મોસમ માત્ર ઠંડીની નથી, ચૂંટણીના ઉનાળાની પણ છે. હજુ હમણાં ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનાં પરિણામો આવ્યાં. અને હવે ઈશાન ભારતનાં ત્રણ રાજ્યો પોતાની નવી સરકારને માટે થનગની રહ્યાં છે.
આ ઈશાન ભારત અને તેના સાત પ્રદેશો-જે સપ્ત ભગિનીના નામે ઓળખાય છે-ની અસ્મિતા પોતાની છે. વનવાસી, અસમિયાં (અહોમ). બંગાળી, મુખ્ય પ્રજા. ઉમેરો થયો તે મુસ્લિમોનો એક સમૂહ બાંગ્લાદેશ કે પૂર્વ પાકિસ્તાનમાંથી આવ્યો, તેઓ માત્ર હિજરતી નહોતા, ઘૂસણખોર સંકટના પ્રતિનિધિ હતા. જમીન, નોકરી, ભાષા, અને મતદાર બનીને રાજકારણમાં પણ પ્રવેશ્યા. તેના સંગઠનો થયાં. ઐતિહાસિક અને ભૌગોલિક કારણો સાથે જોડાયેલા ધર્માન્તરને લીધે આદિવાસી પ્રજામાં ઈસાઈ જીવનશૈલી પણ ઉમેરાઈ એટ્લે ક્યાંક દેશથી વિપરીત માનસિકતા પેદા થઈ. ‘તમે ઈન્ડિયાથી આવો છો...’ એવું અન્ય ભારતીય પ્રદેશોના મુલાકાતીઓને કહેવામાં આવતું. નાગાલેન્ડની તો માગણી ભારતથી અલગ નાગાલેન્ડની રહી હતી. તેનો નેતા અંગામી જાપુ ફિઝો મૂળ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાનો સહયોગી હતો, સ્વતંત્રતા પછી તેને સમજવામાં ઉપેક્ષા થઈ એટલે નાગાલેન્ડનો અલગાવવાદી નેતા બની ગયો. આમ કેમ થયું તેનું ચિંતન આપણે, રાજનીતિ કે સમાજનીતિના સ્તરે કર્યું જ નહીં. પરિણામે સાતે રાજ્યોમાં અલગાવવાદ પેદા થયો. અને દરેક પ્રદેશો એકબીજાની સામે ઘૂરકવા માંડ્યા. મિઝો જાતિએ લાલ ડેંગાના નેતૃત્વમાં વિદ્રોહ કર્યો. ગ્રેટર મિઝોરમની માગણી થઈ. ત્રિપુરામાં માઇતેયી અને આમરા બંગાલી જેવાં જૂથ ઊભાં થયાં. ઉલ્ફા તો વળી ભારતથી અલગ વૈજ્ઞાનિક મુક્ત અખંડ આસામની માગણી સુધી પહોંચ્યું. ચીન અને બાંગ્લાદેશમાંથી સૈનિકી અને આર્થિક મદદ મળતી હતી. આસામનાં યુવકો અને સ્ત્રીઓએ મોટા પાયે આસામ આંદોલન કર્યું ત્યારે અનેક સરકારી હિંસાચાર થયા. આ ઉત્પાતનો નજરોનજર સાક્ષી બનવાનું આ લેખકને અનેકવાર બન્યું છે ત્યારે કોટન કોલેજના પ્રાંગણમાં વીર લચીત (આસામના શિવાજી તરીકે ખ્યાત બહાદુર રાજવી)ના તૈલચિત્ર સમક્ષ માથું નમાવતા 1980ના આંદોલનના છોકરડાઓમાંના એકે મને કહ્યુંુ હતું કે અમારી ચિંતા એટલી જ છે કે બાકી દેશ અમારી કેટલી ચિંતા કરે છે.
આ ચિંતા વાજબી હતી અને છે. આવડા સમૃદ્ધ પ્રદેશને વિકાસના રસ્તે પહોંચાડવાને બદલે સ્યહાનિક ઘૂસણખોરીની ચિંતા કરવી પડી. આજે પરિસ્થિતિ આંશિક બદલી છે. નહેરુ અને જયપ્રકાશ જેમાં નિષ્ફળ ગયા ત્યાં ધીમે ધીમે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીયતાનો ભાવાત્મક માહોલ સર્જાતો થયો તેનો પડઘો રાજ્ય સરકારો, તેનું નેતૃત્વ અને ચૂંટણીમાં પડવા લાગ્યો છે. પરિસ્થિતિ સાવ સુધરી નથી પણ 1962માં ચીની આક્રમણ અને તે પછી ઘૂસણખોરી સમયે જે હતાશા હતી કે દેશે એમને એકલા છોડી દીધા હોય તેવી હતાશા હતી દૂર થવા લાગી છે.
રાજકીય પરિસ્થિતિમાં પણ ફેરફાર થયો. આસામની એકહથ્થુ સત્તા કોંગ્રેસને છોડવી પડી. બીજાં નાનાં રાજ્યોમાં ઉત્પાત ઓછો થયો. છાપામાર અલગાવવાદી ફેરવિચાર કરતા થયા, કેટલાંક જૂથો સાવ નષ્ટ થયાં. નાગાલેન્ડમાં પણ સ્થાનિક પક્ષોની માનસિકતા બદલવા માંડી છે.
આ સંજોગોમાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ, નાગાલેન્ડમાં અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. મેઘાલયમાં 21.64 લાખ મતદારો છે. નાગાલેન્ડમાં 13.17 લાખ અને ત્રિપુરામાં 28.23 લાખ મતદારો છે. અત્યારે ત્રિપુરામાં ભાજપનો ધ્વજ ફરકે છે. 33 બેઠકો સાથે તે બહુમતીમાં છે. પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના 4 ધારાસભ્યો છે. સામ્યવાદી એમ 15 બેઠકો ધરાવે છે. કોંગ્રેસની એકમાત્ર બેઠક છે. આઇપીએફટીનું જોડાણ ભાજપની સાથે અને કોંગ્રેસનું સીપીઆઇ સાથે છે. ત્રિપુરામાં એક સમયે સામ્યવાદીઓનો સૂરજ તપતો હતો, હવે તે સ્થિતિ રહી નથી. 12 જેટલાં અલગાવવાદી જૂથો અસ્તિત્વમાં છે.
મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીનું વર્ચસ્વ છે. બીજી યુ.ડી.પી. પાર્ટી 8 બેઠકો ધરાવે છે. ભાજપની પાસે બે બેઠકો છે. બીજા નાના પક્ષો પણ અસ્તિત્વમાં છે. કોંગ્રેસ શૂન્ય સંખ્યા સાથે લડશે. નાગાલેન્ડમાં એન.ડી.પી. (નેશનલ ડેમોક્રેટિક પીપલ પાર્ટી) 41 બેઠકો સાથે સત્તા પર છે અને ભાજપા સાથે તેનું ગઠબંધન છે. ભાજપા અહીં 12 બેઠકો ધરાવે છે.
પૂર્વોત્તરનાં આ ત્રણ રાજ્યો ઉપરાંત આસામ, મિઝોરમ, અરુણાચલ અને મણિપુર છે. ભાજપનો પ્રભાવ ઈશાન ભારતમાં છેલ્લાં 10 વર્ષમાં વધ્યો તેણે રાજકીય પંડિતોમાં આશ્ચર્ય જન્માવ્યું છે. સંપૂર્ણ રાષ્ટ્રવાદનો પ્રભાવ આ રાજ્યોમાં ક્યારેય સર્જાયો નહોતો. અલગાવ અહીંની જીવનશૈલી બની ગઈ હતી. વિવિધ પરિબળો અને સ્થાપિત હિતોના કારણે સામાન્ય પ્રજાને પરેશાની ભોગવવી પડતી હતી તેવા સંજોગોમાં ભાજપના પાયા નંખાયા. જેમ બંગાળમાં જનસંઘ અને પછી ભાજપ ભૂતકાળમાં કોઈ રીતે અસરકારક રહ્યો નહીં તેવું ઈશાન ભારતમાં પણ બન્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અનેક સંસ્થાઓ વિપરીત સંજોગોમાં સક્રિય રહી, પણ રાજકીય સ્વરૂપ નબળું હતું.
કેટલાંક વર્ષોથી પરિસ્થિતિ બદલાઈ છે. કોંગ્રેસના દુભાયેલા નેતા હેમંત બિશ્વાસ શર્માની સાચી પ્રભાવક શક્તિ કોંગ્રેસને છોડી દીધા પછી વધુ બહાર આવી. કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે તેઓ તત્કાલીન પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીની પાસે રજૂઆત કરવા ગયા ત્યારે, તેમણે પોતે નોંધ્યું છે તેમ, રાહુલને આસામની પોતાના પક્ષની સમસ્યા સમજવાને બદલે પાસે બેઠેલા શ્વાનને બિસ્કિટ ખવડાવવામાં વધુ રસ હતો. છંછેડાયેલા હેમંતે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા, આજે તેઓ આસામના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા છે. આનો અર્થ એવો કે ઈશાન ભારતની ત્રણ પ્રદેશોની ચૂંટણીમાં સારો દેખાવ કરવો હોય તો પણ શું કરવું જોઈએ તેનો વિચાર આ પક્ષે કરી લેવો જોઈએ.{
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.