મુંબઈની સંસ્થા અલ્પવિરામ પ્રાયોજિત એક વ્યાખ્યાનમાળામાં લેખક અશ્વિનીકુમાર ભટ્ટનું પ્રવચન હતું અને તેમાં ભટ્ટસાહેબનો પરિચય આપતા એક પત્રકારે કહેલું કે આ પરિચય આપવા માટે એમની ‘જોડે’ ફક્ત આઠ મિનિટ છે. મોડી રાત્રે એક મિત્રને ત્યાં અમે મળવા ગયેલા તો કહે કે તું ખાવાનો હઊ તો મારી ‘જોડે’ થોડો ભાત છે. અમદાવાદની લાલ બસમાં એક ભદ્રમહિલા ફોનમાં તતડાવતાં હતાં કે મારી ‘જોડે’ બહુ ‘ચોંપલાશ’ કરીશ તો તારું ધોતિયું ખેંચી કાઢીશ! કોથમીર–મરચાં લેવા જતા મનસુખભૈને તરલાકાકીએ કહેલું કે જોડેજોડે ગેસની ટાંકી લેતા આવજો. શુદ્ધ કે સ્વચ્છ કે શિષ્ટ ગુજરાતી કોને કહેવું તે બાબત અમે સાંભળેલું કે બે વિચારધારાઓ હતી: એક ભાવનગરની ગુજરાતીને માન્ય ગણવી ને બીજી ધારા હતી અમદાવાદના ખાડિયા વિસ્તારના સદગૃહસ્થો બોલે તેને. અંતે ખાડિયા જીત્યું હતું. કોઈ પત્રકાર બોલે તેથી જોડે સ્ટાન્ડર્ડ ગુજરાતી જ હોય, અથવા થઈ જાય; અને અગાડી પછાડી તો ક. મા મુનશીનો કાક પણ બોલતો હોય છે એટલે તે પણ માન્ય વચનો હશે જ. ફક્ત એટલું જ કે ગગનવાલા આ કોલમ 2004થી લખે છે અર્થાત્ 18 ગુણ્યા 50 એટલે આજ સુધીમાં 900 નિબંધ લખ્યા હશે પણ તે ‘જોડે’થી દૂર રહ્યા છે. જોડે શબ્દ જોડે અમને કોઈ વાંધો નથી પણ અમે જે પ્રદેશની ગુજરાતી બોલી બોલીએ છીએ તેમાં જોડે ને અગાડી ને પછાડી ને એવા બધા શબ્દો બોલાતા નથી. વધુમાં, પંડિતયુગમાં લેખિત ગુજરાતી માટે માન્ય વ્યાકરણ હતું કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું, જેમાં માનાર્થે બહુવચન દર્શાવવા ‘તેઓને’ સર્વનામ નહીં વાપરવા ભલામણ છે. રઘુવીર ચૌધરીનો પરિચય આપતા કહેવાય કે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો એમ કહેવું બરાબર નથી. માન્ય ગુજરાતીમાં તેણી અને એવણ સર્વનામો પણ વર્જિત છે છતાં ગગનવાલા જરી શ્ટાઇલ માટે એ બધા અમાન્ય શબ્દો વાપરે છે, એક લિજ્જત માટે. ત્રિવેદી સર તો એમ પણ કહે છે કે પરમ આશ્ચર્ય કે અતિ ઉત્કંઠા બતાવવા ઘણા લોકો બેવડાં આશ્ચર્યચિહ્નો કે પ્રશ્નવિરામો વાપરે છે, જેમકે અરે વાહ, મુંબઈનો હલવો!! અથવા મુંબઈનો હલવો?? કે વળી મુંબઈનો હલવો!? તે અમાન્ય છે. એક આશ્ચર્યચિહ્ન કે એક પ્રશ્નવિરામ પૂરતું છે, હલવો હોય કે ફાફડા!! ફેવરિટ હોય તેથી ઠેકડા ન મરાય!! અત્યારે ગુજરાત રાજ્ય ભાષા નિયામક તરફથી ગુજરાતી ભાષા માટે બૃહદ શબ્દકોશ અને ભાષાનો ઇતિહાસ વગેરે અતિ ઉપયોગી અને રસિક પુસ્તકો પ્રગટ થયાં છે પણ તેનો ખાસ ઉપાડ નથી. અમે કલકત્તાથી અમદાવાદ આવી વસ્યા ત્યારે નમણા હિતુભાઈનું રળિયામણું અમદાવાદ કોટવિસ્તારમાંથી ચોરપગલે બહાર આવી આશ્રમ રોડ ઉપરની આઇસક્રીમની જાણે ચમચીચમચી વિકાસની લિજ્જત લેતું હતું. પણ હવે તો તે પોળો ને કોટવિસ્તાર ને કોઓહાસોલિનું કલ્ચર ક્યાંય ફેંકાઈ ગયું છે ને પાઘડા જેવા લાંબા મહામાર્ગો ઉપર છકડા, રિક્ષા, બસ, સ્કૂટર, મોટરકાર અને જોડેજોડે પાયચારીઓના હકડેઠઠ ટ્રાફિકનો કચ્ચરઘાણ ફેણ ફેલાવે છે. અને ખાડિયાની બોલીના ક્યારના ચૂરેચૂરા કરી વોટેસપિયા ને ફેસબુકિયા શોર્ટહેન્ડ સિંહાસન ઉપર છે. અત્યારે વળી વાયડો વિચાર આવે છે કે આજે ક્યાંની બોલી તે શિષ્ટ ગુજરાતી એવું નક્કી કરવું હોય તો પહેલાં તો કઈ સંસ્થા પાસે જવું? કયા સ્થળની ગુજરાતી બોલીને ‘સ્ટાન્ડર્ડ’ યાને માન્ય કે શિષ્ટ ગુજરાતી ગણવી? કે પછી હાલ ઊછળતાં પાણી જરી સેટલ થાય ત્યારે નક્કી થાય? અને વ્યાકરણ? ફગ્ગેટીટ!! અને વિરામચિહ્નોનું કેમ કેમ છે? આપણને અચાનક યાદ આવે કે ભાષા એટલે તેના અક્ષરો, શબ્દો તેમ જ તેનાં વિરામચિહ્નો. સ્પેનિશમાં પ્રશ્નાર્થ કે આશ્ચર્યવિરામ હોય તો વાક્યના આરંભે ઊંધો ને અંતે સીધો મુકાય છે! બીજા પણ અજાયબ લક્ષણો હશે બીજી ભાષાઓમાં, પરંતુ ખુદ અંગ્રેજીમાં કોમા યાને અલ્પવિરામ વાપરવા બાબત ટંટો છે. રામ, લક્ષ્મણ, અને સીતા વનમાં ગયાં. તથા રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયાં. આ બેમાં શો ફરક? અમેરિકન ગ્રામેરિયનો લક્ષ્મણ પછી કોમાની જરૂર જોતા નથી. ઇંગલેન્ડવાળા લક્ષ્મણ પછી કોમા અચૂક વાપરવાની ભલામણ કરે છે. તે કોમાને ઓક્સફર્ડ કોમા કહેવાય છે. અંગ્રેજો માને છે કે લક્ષ્મણ પછી કોમા ન મૂકો તો રામ વનમાં જાય પછી લક્ષ્મણની જોડે સીતા વનમાં જાય. લક્ષ્મણ પછી કોમા મૂકો તો રામ તથા લક્ષ્મણ અને જોડેજોડે સીતા વનમાં જાય. અમારું માનવું છે કે આપણી ભાષાઓમાં વિરામચિહ્નો પૂર્વે નહોતાં પણ અંગ્રેજોએ દાખલ કરાવ્યાં. ગુજરાતીમાં વિરામચિહ્નો એવા શીર્ષકથી મોહનભાઈ પટેલ અને ચન્દ્રકાંત શેઠ લિખિત માન્ય પુસ્તિકા છે, જે અમને અત્યંત ઉપયોગી લાગી છે. પરંતુ અન્ય લેખકો, ખાસ કરીને વાર્તાકારો જોડણીફોડણી તો પછીની વાત છે પણ પંક્ચુએશનમાં પણ આળસ કરે છે. ખાલીખાલી પૂર્ણવિરામને બદલે ત્રણત્રણ ટપકાં કરી જાણે હૈયાસગડીની આગ બુઝાવે છે. જેમકે મનસુખભૈ ગેસની ટાંકી લઈ આયા... જય કમળાશંકર દાદા...! ⬛ madhu.thaker@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.