ઓફબીટ:વધુ પડતો પ્રેમ...

અંકિત ત્રિવેદી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો, અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.’ - શેખાદમ આબુવાલા પ્રેમ સારો છે, પણ વધુ પડતો પ્રેમ ગુંગળાવી નાંખે છે. પ્રેમમાં પડવું જ જોઈએ પણ એ આપણા એકલાનો ઈજારો નથી. આપણી ઓળઘોળનેસ બીજાને ટાયલાવેડા કે આછકલાઈ લાગી શકે છે. એક હદ પછી અંતરને પણ ‘અંતર’ ગમતું હોય છે. એટલો બધો પ્રેમ પણ ના કરવો કે સામેવાળી વ્યક્તિ અકળાઈ જાય. પ્રેમ એની માત્રા સાથે શોભે છે. આપણી લાગણીઓ સમજવા માટે દુનિયા નથી. દુનિયા સાથે આપણી લાગણીઓને બેલેન્સ કરવી પડે છે. જેને પ્રેમ કરીએ છીએ એની પોતાની પણ દુનિયા હોય છે, એનું પોતાનું એકાંત અને એની પોતાની પસંદગી હોય છે. આપણે એમાં ન પણ હોઈએ! એનો અર્થ આપણો એના પ્રત્યેનો પ્રેમ કે આદર ઓછો કરવાનો ન હોય. આપણા પ્રેમની ઈજ્જત ગમતી વ્યક્તિને આપેલી સ્વતંત્રતામાં છે. ખેંચાણ બંને પક્ષનું હોવું જોઈએ. એક પક્ષે ખેંચાણ અને બીજા પક્ષે ખેંચતાણ હોય ત્યારે આપણે વિકલ્પોની બાદબાકી કરવી. દુનિયા આપણને એના મતલબ મુજબ સમજે છે. પ્રેમ આપણને આપણા મતલબ મુજબ ગમાડે છે. વધુ પડતો પ્રેમ વધુ પડતી અપેક્ષાને નોંતરે છે. પ્રેમમાં મૌનની તાકાત છે. આંખોનાં કક્કો, બારખડી અને પલાખાં છે. જે અને જેટલાં તમને આવડે છે એ મુજબનાં સામેની વ્યક્તિને ન પણ આવડતાં હોય! અથવા તો એને આવડતાં હોય તો તમારી પાસેથી ન સમજવા હોય. પસંદ કરવું અને પ્રેમ કરવો એમાં ફેર છે. કોઈક આપણને પસંદ કરે પણ, પ્રેમ ન પણ કરે! કોઈ આપણને પ્રેમ કરે પણ એની પસંદમાં આપણે ન પણ હોઈએ. આપણા પ્રેમને આપણે જ આપણી હદમાં રાખતા શીખવું જોઈએ. દરેક વખતે મિલન જ ફળતું નથી, મિલનનો પણ મરતબો હોય છે. એને વેઠવાનું જેવા તેવાના નસીબનું કામ નથી! ચાહવાનું માત્રા સાથે હોય તો જ આપણે આપણને ઊજવી શકીએ. હેમેન શાહનો શેર છે- ‘ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.’ સામેની વ્યક્તિને આપણો પ્રેમ અત્યાચાર લાગે ત્યારે અટકી જવું. એવા અટકી ગયેલા પ્રેમ પાસે ભક્તિમય હૃદયનું સર્જન થાય છે. વ્યક્તિ વચ્ચે નફરત વધે એ પહેલાં બેમાંથી કોઈ એકે પ્રેમને બચાવી લેવો! ચૂપચાપ કરેલો પ્રેમ વધારે આનંદ આપે છે. આપણને સમજવાવાળું આપણા પ્રેમથી વધારે કોઈ નથી– એવા ભ્રમમાં જીવવા જેવું નથી! બારી-બારણાં ઉઘાડાં રાખશો તો ઘણાં સરનામાં આપણને ટપાલ લખવા તૈયાર બેઠાં હોય છે. હા, આપણે જેને પ્રેમ કર્યો છે એની આદર્શ મૂર્તિની આપણા હૃદયમાં પ્રતિષ્ઠા કરી હોય છે. એને મર્યાદા સાથે સ્વીકારવામાં નાનમ ન અનુભવશો. આરતીનો સમય અલગ અલગ હોય છે. ચોવીસ કલાક આરતી ઉતારીએ તો ભગવાન પછી પહેલાં આરતીમાં વાગતો ઘંટ અને આરતી ઉતારતા દીવા જ અકળાઈ જાય. થોડુંક અંધારું વધારે સારી સવાર ઉઘાડે છે. આપણને જે વ્યક્તિ ગમે છે એનું સ્થાન આપણા હૃદયમાં કેટલું છે? એ બતાવવાથી બંને તરફ નુકસાન જશે. સાબિતી અને રિપોર્ટ આપવાની વાત ઓફિસમાં કામ આવે, આત્મીયતામાં નહીં. પ્રેમ એક તરફથી પણ પૂર્ણ હોય છે. બીજી તરફને એમાં સામેલ કરીને જીવતાં આવડવું– એ પ્રેમની ધન્યતા છે. એના માટે બીજા વ્યક્તિનું ‘હોવું’ જરૂરી નથી.⬛ ઑન ધ બીટ્સ ‘દરિયા તરફ મેં આંગળી ચીંધી દીધી હતી, એણે કહ્યું કે પ્રેમ પર બોલો ટૂંકાણમાં.’ - હેમેન શાહ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...