ચોવીસ કલાક પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દુનિયા આખીમાં ઊજવાશે. પોતાના અસ્તિત્વની ખોજમાં નીકળેલી સ્ત્રીનો આ એક વિસામો છે. એક વાત આપણા સમાજધર્મી ઋષિવરો અને ચિંતકો બરાબર સમજતા હતા કે બ્રહ્માંડના ‘અથ’થી સંભવિત ‘ઇતિ’ સુધી એક એવી શક્તિનું ગૌરવ વસેલું છે જે સર્જકતા સાથે જોડાયેલું છે, તે માતૃશક્તિ તરીકે પૃથ્વીનો સ્વીકાર કરે છે. ધરતી અમારી માતા છે, અમે તેના પુત્રો.. આ સનાતન ઉદ્દગાર અમસ્તો નહોતો, વિજ્ઞાન અને આધ્યાત્મ, કોસ્મિક વિશ્વ અને દેહવૈભવ… બધે ક્યાંક ને ક્યાંક આ શક્તિ ઉપસ્થિત છે. તે શિવ સાથે અતૂટ સંબંધ ધરાવે છે અને તેમાંથી સૃષ્ટિ સર્જાય છે. આ જ પરંપરામાં આપણે માતૃશક્તિની વિભાવનાને અસત્યની સામે સત્યના વિજય સ્વરૂપે ઉમેરી. કાલિકા, ચંડિકા, અન્નપૂર્ણા, અંબા, ગૌરી, લલિતા, ત્રિપુરા સુંદરી, ભવાની, શારદા, સરસ્વતીથી માંડીને ગંગા, યમુના, કાવેરી, નર્મદા જેવી સરિતા સુદ્ધાં નારીની ભવ્યતા આપણે સમગ્ર રીતે વ્યક્ત કરી છે. લક્ષ્મી વિનાના વિષ્ણુ, કે સીતા વિહોણા રામની કલ્પના કરવી મુશ્કેલ છે અને શિવ તો પોતે જ અર્ધનારી નટેશ્વર છે!
આ ભારતીય મંથનનું એક પરિણામ એ શક્તિ-સ્તોત્ર છે. આદિ શંકરાચાર્યની રચનાઓમાં જ કેવું શક્તિવંદનાનું વૈવિધ્ય છે? અન્નપૂર્ણાષ્ટકમ, કનકધારા સ્તોત્ર, ગૌરીદશક, દેવ્યાપરાધ ક્ષમાપન, ભાવનીભૂજઙપ્રયાત, મંતર માતૃકા પુષ્પ, મીનાક્ષી પંચરત્ન… આ યાદી ઘણી મોટી છે અને પછીના આચाાર્યો પણ માતૃવંદનાના આવાહકો રહ્યા. બીજી તરફ કવિકુલગુરુ કાલિદાસથી માંડીને અનેક સંસ્કૃત, પ્રાકૃત તેમજ અર્વાચીન ભાષા સુધી તેનો વૈભવ રહ્યો. ત્યાં સ્ત્રી સૌંદર્યનું છલોછલ વર્ણન છે. લોકસાહિત્ય-ગરબી, ગરબા, રાસ, આરતી… સર્વત્ર શક્તિ સ્વરૂપાનું મહત્ત્વ છે.
અર્વાચીન ભારતમાં સ્વાધીનતા અને ગુલામી વચ્ચેના સંઘર્ષ દરમિયાન અનેક ચમત્કારી ઘટનાઓનું અને સૂત્રોનું નિર્માણ થયું તે પણ રોમાંચક ઇતિહાસ છે. એકલા વંદેમાતરમ્ ગીતની વાત કરીએ તો તે માત્ર એક નવલકથા ‘આનંદમઠ’ માટેનું ગીત નથી, અસંખ્ય બલિદાનીઓ વંદેમાતરમ્ ગાતાં ગાતાં ફાંસીના માચડે ચડી ગયા, એવી કઈ શક્તિ આ એક શબ્દમાં હશે? કાર્તિક શુક્લ નવમી શક સંવત 1717 એટલે કે 7 નવેમ્બર, 1875ના દિવસે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આ સર્જન થયું ને જોતજોતામાં બંગ ભંગ વિરોધી આંદોલનનું પ્રાણસૂત્ર બની ગયું. આનો અર્થ એ છે કે આપણા રાષ્ટ્રવાદનું સૂત્ર માતૃપૂજનનું પરિણામ છે. 1975માં આ એક શબ્દનો શતાબ્દી સમારોહ ઊજવાયો હતો. મજાની વાત એ છે કે જેલોમાં પણ તેની ઉજવણી થઈ, કારણ કે લોકતંત્રનો છેદ ઉડાવતી આંતરિક કટોકટી હેઠળ 1,10,000 લોકો જેલોમાં હતા, જેમાં જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, મોરારજીભાઇ જેવા દિગ્ગજ રાજકીય નેતાઓ પણ હતા. સ્ત્રીની શક્તિ ક્યારેક મહિષાસુરમર્દિની બનીને આવે છે, ક્યાંક તે સુજલા સુફલા છે, કોઈ સ્થાને તે ભુવનમોહિની બને છે, તે સીતા જેવી ધરતી પુત્રી છે, શિવપ્રિયા ગૌરી છે, શકુંતલા અને ચૌલાદેવી જેવાં પાત્રમાં પ્રકટ થાય છે. તે યોગિની છે જેને મીરાંએ જોગણ કહી, તે કૃષ્ણની પરમ પ્રેમિકા રાધા બનીને આવે છે. અર્વાચીન યુગમાં ભારતીય સ્વતંત્રતા શક્તિની પ્રેરણા હતી. ઝાંસીમાં તે ‘મેરી ઝાંસી નહીં દૂંગી’ના લલકાર સાથે યુદ્ધના મેદાને ઉતરી હતી. તે જ સમયે 1857માં અવધની બેગમોએ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાને જવાબ આપતો ઢંઢેરો જાહેર કર્યો હતો. માંડલેની જેલમાં જર્જરિત બહાદુરશાહ ઝફરને સાચવનારી બેગમ હજરત મહલ જ હતી ને? ગદર આંદોલનના નાયક રાસબિહારી બોઝને તમિકો નામની જાપાનીઝ કન્યાએ જીવનસાથી બનાવીને આઝાદ હિન્દ ફોજમાં મહત્ત્વનું પ્રદાન કર્યું, તો લંડન અને પેરિસમાં ગુજરાતી-પારસી તેજસ્વિની માદામ કામા તો ‘ક્રાંતિના માતા’ તરીકે જાણીતા થયાં, તેમણે પણ ‘વંદેમાતરમ્’ નામે એક અખબાર જર્મનીથી પ્રકાશિત કર્યું હતું. શક્તિ રૂપેણ સંસ્થિતાનો સાક્ષાત્કાર બે મહાન પાત્રોને થયો તે અરવિંદ ઘોષ અને ભગિની નિવેદિતા. અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ પુસ્તિકા વડોદરામાં બેસીને લખી, શાંતિનિકેતનના અવનીન્દ્રનાથ ટાગોરે તેના પરથી ચિત્ર દોર્યું ભારતમાતાનું અને જોતજોતામાં ‘ભારત માતા કી જય’ જેવા સૂત્રથી ભારતનું આકાશ ગાજી ઊઠ્યું. ભગિની નિવેદિતાએ ‘કાલિ ધ મધર’ લખ્યું અને ક્રાંતિકારોએ તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી. એક વધુ શક્તિ-કેન્દ્રી સૂત્ર છેક લંડનમાં વીર સાવરકરે આપ્યું અને શ્યામજી કૃષ્ણવર્માના ઈન્ડિયા હાઉસમાં ગાજયું તે ‘સ્વાતંત્ર્ય લક્ષ્મીની જય હો!’ હતું.
થોડાંક જ નામો પ્રચંડ શક્તિની સાથે ભારતીય સ્વાતંત્ર્ય જંગમાં અંકિત થયાં તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યાદ કરવા જેવા છે. આ નામો મોટેભાગે ભૂંસાઈ ગયાં અથવા તો ભૂંસી નાખવામાં આવ્યાં. સ્વાતંત્ર્યના ઈતિહાસમાં તેમણે મહત્ત્વનું યોગદાન પ્રદાન કર્યું. ભગવતી ચરણ વહોરા ભગત સિંહની થિંક ટેન્ક હતા, તેની પત્ની દુર્ગાભાભી છેક સુધી ક્રાંતિકારી રહ્યાં. સુશીલા દીદી એવું બીજું નામ. તમામ ક્રાંતિકારોને તેણે મમતા અને સાહસ આપ્યાં. પ્રીતિલતા હાલના બાંગ્લાદેશના ચટગ્રામ ઘટનાની સાહસિક કન્યા. અંગ્રેજોના હાથમાં પડવાને બદલે બંદૂકોની બોછાર વચ્ચે રસાયણની સાથે રાખેલી પડીકી ખાઈને આત્મવિસર્જન કર્યું. શાંતિ ઘોષ અને સુનીતિ હાઇસ્કૂલની છાત્રાઓએ પદવીદાન સમારંભના અતિથિ અંગ્રેજ ગવર્નરને જાહેરમાં ગોળી મારી. વીણા દાસ. તેની બહેન કલ્યાણી દાસ, કલ્પના દત્ત, વનલતા દાસગુપ્તા, કેપ્ટન લક્ષ્મી સહગલ, માનવતી આર્યા, વસુમતી શુક્લ, રાણી ગાઈ-દીન-લ્યુ, લજ્જાવતી, શન્નો દેવી, મીરા દત્ત, ઇન્દુમતિ સિંહ, મૃણાલિની દેવી, ઝલકારી દેવી, મેના બાઈ, નાની બાળા, રામરખી, કેપ્ટન પેરિન, એગ્નેસ સ્મેડલી, રમા મહેતા, શકુંતલા ગાંધી,.. આ એવાં નામો છે કે તેમણે શક્તિના અવતારને ધારણ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે ઘરઆંગણાનાં આ નારી-નક્ષત્રોને પણ યાદ કરીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.