ડો. સંકલ્પ મિત્તલ, સિનિયર ડેન્ટિસ્ટ,.
દાંત સ્વસ્થ તો શરીર સ્વસ્થ, દાંત એ શરીરનાં તમામ અંગો સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે. એટલે જ કહેવાય છે કે મોઢું એ આરોગ્યનું દ્વાર છે અને દાંત રક્ષકની ભૂમિકામાં છે. તેથી દાંતની ખાસ સંભાળ અને નિયમિત સારવાર લેવી બહુ જરૂરી છે. હાલમાં સામાન્ય રીતે દર્દીઓમાં દાંતનો સડો, પેઢાનો રોગ એટલે કે પાયોરિયાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. આ ઉપરાંત ફ્લોરોસિસ, વાંકાચૂંકા દાંત, મોઢાનું કેન્સર વગેરે રોગ પણ જોવા મળે છે. દાંતના રોગમાં વધારા પાછળ મુખ્યત્વે દાંતની જાળવણીમાં બેદરકારી, પાન-મસાલા-ગુટખા-સોપારીનું વ્યસન, અસમતોલ આહાર, જંક તેમજ ફાસ્ટ ફૂડનું વધતું પ્રમાણ, રહેણી-કરણીમાં ફેરફાર કારણભૂત હોવાનું જણાય છે. દાંત એ શરીરનું અભિન્ન અંગ હોવાથી દાંતના રોગને કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા અન્ય ગંભીર રોગ થઈ શકે છે. આ ઉપરાંત ઓછા વજન ધરાવતા બાળકનો જન્મ તેમજ અભ્યાસ પર પણ માઠી અસર થઇ શકે છે. આશ્ચર્યજનક છે કે શાળામાં ભણતા અને કામ કરતા બાળકો, કોલેજમાં અભ્યાસ કરતા અને ધંધો-વ્યવસાય તથા મજૂરી કામ કરતા યુવાનોમાં દાંતના રોગનું ચિંતાજનક રીતે વધતું પ્રમાણ સમાજ માટે લાલબત્તી સમાન બન્યું છે.
દાંતનો સડો
આપણે જે ખોરાક ખાઈએ છીએ તે બે દાંતની વચ્ચે અને દાંતના પોલાણમાં ભરાઈ જાય છે અને જો તેને અમુક સમય સુધીમાં દૂર ન કરીએ તો તેમાં સડો થાય છે. તે મોટું સ્વરૂપ લઈને દાંત અને મૂળિયાંને અસર કરે છે. દાંતના સડાથી બચવા માટે ડોક્ટરની સલાહ મુજબ દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. એ વાત પણ ધ્યાનમાં રાખવી કે ખોરાક લીધો હોય ત્યારે કોગળા કરીને દાંતમાં ભરાયેલો ખોરાક દૂર કરવો જોઇએ. ખાંડ, ચોકલેટ, કોલ્ડ્રિંક્સ તથા મીઠાઈ જેવા પદાર્થો વધુ પડતા લેવાથી દાંતનો સડો વધે છે.
ડાયાબિટીસથી દાંતને નુકસાન
ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિને કોરોના થયો હોય એટલે તેમના દાંત અને જડબાને બહુ મોટું નુકસાન થતું જોવા મળ્યું છે. આ પણ કોરોના સંક્રમણનાં જ લક્ષણો છે. જે લોકોમાં ડાયાબિટીસ કન્ટ્રોલમાં નથી, તેમનામાં છેલ્લા ત્રણ મહિનાનું શુગર લેવલ ટેસ્ટ દ્વારા જોવા મળે છે. આવા દર્દીઓમાં બ્લડ વેસલ્સ નબળી પડી જવાથી ફંગસ લોહીની નળીમાં ભળી જઈને ફેલાય છે. આમ થવાથી વેસલ્સ પણ બંધ થઈ જાય છે અને બ્લડ સપ્લાય અટકી જાય છે, જેથી ટિશ્યૂઝ ડેડ થાય છે. આ કારણે કોરોના પછી દાંતનો દુખાવો ઝડપથી મટતો નથી. પાયોરિયા વગર પણ જો દાંત હલતા હોય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ.
દાંતની સ્વચ્છતા
એક સંશોધન એવું પણ કહે છે કે દાંતની સાફસફાઈ અને માઉથવોશથી પણ દાંતની સંભાળ લઈ શકાય છે. કહેવાય છે કે ખરાબ પેઢાં અને દાંતને કારણે કોવિડ સંક્રમણ પણ 8.8 ટકા જેટલું વધી જાય છે. એમાં હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતા 2.5 ટકા અને દર્દીની વેન્ટિલેટર પર જવાની શક્યતા 4.5 ટકા વધી જાય છે. તેથી મોઢાની અને દાંતની સાફસફાઈનું ધ્યાન રાખવામાં આવે તો બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. દાંતમાં ફંગસ થાય ત્યારે આયોડોફોર્મ ડ્રેસિંગની પટ્ટી લગાડીને આ ઈન્ફેક્શન મટાડી શકાય છે. બેથી ત્રણ મહિના સુધી દર અઠવાડિયે આ પટ્ટી લગાડવાથી ઈન્ફેક્શન દૂર થાય છે. દર અઠવાડિયે પટ્ટી બદલી પણ શકાય છે. દર્દીને ખાવાપીવામાં તકલીફ ના પડે એ માટે નકલી જડબું અને પ્લેટ લગાડવામાં આવે છે. તેને ઓબ્ટ્યૂરેટર કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.