ક્રાઈમ ઝોન:રોજરોજના કલહથી કંટાળીને પુત્રવધૂએ પાડોશના ઘરમાંથી કરી રિવોલ્વરની ચોરી

પ્રફુલ શાહ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ ફોન પર મળ્યો એવી જ પોલીસ ચોંકી ઊઠી. તેમને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો
  • વહુએ​​​​​​​ પોઈન્ટ બ્લેન્કથી સાસુના માથામાં ગોળી મારી

આર્ણી. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના 6500 ખોરડા ધરાવતા આ નાનકડા ગામમાં લગભગ શાંતિ જ હોય. 28-30 હજારની વસ્તી. અરૂણાવતી નદીને મોજમાં રહેતી એમ કહેવામાં અતિશયોક્તિ ન થાય. ગામમાં મહાદેવના પ્રાચીન મંદિરની બાજુમાં જ સૂફી સંત બાબા કંબલપોષની દરગાહ. જાણે ગામની એકતાનું પ્રતીક. આ ગામમાં રહેતા પોરજવાર પરિવારના ઘર બહાર 2022ની 24મી જાન્યુઆરી, સોમવારે એક હમાલ ઊભો હતો. પરિવારની વડીલ આશા, બે દીકરા અરવિંદ અને મંગેશ તથા અરવિંદની પત્ની સરોજ રહે. પોરજવાર કુટુંબ શાકભાજી વેચવાનો ધંધો કરે. એ સવારે 68 વર્ષનાં આશા પૂજા કરતા હતાં, ત્યારે મજૂર શાકભાજી આપવા આવ્યો. સરોજે શાકભાજી અંદર લઈને મજૂરને કીધું કે સાસુબાઈ પૂજા કરી લે એટલે હિસાબ કરશે. સરોજ અંદર ગઈ. મજૂર ક્યાંય સુધી રાહ જોતો ઊભો રહ્યો. થોડી વારમાં અંદરથી કંઈક અવાજ આવ્યો, તો મજૂરે માથાને ઝાટકો માર્યો કે મારે શી પંચાત. રાહ જોઈને થાકી-કંટાળીને એ જતો રહ્યો કે ચાલો પછી હિસાબ કરી લઈશું. પરંતુ પછીના બે કલાકમાં તો આર્ણી ગામમાં હાહાકાર મચી ગયો કે બિચારી આશા અચાનક સ્વર્ગે સિધાવી ગઈ. સરોજે રડતાં રડતાં ગામવાળાને અને પોલીસનેય જાણકારી આપી કે સાસુમા લપસીને પડી ગયાં. માથામાં થયેલી ઈજાને કારણે તેમનો જીવ ગયો. ઘરમાં લોહીના ખાબોચિયામાં પહેલાં આશાબાઈને જોઈને ઘણાંને દયા આવી કે આવું ઓચિંતું અને કરુણ મોત! રાબેતા મુજબ પોલીસે મૃતદેહને યવતમાલ પાલિકાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોરજવારના ઘરે સગાંસંબધી અને આડોશીપાડોશીની ભીડ વધવા માંડી. રોકકળ રોકાવાનું નામ ન લે. આ વાત સવારે ઘર પાસે ઊભેલા મજૂરના કાને પહોંચી. એ બિચારો સ્તબ્ધ થઈ ગયો કે હજી સવારે તો માજી પૂજા કરતા હતાં અને સાવ અચાનક મોટે ગામતરે ઉપડી ગયાં? કંઈક યાદ આવતા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. સવારે પોતે પોરજવારના ઘરે ગયો હતો. ત્યાં ખૂબ રાહ જોઈ, ખૂબ મોટો અવાજ સાંભળ્યો અને છેવટે ખૂબ રાહ જોઈને પાછો ફર્યો એ બધી વાત માંડીને કરી. હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ ફોન પર મળ્યો એવી જ પોલીસ ચોંકી ઊઠી. તેમને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. કેવી રીતે બેસે? રિપોર્ટ મુજબ આશા પોરજવારનું ખૂન થયું હતું અને એ પણ માથામાં ગોળી મારીને! આટલા નાના ગામમાં ગોળીબાર અે કદાચ પહેલી ઘટના હતી. એમાંય વયોવૃદ્ધ આશાબાઈએ કોઈનું શું બગાડ્યું હોય કે એમનું મર્ડર કરવું પડે. પરિવાર હતોય સાવ ગરીબ એટલે પ્રોપર્ટી કે સોના-રૂપાનો વિવાદ તો શક્ય નહોતો. ખરે, ઘટનાસ્થળે અને ઉપસ્થિત લોકોની પૂછપરછમાંથી જ કંઈક ઉપયોગી મેળવવાની આશા સાથે પોલીસ પહોંચી આર્ણીના વોર્ડ નં. બેમાં, જ્યાં પોરજવાર ફેમિલી રહેતું હતું. બંને દીકરાનાં રૂદન બંધ થતાં નહોતાં. નાછૂટકે પોલીસના સવાલોના જવાબ આપ્યા, પરંતુ એ બંનેનું કહેવું હતું કે પોતે ઘરની બહાર હતા. રડી રડીને જેની આંખ લાલ થઈ ગઈ હતી એ પુત્રવધૂ સરોજને પૂછ્યું તો હીબકાં ભરતાં ભરતાં એ જ વાત કરી કે સાસુમાનો પગ લપસી ગયો. પડ્યાં એટલે માથું ભટકાયું અને... એ આગળ ન બોલી શકી. પોલીસ અફસર ચૂપચાપ સરોજને જોઈ રહ્યો. ‘પણ પોસ્ટમોર્ટમમાં તો બહાર આવ્યું કે તમારી સાસુનું મોત માથામાં ગોળી મારવાથી થયું છે.’ એકદમ ટાઢાબોળ અને ધારદાર અવાજમાં આ વાત સાંભળીને સરોજે અફસર સામે જોયું. એની આંખમાં ગભરાટ જોઈને પોલીસે કંઈ ન પૂછ્યું. એક હવાલદારને બોલાવીને કાનમાં ફૂંક મારી કે આખું ઘર ફેંદી વળો. નાનકડા મકાનમાં શોધખોળ કરવામાં વાર કેટલી લાગે? દસેક મિનિટમાં હવાલદારનો અવાજ સંભળાયો, ને અફસરે રસોડામાં જઈને જોયું કે એક પાટિયા નીચે રિવોલ્વર છુપાવેલી હતી. આંચકો ખૂબ મોટો હતો, પણ એ ભૂલીને પોલીસે સરોજની લેફ્ટરાઈટ શરૂ કરી દીધી. સરોજે જે કહ્યું એ માની ન શકાય એવું હતું. સાસુ સાથેના રોજિંદા કંકાશથી એ ભયંકર કંટાળી ગઈ હતી. તેણે નક્કી કરી લીધું કે આનું કાસળ કાઢી નાખ્યે જ છૂટકો. પણ શું કરવું એ કંઈ સૂઝતું નહોતું. અચાનક એક વિચાર આવ્યો અને તક પણ મળી ગઈ. પાડોશમાં રહેતા નિવૃત્ત જેલર પ્રભુ ગાવણકરના ઘરમાંથી તેણે રિવોલ્વર અને સાત કારતૂસ ચોરી લીધા. ગાવણકરને ખબર પડતાં જ ચોરીની ફરિયાદ નોંધાવી દીધી. આ તરફ સરોજ મોકાની રાહ જોવા મંડી, જે ચોથે દિવસે મળ્યો. સાસુમા સોમવાર હોવાથી ભોલેનાથની પૂજામાં વ્યસ્ત હતાં, ત્યારે તેણે પાછળથી માથામાં ગોળી મારી દીધી. નજર સામે જ એનું પ્રાણપંખેરું ઉડતા જોયું અને પછી તેઓ પડી ગયાંનો રાગ આલાપવા માંડી. પોલીસે શોધી કાઢેલી રિવોલ્વર પોતાની જ હોવાનું ગાવણકરે સ્વીકાર્યું. રોજિંદા ઘરકામ માટેનો કંકાશ આ હદે કેવી રીતે થઈ શકે? સંયુક્ત કુટુંબ પ્રથા માટે જાણીતા ભારત અને હજીય એ પ્રથાને સાચવી રાખતા ગ્રામીણ વિસ્તારમાં આવું બની શકે? આ તો એકતા કપૂરની ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’ને ‘પાણી કમ ચા’ સાબિત કરે એવી ઘટના છે. બાય ધ વે, તમે સહનશીલતા વિશે સાંભળ્યું છે ખરું?{ praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...