બુધવારની બપોરે:ફાટેલા જીન્સ માટે ફાટેલો લેખ

3 મહિનો પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

સુથારે બંને લમણાં રંધો મારીને છોલી નાંખ્યા હોય, એવી હેરસ્ટાઈલ જોઈને ઘણાંને નવાઈ નહીં, આઘાત લાગે છે. માથાની ઉપર, અગાસીમાં જવારા વાવ્યા હોય એવા સીધા અને ઊભા ઘટાદાર વાળ, પણ આજુબાજુના લમણાં અગાસીની લાદી ઉપર સિમેન્ટ પાથર્યો હોય એવા કોરાધાકોડ! હજી કાંઈ બાકી રહી જતું હોય તેમ બેમાંથી એક આંખની ભ્રમરની વચ્ચેથી કટકી કાપી નાંખવાની. વાળકાપુ વેપારીઓને પણ, પહેલાં રતનપોળમાં કાપડની દુકાન હોય એમ માલ વેચતા જબરદસ્ત આવડી ગયો છે. એ લોકો જાણે છે કે, પુરુષો બિચારા માથા ઉપર શણગાર કરાવી કરાવીને કેટલો કરાવે? યુવતીઓ પાસે લાંબા વાળને કારણે સેંકડો હેરસ્ટાઈલ બને, પુરુષો પાસે કેટલા વિકલ્પો છે? બહુ બહુ તો બોડીયું કરાવે! એટલે દેશભરના હેરડ્રેસરોએ પહેલું કામ બાલ-દાઢી કાપવાનો ચાર્જ તોતિંગ કરી નાંખ્યો. 40-50 રૂપિયામાં વાળ કપાવનારનું માથું હેરડ્રેસરના કહ્યા વગર ઝૂકી જાય, એ જમાનો ગયો. માથાના વાળ (એમના પપ્પાઓના) ઊભા થઈ જાય એટલો ચાર્જ ચૂકવીને વાળ કપાવો તો તમે ઓન ‘લાઈન’ છો, એવું કહેવાય! મારો ગ્રાન્ડસન તો ‘વર્લ્ડ-હેર-કપ’ જીતીને આવ્યો હોય એમ ઉછાળા મારતા આનંદમાં મને કહે, ‘દાદાજી, મારો હેરડ્રેસર આજે ખરેખરનો મૂંડાયો... મેં ફક્ત બે જ લટ કપાવી હતી ને મારી પાસે ફક્ત અઢારસો રૂપિયા જ લીધા...! બિચારો શું કમાયો હશે?’ ... ને તોય હું, આ અઢારસો આખા વર્ષનો ચાર્જ સમજેલો! (મને તો, તોય એ મોંઘો પડે!) જોનારને ચીતરી ચઢે એવી હેરસ્ટાઈલો વેચવામાં એ લોકોએ મોટાં મેદાનો માર્યાં છે. આવા વાળ કપાવનારો તો એમ જ સમજે છે કે, ‘I look very hot, you know!’ તારી બાનું કપાળ, ડોબા! તારો હોટ દેખાવ તારી હેરસ્ટાઈલને જ આભારી હોત તો હાથ-પગની રૂવાંટીઓનીય અંબોડી વાળ ને! હવે તો યુવતીઓ કરે એ જ કરવાનું ચાલુ છે, એટલે કાનમાં કુંડળ અને નાકની નથણી પહેર્યા પછી બાકીય શું રહ્યું? એની પોતાની ચામડીના રંગ માટે એને અભિમાન ભલે ન હોય, પણ ઘણા તો પહેલેથી ભીનેવાન હોય ને ગળા ઉપર કાળાં કાળાં છૂંદણાં મૂકાવે. હાથ તો પહેલેથી છૂંદણાઓથી કાળો ડિબાંગ ભરેલો હોય ને સમાજને જેટલી હદે પગ બતાવી શકાય ત્યાં સુધી છૂંદણાં (ટેટૂ) મૂકાવ્યા હોય...! સાલું, આ લોકો આંખના ડોળાં કે જીભ ઉપર ટેટૂ કેમ મૂકાવતા નહીં હોય? ફેશન તો ત્યાંથીય બતાવી શકાય.! પુરુષાતનના જમાના ગયા હવે! હવે તો પુરુષના માથાની પાછળ તેલ નાંખેલી અંબોડી અને એની નીચે ચોટલો ઝૂલતો હોય, એ બહુ ધાંસુ ફેશન કહેવાય, બોલો! આઘાતની વાત એ છે કે, સદીઓથી બંને લમણે વાળ હોય ને ઉપર ચળકતી તપેલી મૂકી હોય એવી હેર... સોરી, એવી ‘ટાલ સ્ટાઈલ’ તો હજી પ્રવર્તમાન છે. અમારા જમાનામાં ઘઈઢીયાઓ એવી બહુ વાપરતા. માથે તેલ ચોળવાની, હેરડાઈ વાપરવાની કે એમાંથી કોઈ ક્રિએટિવ હેરસ્ટાઈલ બનાવવાનું પોસિબલ જ નહોતું... ને તોય, આવાઓના ખિસ્સામાં કાંસકો અચૂક હોય! ખંજવાળ આવે તો ઢીંચણ કે કોણી ખણવાના કામમાં લેવાતો હશે... સુઉં કિયો છો, તમે? વગર એક્ટિંગે મને કોઈ ખડખડાટ હસાવતો હોય તો રણવીરસિંઘ. એ કોઈ જગ્યાએ હખણો ઊભો રહી શકતો નથી. કહે છે કે, એના જેવા કપડાં અને એની કલર પસંદગી જોઈને પાકિસ્તાની ટ્રકો યાદ આવે. એ ટ્રકો એટલા બધા કાબરચીતરા રંગો અને ઝૂલણીયાઓથી સજાવી હોય કે, આપણા રણવીરસિંઘને લાઈફટાઈમના કપડાંની પસંદગીનો ચાન્સ મળી ગયો! પાછું, માથે ભરચક તેલ નાંખેલી અંબોડી, ક્યાંથી જોવાનું છે, એ સમજાય નહીં એવા રાત્રે પહેરતો ગોગલ્સ, રંગના 10-15 ડબ્બાઓમાં બોળેલો કૂચડો હોય ને શૂટ ઉપર લિસોટા પાડ્યા હોય એવા દરેક ફ્રેમમાં એના કપડાં... અને છતાંય અદ્્ભુત એક્ટર રણવીરસિંઘ કેમ આવા ચાળા કરતો હશે, એની દીપિકાનેય ખબર પડતી નહીં હોય, કારણ કે... એ એનાથી એક દોરો ઉતરે એવી નથી! ચાર બિંદુઓ, આઠ જયશ્રી.ટી.ઓ અને બાવીસ પદ્મા ખન્નાઓ તોડીને એક બનાવી હોય એવી દીપિકા લાગે છે. એનું કામ, જરૂર હોય કે નહીં, બસ, હસહસ કરે જવાનું! મેકઅપ વગર બેનને જુઓ તો ધોળ્યા વગરનું ગોડાઉન લાગે! અફકોર્સ, રણવીરસિંઘ મને એક્ટર તરીકે પરફેક્ટ લાગે છે. એની પહેલી ફિલ્મ ‘બેન્ડ, બાજા, બારાત’ (અનુષ્કા શર્મા સાથે) મેં જોયેલી સુંદર ફિલ્મો પૈકીની એક હતી. એક્ટર તરીકે કપિલ દેવનું રૂપ ધારણ કરીને ભ’ઈએ (ફિલ્મ ’83) અફકોર્સ, જાજરમાન અભિનય કર્યો હતો, પણ ટીવી પરની એકેય એડમાં એ હખણો ઊભો રહી શકતો નથી. આવા વાળ કે આવા કપડાં ધરતી પર માનવજીવનની શરૂઆત થઈ ત્યાર પછી પહેલી વાર કોઈએ પહેર્યાં હોય તો રણવીરસિંઘે! કબ્બુલ કે, ફેશનમાં લોજિક ન જોવાય એટલે જીન્સના બંને ટાંટીયાઓ ઉપર અનેક કાણાંઓનું લોજિક શું હશે, એ હું પૂછું તો ખરો ને? (હવા બારીઓ...?) જીન્સ તો ઈ.સ. 1820ની આસપાસની ફિલ્મોમાં ચાર્લી ચેપ્લિન અને લોરેલ-હાર્ડી પહેરતા અને એ કારખાનામાં મિકેનિકનું કામ કરવાનું હોય ત્યારે! જીન્સ બન્યા જ હતા, ફેક્ટરીના કામદારો માટે! ને તોય, જીન્સ મને ગમે છે, પણ એમાં કાણાં પડાવી આવવાનું લોજિક સમજાતું નથી. થેન્ક ગોડ... હજી ચોકક્સ સ્થાનો પર કાણાંઓવાળાં જીન્સ શરૂ થયાં નથી...! નવાઈ તો એ લાગે કે, પરમેશ્વરે હિન્દુઓને આટલો હેન્ડસમ ચહેરો આપ્યો હોય, એને કાળી અટપટી દાઢીથી રંગવો શું કામ જોઈએ? દાઢી ઉપર ટેરેસ પરની જાળી જેવી કાણાં-કાણાંવાળી ડિઝાઈન પડાવી હોય! હવે તો દાઢી ઉપર ભૂમિતિવાળી ડિઝાઈનો પડાવે છે! આમ તો કોઈ ચહેરા ઉપર નાનકડી માખી જેટલો ડાઘેય કોઈ બર્દાશ્ત ન કરે, પણ આ લોકો તો ગાલ ઉપર કાળી થેલી ચોંટાડી છે કે દાઢી ઊગાડી છે, એની ખબર પડવા દેતા નથી. છીઈઈઈઈ... લખતાય જુગુપ્સા થાય છે કે... આ લોકોનું ચાલશે તો નાકના વાળ વધારીને ચોટલી બનાવશે...!{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...