મેનેજમેન્ટની abcd:આજનો તકાજો – એસિન્ક્રોનોસ વર્ક

બી.એન. દસ્તૂરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં મારી પૌત્રી માઈક્રોસોફ્ટમાં એન્જિનિયર છે. કામ કરે છે. કદીક શિકાગોમાંથી, કદીક કુપરટીનોથી. મારો દીકરો ઈન્ટેલમાં છે. હાઈબ્રીડ મોડ ઉપર કામ કરે છે. મોટાભાગે ઘરથી અને જરૂર પડે તો કંપનીની ઓફિસમાંથી. આગેવાન કંપનીઓમાં મારા મિત્રો કામ કરે છે ક્યારેક મેંગ્લોરથી, ક્યારેક બેંગ્લોરથી, ક્યારેક ગામડેથી. જે કરવાનું છે તે એની સમયમર્યાદામાં, ગુણવત્તા ગુમાવ્યા વિના, ગમે ત્યાંથી, ગમે ત્યારે કામ કરવાની આ નવી રસમનું નામ છે ‘એસિન્ક્રોનોસ વર્ક.’ દુનિયાભરના નોલેજ વર્કરો ફ્લેક્સિબલ શિડ્યૂલના આશિકો બનતા જાય છે. ‘9થી 5’નું કલ્ચર ઝડપથી તૂટી રહ્યું છે. ટેક્નોલોજી, ઓટોમેશનનો વ્યાપ વધતાં, બોસની બાજનજર નીચે કામ કરવાની જરૂર જણાતી નથી. જે સંસ્થાઓ એસિન્ક્રોનોસનો વિરોધ કરશે એને પ્રતિભા શોધ‌વા, સાચવવામાં મુશ્કેલીઓ પડશે. શરૂઆત કરો ઉચ્ચ મેનેજમેન્ટથી. ઉત્તમ ટેક્નોલોજીની મદદથી એસિન્ક્રોનોસ વર્ક કલ્ચર અજમાવી, ઉચ્ચ મેનેજમેન્ટ ઉત્તમ પરિણામો આપે તે ખૂબ જરૂરી છે. તમારા નોલેજ વર્કરોને કેટલા સમયમાં, ક્યાં, કઈ હાલતમાં, કોની મદદથી પહોંચવાનું છે તે સમજાવો અને ટેક્નોલોજીના સહારે પરિણામો મોનિટર કરો. મશહૂર કિતાબ ‘ઓવરલોડ’ના લેખકો પ્રો. એરિન કેલી અને ફિલિસ મોએનનો ‘સ્ટાર’ મોડલ (સપોર્ટ, ટ્રાન્સફોર્મ, અચિવ, રિઝલ્ટ્સ) અપનાવો. મિટિંગોની સંખ્યા ઘટાડો. ટ્રેનિંગ, કોચિંગ, મેન્ટરિંગ, ફીડબેક માટે જ ભેગાં થાઓ. જેની ટેવ જ પડી ગઈ છે એ જૂની પ્રોસિજરો અને પોલિસીઓને, માન્યતાઓને ચેલેન્જ કરો. પોલિટિક્સને ન્યૂટ્રલાઈઝ કરવાના પ્રયત્નો કરો. અસરકારકતા વધશે અને બોસનું પર્સેપ્શન મેનેજ કરવામાં બગડતી શક્તિનો સદુપયોગ થશે. પરિણામો માટેની જવાબદારી અને માપદંડો નક્કી કરી એનું કડક મોનિટરિંગ કરો. કઈ ટેક્નોલોજી, ક્યારે, કેટલી માત્રામાં, કેટલા સમય માટે વાપરવી તે નક્કી કરો. એસિન્ક્રોનોસ વર્ક કલ્ચર રાતોરાત આવવાનું નથી. શરૂઆતના દિવસોમાં પ્રયોગો કરતા રહો. શું કરવાની જરૂર છે? શું કરવાની ત્રેવડ છે? પરિણામોની ગુણવત્તાના માપદંડો કયા? બિનજવાબદાર બિહેવિયર અટકાવવા શું કરવું? ફીડબેક કોણ, ક્યારે, કઈ રીતે આપશે? ઉત્તમ કામની કદર કેવી રીતે કરવી? આ અને આવા સવાલોના જવાબો શોધો, શોધતા રહો. શરૂઆતના દિવસોમાં ચિંતા અને ફ્રસ્ટ્રેશન આવવાનું જ છે તે હકીકત સ્વીકારો. સત્તાનો દેખાડો કરનાર લીડરો અને મેનેજરોને એમનો માઈન્ડ સેટ બદલવાની તાલીમ અને તક આપતા રહો. જરૂર જણાય તો હાઈબ્રીડ મોડલથી શરૂઆત કરો. અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ ઓફિસ અને બાકીના દિવસોએ વર્ક ફ્રોમ હોમ. તમને પસંદ ન આવે તો પણ જેમ બને એમ જલદી એસિન્ક્રોનોસ કલ્ચર અપનાવવામાં સમજદારી છે. પ્રતિભાવો, સવાલોનું સ્વાગત છે.⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...