સાયન્સ અફેર્સ:સૃષ્ટિને નુકસાનકર્તા ટોપ 10 પ્રાણીઓ

નિમિતા શેઠ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવ પ્રવૃત્તિના કારણે વન્ય વિસ્તારો સાંકડા થયા છે. તેથી હાથી પર્યાવરણનો ભોગ લે છે

વિજ્ઞાન લેખક બ્રાયન નેલ્સને અભ્યાસ કરીને પર્યાવરણ માટે હાનિકારક એવાં ‘ટોપ-10’ પ્રાણીઓની યાદી તૈયાર કરી. પર્યાવરણવાદી વેબસાઈટ ‘ટ્રી હગર’ પર આ યાદી પ્રકાશિત કરવામાં આવી છે. યાદીમાં દસમા ક્રમે હાથી છે. ખોરાક સુધી પહોંચવા માટે હાથી ઝાડની ડાળીઓ તોડી નાંખે છે, નાનાં વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાંખે છે. આ શક્તિશાળી પ્રાણીનાં બળથી એકસાથે અનેક વૃક્ષો નુકસાન પામે છે. મોટાં જંગલોમાં ફરતા હાથીને આસાનીથી ખોરાક મળતો હોવાથી એટલી હાનિ નથી કરતા, પણ માનવ પ્રવૃત્તિના કારણે વન્ય વિસ્તારો સાંકડા થયા છે. તેથી હાથી પર્યાવરણનો ભોગ લે છે. નવમા ક્રમે આવતાં તીડ કરોડોનાં ઝુંડમાં ત્રાટકીને સેંકડો કિલોમીટરના વિસ્તારમાં વનસ્પતિનો ખાતમો બોલાવી શકે છે. જોકે, અલગ અલગ પ્રદેશ પ્રમાણે તીડની ચોક્કસ સીઝન હોય છે. આઠમા ક્રમે એક ખાસ પ્રકારની તારા માછલી (crown-of-thorns starfish) છે. સમુદ્રમાં રહેલા પરવાળા તેનો મુખ્ય ખોરાક છે. આ તારા માછલીની વસ્તી કાબૂ બહાર જતી રહે ત્યારે સમુદ્રમાં ઊંડે ખડકોને ક્ષતિ પહોંચાડે છે, જે સામુદ્રિક જીવસૃષ્ટિ માટે જોખમી બને છે. સાતમા નંબરે ગાય-ભેંસ જેવાં ઢોરઢાંખર છે. તેમના ઓડકારમાં રહેલો મિથેન વાયુ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. પશુપાલનની પ્રવૃત્તિમાં તેમને ચરવા માટે ઘણી જમીન વપરાતી હોવાથી જંગલો ઘટી રહ્યાં છે. એમેઝોનના જંગલ વિસ્તારના ઘટાડા પાછળ 63% હાથ પશુપાલનનો ગણાય છે. છઠ્ઠા ક્રમે કાર્પ માછલી છે, જે નદી અને તળાવોમાં ઊંડે રહેલી વનસ્પતિને ઉખાડે છે. તે ફોસ્ફરસનું ઉત્સર્જન કરીને નદીના અન્ય જીવો માટે જોખમ ઊભું કરે છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કાર્પ માછલીની વસ્તી કાબૂમાં રાખવા દર વર્ષે લાખો ડોલર ખર્ચે છે. પાંચમા ક્રમે આવતી બકરીઓને જો લીલાછમ પ્રદેશમાં છોડી દેવામાં આવે તો થોડા દિવસમાં તેને રણમાં ફેરવી નાંખે. ચોથા ક્રમે અમેરિકા અને કેરેબિયન પ્રદેશમાં જોવા મળતા ઝેરી દેડકા (cane toads) છે. તેનો શિકાર કરવા માંગતા કે તેનો શિકાર બનતાં કોઈ પણ પક્ષી, પ્રાણી, માછલી કે સરિસૃપ માટે તેનું ઝેર જીવલેણ છે. ત્રીજા નંબરે bark beetle નામક ભમરા જેવી જીવાત છે. તે વૃક્ષોનો સફાયો કરીને જંગલ સાફ કરી શકે છે. બીજો ક્રમ ઉંદરને અપાયો છે. વિશ્વનાં કોઈ પણ સ્થળે ઉંદરોની સંખ્યા કાબૂ બહાર જાય તો માણસ સહિત તમામ પ્રાણીઓને ખોરાકનાં ફાંફાં પડી જાય, રોગચાળો નફામાં. 1918માં ઓસ્ટ્રેલિયા પાસે એક ડૂબતાં જહાજમાંથી થોડા ઉંદર છટકી ગયા. તે બધા Lord Howe island પર જઈ વસ્યા. થોડાં વર્ષોમાં આ નાનકડા ટાપુ ઉપર ઉંદરની સંખ્યા 3 લાખની ઉપર પહોંચી. વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓની કેટલીય પ્રજાતિઓ ત્યાં લુપ્ત થવા લાગી. 2019માં ઉંદરને ટાપુ ઉપરથી નાબૂદ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો. ત્યાર બાદ લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓ ફરી પાંગરવા માંડી. પર્યાવરણના સંતુલન (ecosystem) માટે દરેક પ્રજાતિની વસ્તી નિયંત્રણમાં રહે તે જરૂરી છે. અને હા, પર્યાવરણ માટે નુકસાનકારક પ્રાણીઓમાં પહેલો નંબર કોને અપાયો છે તે કહેવાની જરૂર ખરી? ⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...