મારા અઝીઝ દોસ્તો મહેરુ અને ફિરોઝ પીર, મુંબઈમાં એક જ ઓરડામાં પૂરો સંસાર માંડીને રહે. નોર્મલ પારસીઓની જેમ ખાવાપીવાનાં શોખીન, પણ વર્ષના 11 મહિના ઘરમાં બનાવેલી સસ્તી પણ તંદુરસ્ત વાનગીઓ ખાય. આવે બારમો મહિનો અને બંને, બચાવેલા પૈસાથી ઉપડે યુરોપની ટૂર ઉપર. જર્મનીમાં માઉટેશન, સ્પેનમાં પિમિઅનટૉસ-5’-પાડ્રો, યુ.કે.માં ફિશ એન્ડ ચિપ્સ, ઈટાલીમાં સ્પેગેટી-આલા-કાર્બોનારા અને ફ્રાન્સમાં જીભના લોચા વળે એવી વાનગીઓ અજમાવે. આનંદ આનંદ.
સાઈકોલોજીમાં આને કહેવાય ‘ડિલેય્ડ ગ્રેટિફિકેશન.’ આવતીકાલને વધારે સોહામણી બનાવવા માટે આજની મઝા જતી કરો, આવેશને કાબૂમાં રાખો, વિલપાવર વધારો, લાલચ રોકો, પ્રલોભનો ઉપર છેકો મારો. મુશ્કેલ પણ મહેનત અને અક્કલને સહારે સર થઈ શકે એવાં લાંબા ગાળાનાં લક્ષ્યાંકો સર કરવા માટે, આજની તારીખમાં મુશ્કેલીઓ વેઠવાની તૈયારી અને તત્પરતા હશે તો કાંઈ ઊપજવાનું નથી. શનિ-રવિએ રેસ્ટોરાં, અઠવાડિયામાં બે મૂવી, મહિનામાં ત્રણ પાર્ટી અને દર વર્ષે નવો સેલ ફોન- આવી લાઈફસ્ટાઈલ, જિંદગીનાં પાછલાં વર્ષોને બરબાદ કરી શકે છે.
સ્ટેનફોર્ડના પ્રો. વોલ્ટર મિશેલ સાહેબે કરેલા એક અભ્યાસમાં, 32 બાળકોને વિકલ્પ આપવામાં આવ્યો કે ક્યાં તો સામે રાખેલી માર્શમેલોઝની પ્લેટ હમણાં જ ખાઈ નાખો અથવા પંદર મિનિટ રાહ જોઈ બીજી બે ટ્રીટ મેળવો.
એવું તારણ આવ્યું કે જે બાળકોએ તરત જ માર્શમેલોઝ ખાવાની લાલચ રોકી વધારે બહેતર ટ્રીટની રાહ જોવાનું પસંદ કર્યું (ગ્રેટિફિકેશન ડિલે કર્યું), તે બધાં વધતી ઉંમરમાં વધારે સારું ભણી શક્યાં, વધારે તંદુરસ્ત રહ્યાં અને નાની મોટી સમસ્યાઓથી દૂર રહ્યાં.
કમનસીબે, આજની હર ઘડીએ બદલાતી ડાયનેમિક અને અનિશ્ચિતતાઓથી છલકાતી દુનિયામાં ડિલેય્ડ ગ્રેટિફિકેશનથી ફાયદો થશે જ એવી કોઈ ગેરંટી હોતી નથી. છતાં એવી ઘણી બાબતો છે જેમાં આવતીકાલને સોહામણી બનાવવા માટે આજનાં પ્રલોભનોનો સામનો કરવાની જરૂર પડે છે. રિટાયરમેન્ટ બાદ સુખ, શાંતિ, આરામમાં રહેવું હોય તો આજે બચત કરવી પડશે. પ્રો. મિશેલે ‘હોટ અને કોલ્ડ’ સિસ્ટમ અપનાવવાની સલાહ આપી છે. જ્યારે આવતીકાલમાં ખૂબ અનિશ્ચિતતા હોય ત્યારે આજનું આજે- હોટ સિસ્ટમ, લોખંડ ગરમ હોય ત્યારે હથોડો મારી દો. કૂલ સિસ્ટમમાં જરૂરી ભોગો આપવાથી આવતીકાલ બહેતર હોવાની ખાતરી હોય તો ગ્રેટિફિકેશન મોડું કરો.
થોરામાં ઘનું સમજવું હોય તો જે કરવા જેવું છે તે આજે જ કરી નાખો અને જે કાંઈ મેળવવા જેવું છે તે મેળવવા માટે આજે તકલીફ ભોગવી લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.