથે ઘઉં તડકે મેલ્યા છે. એટલી વારમાં શેરીમાંથી એક બકરી નીકળી. ખડકી ઉઘાડી ભાળી. ફળિયામાં ખાટલો ભાળ્યો. ખાટલામાં ઘઉં ભાળ્યા. ઘઉં ખાવાની અબળખા થઈ. બકરીએ ડેલીમાં પગ મૂક્યો. ઓસરીની કોરે ડોશીને દીઠાં. બકરી મૂંઝાણી: ‘ફળિયામાં ઘઉં છે, ને ઓસરીમાં ડોશી છે. શું કરું?’ બકરીની બુદ્ધિએ કીધું: ‘ડોશી તો સૂતાં છે! ઘઉં રેઢા છે. ને રેઢા ઘઉં તો ખવાય!’ વળી બકરીએ બુદ્ધિને પોતાની શંકા બતાવી કે ડોશી તો આડાં પડ્યાં છે. વખત છે ને સૂતાં નો હોય ને જાગતાં હોય તો? બુદ્ધિ પાસે જવાબ તૈયાર હતો: ‘ડોશીમાની આંખ્યું બંધ છે એટલે ઈ સૂતાં છે ને ભર ઊંઘમાં છે. મોડું નો કરાય, ઘઉં ઉપર તૂટી પડાય.’ બકરી ફળિયામાં આવી, ધીમે ધીમે ખાટલા પાસે આવી. ઘઉંમાં મોઢું નાખ્યું. બકરીને તો જામો પડી ગ્યો. કડવીમા કાણી આંખ્ય કરીને આખો તાલ જુએ છે. બકરી તો ખાવામાં તલ્લીન છે. ડોશી ધીમેકથી ઊઠ્યાં. હળવે હળવે ખડકી બંધ કરી. ધોકો લીધો. પછી તો ધોકો ને બકરી, બકરી ને ધોકો. બકરીને ધોકે ધોકે ધબેડી નાખી. બકરીની કેડ ભાંગી નાખી. ડેલી ઉઘાડીને બકરીને ઢસડીને શેરીમાં નાખી દીધી. ડેલી કરી બંધ. બકરી ઢસડાતી ઢસડાતી ઝાંપે ગઈ. આખા પંથકનાં બકરાંની નાત ભેગી કરી. ભાષણ કર્યું: ‘મારાં ભાયું ને બેનું! સાંભળો સાંભળો! મારે એક વાત કહેવી છે. આખા જગતમાં દારૂડિયાનો ભરોહો કરજો, ચોર-લૂંટારાનો ભરોહો કરજો, અરે, ખાટકીનોય ભરોહો કરજો...પણ, આંખ્યું બંધ રાખીને જાગતા હોય એનો ભરોહો નો કરતા.’⬛

અન્ય સમાચારો પણ છે...